(વિજય) રાજ અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે

પ્રથમ તો એક દૂહો ફટકારું. રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂરા થયે 1થી 9 ઓગષ્ટ સુધી ઉજવણી થવાની તેને અનુરૂપ દૂહો છે: મીઠાં બોલા ને મધઝરા, શાણા ને ચકોર; પ્રાણિયા એનો સંગ ન કરો, હાળા નકરા કોરા ધાકોડ! રૂપાણી સરકારે 9 દિવસના ધરાર અને સરકારી ‘વિજયોત્સવ’ની જે જાહેરાત કરી એમાં સદીની સૌથી મોટી વિપદા એવી કોરોના મહામારીના ભોગ બનેલા કે પીડિતોના પરિજનો માટે એક પાવલૂંય વાપરવાનો ઉલ્લેખ નથી. રૂપિયા-પૈસા તો છોડો, પીડિતજનોનાં આંસૂ-લૂછવાનો કે ખૅરખબર પૂછવાનોય કોઈ કાર્યક્રમ નથી. આવી નઘરોળ સરકારના રણીધણી પાછા પોતાને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવે ત્યારે તો એમ જ લાગે જાણે ઘા પર કોઈ મીઠું ભભરાવે. અને એટલે જ આજે એવા મુદ્દે પ્રકાશ પાડવો છે કે નઘરોળ સરકારની પૂંઠે મરચાં લાગે. હજૂ ગઈકાલે (સોમવારે) જ સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારને ફટકાર લગાવી તે મુદ્દે પ્રકાશ પાડવો જરૂરી છે. કેમ કે મુદ્દો રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી બેદરકારીનો કોવિડ હૉસ્પિટલોની આગનો છે. જીવલેણ બેદરકારીમાં કૈં કેટલાય દર્દીઓ માર્યા ગયા. બલ્કે એમ કહો કે તેઓની નિર્મમ હત્યાઓ કરવામાં આવી. અને એથીય ગંભીર બેદરકારી પોલીસ સહિતનાં સંલગ્ન સરકારી વિભાગોએ દાખવી આરોપીઓને ઊગારી લીધા તેની છે. રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલ તેનો સૌથી નાદર નમૂનો છે. જોકે રાજ્યમાં કોરોનાકાળમાં આવી અનેક ઘટનાઓ બની હતી. ભરૂચ, અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરની કૉવિડ હૉસ્પિટલો પણ અનેક દર્દીઓ માટે કબ્રગાહ નીવડી છતાં હરામ છે એકપણ હરામીનો વાળ પણ વાંકો થયો હોય તો! ભરૂચની જંબુસર બાયપાસ રોડ પર આવેલી પટેલ વૅલ્ફૅર હૉસ્પિટલને ડેઝિગ્નેટેડ્ કૉવિડ હૉસ્પિટલ જાહેર કરાઈ હતી. તેમાં 1 મે 2021 (શુક્રવારે) મોડીરાત્રે આગ લાગી અને કૉવિડના 18 દર્દી બળી મર્યા. આ પહેલાં સુરતના લાલ દરવાજા ખાતેની આયૂષ હૉસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં આગ લાગી અને 5 દર્દી ભડથૂં થઈ ગયા હતા. વડોદરાના માંડવી વિસ્તારની વિજય વલ્લભ હૉસ્પિટલમાં પણ 17 માર્ચે આગ ભભૂકી ઉઠી હતી. જો કે સ્થાનિક લોકો અને રાહદારીઓની યુધ્ધના ધોરણે મદદ મળી જતાં દર્દીઓ મોતના મૂખમાં ધકેલાતાં બચ્યાં હતા. એ પૂર્વે 6 ઓગષ્ટે અમદાવાદના નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલ પણ ‘લાક્ષાગ્રહ’માં પલ્ટાઈ ગઈ અને 5 પુરૂષ અને 3 મહિલા દર્દી માટે જીવતી ચિત્તા સાબિત થઈ હતી. આવી જ રીતે 25 ઓગષ્ટે જામનગરની જી.