દિવાળીમાં મોદી સાથે વર્લ્ડ બેન્કના પ્રમુખ બનશે ગુજરાતનાં મે’માન

ગાંધીનગર તા.9
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના દિવસો દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 3 દિવસીય કોન્ફરન્સ યોજવા જઇ રહી છે. જેમાં પીએમ મોદીની સાથે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ પણ સંબોધન કરશે. આ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના પ્રોબેશનરી આઇએએસ, આઇએફએસ, આઇઆરએસ, આઇપીએસ અધિકારીઓ અને સચિવો હાજર રહેશે. કેન્દ્ર સરકારની આ ત્રિદિવસીય શિબિરમાં વિવિધ મુદ્દે અધિકારીઓને માર્ગદર્શન અપાશે.

વર્ષ 2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની થીમ સાથે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ હશે.
આ પહેલા કેન્દ્ર સરકારની ડીજી કોન્ફરન્સ સહિત કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઇ ચૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બનાવવાની નેમ સાથે પ્રધાનમંત્રી મોદીએ અનેક પ્રોજેક્ટની શરુઆત કરાવી છે, ત્યારે આ પ્રકારની કોન્ફરન્સથી કેવડિયાને પ્રવાસન કેન્દ્ર તરીકે વેગ મળશે. 31 ઓક્ટોબરે પીએમ મોદી આ કોન્ફરન્સને સંબોધન કરશે અને વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ પણ સંબોધન કરશે. જેમાં વિશ્વની આર્થિક સ્થિતિ અને સુધારો પર વાત કરશે. આ કોન્ફરન્સથી અધિકારીઓને હાલની આર્થિક સ્થિતિમાં દેશને વધુ મજબૂતીથી આગળ વધારવાની દિશા અપાશે.
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટની આ મુલાકાત ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસના આંકડા જાહેર થયા પહેલાની હશે એટલે મહત્વની બની રહેશે. વિશ્વમાં ભારતને ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસ ક્ષેત્રે આગળ લાવવા મોદી સરકારની કામગીરીની છાપ પણ આ પ્રવાસ દરમિયાન દેખાશે.

રિલેટેડ ન્યૂઝ