જી. હૉસ્પિટલ અને 8 સપ્ટેમ્બરે વડોદરાની સયાજી હૉસ્પિટલ પણ ભભૂકી ઊઠી હતી. સદ્દનસીબે એ બન્ને ઘટનામાં જાનહાની ટળી હતી. પણ સૌથી યૂનિક અર્થાત્ બેદરકારીની ચરમસીમાનો કિસ્સો શાસનકાળના પાંચ વર્ષ પૂરા થયે 1થી 9 ઓગષ્ટ સુધીનો ‘વિજયોત્સવ’ મનાવવા જઈ રહેલા થનગનભૂષણ મુખ્યમંત્રી વિજયભાઈના હૉમટાઉન રાજકોટનો જ છે. રાજકોટનાં આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કૉવિડ હૉસ્પિટલમાં 26 નવેમ્બરે આગ ફાટી નીકળી અને જોત-જોતામાં દર્દીને જીવતા ભૂંજી નાંખ્યા. આપણે ત્યાં આવી આપદ્દાઓ પછી આશ્ર્વાસન માટે સહુ બોલતા હોય છે કે હોની કો કૌન ટાલ શકતા હૈ મતલબ કે પાંચમની છઠ્ઠ થતી નથી પણ અહીં એવું નથી. આવી તમામ આપદા પછી જો હોના ચાહિએ ઉસે સંવેદનશીલ સરકારને ટાલ દીયા! આવું બીજું કોઈ નહીં ખૂદ સુપ્રીમ કોર્ટ કહી રહી છે. સર્વોચ્ચ અદાલતે સાફ ટકોર કરી કે એવી છાપ બની રહી છે કે સરકાર હૉસ્પિટલોને બચાવી રહી છે. સુપ્રીમ કોર્ટની ટકોર ટકોરાબંધ છે. ત્રણ ચાર ડઝન દર્દીઓને જીવતેજીવ બાળી મૂકનારી હૉસ્પિટલોનાં એકપણ જવાબદાર એવા બેજવાબદારને કાયદો પૂંઠે ચિંટીયો પણ ભરી શક્યો નથી. બધ્ધાય હરામખાયા રાતી રા’ણ જેવા થઈને ફરીથી માંડ્યા છે દર્દીઓના ગળા કાપવા. આવું એકાએક કે અમથું થયું નથી. કાનૂન કે હાથ લમ્બે હોતે હૈ એમ કાનૂન કે કૂછ રખવાલે નિકમ્મે ભી હોતે હૈ. અને રાજકોટમાં તો ઠાકૂરને હિજડોં કી ફૌજ ઈકઠ્ઠી કી જેવો માહોલ છે. રાજકોટમાં કાયદા-કાનૂન, ગરીબ-મધ્યમવર્ગને લાગૂ પડે એટલા છેડા અડતાં હોય તેને લાગૂ પડતાં નથી. રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલના સંચાલકોએ ‘એ’ કેટેગરીનાં છે. પાંચ-પાંચ લોકોને જીવતાં ભૂંજી નાંખનારા શૈતાનોની ધરપકડ પણ અખબારોએ ઊહાપોહ ચાલુ રાખ્યો એટલે કરવી પડી અને તે પણ માત્ર દેખાવ પૂરતી. તબીબો પોલીસ સ્ટેશને મહેમાન હોય તેમ ગયા અને ચા-પાણી (તમામ અર્થમાં) લઈ-દઈ ઘડીના છઠ્ઠા ભાગમાં ઘરભેળા થઈ ગયા. પાંચ ડૉક્ટરોની નાટ્યાત્મક ધરપકડ અને માનમોભાસરનો જામીન પર છૂટકારો થઈ ગયો કેમ કે તંત્ર કોઈકના ઈશારે ઘોડી વળી ગયું હતું. તબીબોમાં પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, તેજસ કરમટા, દિગ્વિજયસિંહ જાડેજા અને તેજસ મોતીવારાનો સમાવેશ થતો હતો. આ પંચ-કણકી ઓછી માયા નથી. તેમની પહોંચ ગાંધીનગરથી છેક્ દિલ્હી સુધીની છે. એટલે પોલીસે કાર્યવાહી જ એવી કરી કે સાપ મરી જાય ને લાઠી પણ ન ભાંગે. ખરેખર તો આવા જધન્ય સાપરાધમાનવ-વધ જેવા ગુનામાં ઈંઙઈની કલમ 304 હેઠળ જ ગૂનો નોંધાવો જોઈએ. આ કલમમાં સજાની જોગવાઈ 10 વર્ષની હોવાથી તે બિનજામીન પાત્ર ગૂનો બની જાય. જોકે કોઈ વ્યકિત પોતાની બેદરકારીના કારણે બીજાનું મોત નિપજાવે તેવા કિસ્સામાં ઈંઙઈની 304(અ)ની કલમ પણ લાગે. જે 304 કરતાં હળવી ગણાય. રાજકોટ અને અમદાવાદની હૉસ્પિટલોના અગન-કાંંડના દોષિતો સામે ઈંઙઈની કલમ 304(અ) હેઠળ ગુનો નોંધાયો. અને બધ્ધા જવાબદારો અમૂક-તમૂક રૂપિયાનાં જામીન પર છૂટી ગયા. ન આવ્યું ઋજકના રિપોર્ટનું પાંચિયું કે ન આવી મેજિસ્ટ્રિયલ તપાસની પાવલી. ગાંધીનગરથી તપાસાર્થે આલિયા-માલિયાને મોકલાયા. તેઓ ઘટના સ્થળે પર્યટકની જેમ ઘૂમરા મારી સરકીટ હાઉસમાં માલ-મલિંદા ખાઈ જતા રહ્યા. જેમણે સ્વજનો ગૂમાવ્યા તેમની દશા ચર્ચિત કવયિત્રી પારૂલ ખખ્ખરના શબ્દોમાં કહીએ તો: રાજ અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે… જેવી થઈ. જે શહેરના વ્યકિત ગુજરાતના મુખ્યમંત્રીપદે હોય તે શહેરનાં કૉવિડ પીડિતોની આવી અવદશા થઈ હોય તો વડોદરા, અમદાવાદ,ભરૂચ, જામનગર અને સુરતના હતભાગી પરિવારોનું તો પૂછવું જ શું?
મારો કે તમારો આત્મા કકળી ઊઠે એ તો સ્વાભાવિક છે પણ બેદરકારી અને તેની અન્દેખી જે રીતે કરવામાં આવી તેનાથી સુપ્રીમ કોર્ટ પણ ઊકળી ઊઠી.
કોઈપણ સરકાર માટે એ શર્મનાક ગણાય કે ન્યાયતંત્ર ખૂદ તેને ફટકાર લગાવે. એ જૂદી વાત છે કે ગુજરાતની સરકાર આ બાબતે નાક વગરની નકટી છે. શરમ તો નાક હોય તેને આવે ને? ગુજરાત હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટે કોરોના સહિતના અનેક મામલે ગુજરાત સરકારની અનેકોવાર ધૂળ કાઢી નાંખી છે. પણ વસ્ત્રહીન સરકાર ન્હાય શું ને નિચોવે શું. જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલના અગન-કાંડ મામલે રૂપાણી-સરકારને ફટકારતાં કહયું કે આપણે હૉસ્પિટલોને રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી તરીકે જોઈએ છીએ કે માનવતા પ્રત્યેના સેવાકાર્યના રૂપમાં? હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીના પાલન કરાવવામાં ગુજરાત સરકાર નાકામ રહી તેમ જણાવી સુપ્રીમ કોર્ટે કહ્યું: હૉસ્પિટલો હવે માનવીય પીડા પર ઊભેલો મોટો ઉદ્યોગ બની ગઈ છે અને માનવજીવનની કિંમતે આપણે તેને સમૃધ્ધ થવાની પરવાનગી કઈ રીતે આપી શકીએ! સુપ્રીમ કોર્ટે હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ પણ ગુજરાત સરકારને ધોઈ કાઢી હતી. પોતાને ‘સંવેદનશીલ’ ગણાવતી સરકારે કહ્યું: હૉસ્પિટલોની ઈમારતોમાં બાયલૉઝ સંબંધિત્ સુધારા કરાવવા અમોને જૂન-2022 સુધીનો સમય આપો. તેના પર સુપ્રીમ કોર્ટ ભડકી. કહ્યું: આપનું કહેવું છે કે 2022 સુધી લોકો મરતાં રહેશે, સળગતાં રહેશે, એમ?
હકીકત એ છે કે ગુજરાતમાં પોપા બાઈનું રાજ છે અને ધકેલ પંચા દોઢસોનો હિસાબ છે. રાજ્યની 364 કૉવિડ હૉસ્પિટલોો પૈકી 76 ટકામાં શોર્ટ-સર્કિટથી આગ લાગી શકે તેવી અંધાધૂંધી ખૂદ સ્ટેટ ચીફ
ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેકટરના ચેકિંગ દરમિયાન બહાર આવી હતી. આવી હૉસ્પિટલોમાં વાયરિંગ ઢંગધડા વગરનાં છે વળી ઑવરલૉડ પણ છે. સરકારી અને ખાનગી બેઉ પ્રકારની હૉસ્પિટલોની આ વાત છે. મોટાભાગની હૉસ્પિટલોમાં લીકેજ ઓફ કરન્ટ, ફોલ્ટી એટલે કે ખામીવાળું કનેકશન, ઈલેક્ટ્રિકલ ઑવર લોર્ડિંગ, લૂઝ કનેકશન વગેરેના કારણે શોર્ટ-સર્કિટ થઈ શકે અને અગન-કાંડ થઈ શકે તેમ છે. પણ આ બધ્ધું જૂએ કોણ, ભોજિયો ભાઈ? રાજ્ય સરકાર પાસે ઈલેક્ટ્રિસિટીના ઑડિટ માટે સર્ટિફાઈડ ઑડિટર કેટલા? ફાયર સેફ્ટી વિભાગ નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ આપતાં પૂર્વે વીજ ઊપકરણોની ગુણવત્તામાં ઓછું ને કટકટાવવાના ગુણાકારમાં વધુ ધ્યાન આપતા હોય ત્યાં દર્દીઓને તો ભગવાન જ બચાવે! હૉસ્પિટલોના સંચાલકો પોતે ઈલેક્ટ્રિસિટી કરતાં વધુ ‘કરન્ટ’ વાળા હોય એટલે બાકીનું તંત્ર પણ ડિફ્યૂઝ્ડ થઈ જાય. રાજકોટની ઊદય શિવાનંદ હૉસ્પિટલના ખેરખાઁઓનો નામોલ્લેખ આગળ કર્યો જ છે. અમદાવાદના નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલના રણીધણી પણ કંઈ કમ નથી. 1980નાં દાયકામાં પોરબંદર પંથકમાં દિગ્ગજ નામ ધરાવતા વિજય મહંત દાસના પૂત્ર ભરત મહંત તેના માલિક છે. તેઓ ગાંધીનગરમાં રહે છે અને જમીન લે-વેચમાં ખૂબ નાણા કમાયા પછી કિડની હૉસ્પિટલમાં ફરજ બજાવતા તેમના જમાઈ અને અન્ય એક ડૉકટરને ભાગીદાર બનાવી અમદાવાદમાં શ્રેય હૉસ્પિટલ ઊભી કરી. ભરત મહંત સામે પણ છેડતી અને યૌનાચાર સહિત તમામ પ્રકારના ગુના નોંધાયેલા છે. કોંગ્રેસમાં હતા ત્યાં સુધી તે અપરાધી તરીકે રહ્યા. હવે ભાજપમાં છે એટલે દૂધે ધોયેલા થઈને ફરે છે. આવા દૂધે ધોયેલાઓનાં પાપે વિવિધ હૉસ્પિટલોમાં છેલ્લા 1 વર્ષમાં કોરોનાના 34 દર્દી જીવતા ભૂંજાઈ ગયા છતાં એકપણ અપરાધીના ગાલે કે પૂંઠે કાયદો ચિંટીયો પણ ભરી શક્યો નથી. મૃતકો જીવના ગ્યા અને તેનાં પરિજનો હૈયા વલોવતા રહ્યા. રૂપાણી સરકાર આવું બધ્ધું યાદ રાખ્યા વગર શાસન-પૂર્તિના પાંચ વર્ષ પૂરાં કર્યે 1થી 9 ઓગષ્ટ ‘વિજયોત્સવ’ મનાવવાની છે. અમૂક વ્યકિતત્વો જ ગજબના હોય. તેઓની પૉઝિટિવનૅસની કલ્પના જ થઈ ન શકે. પૂંઠે બાવળિયો ઊગે તો ય સમજે કે છાંયો થયો, બોલો!

રૂપાણી સરકારે 9 દિવસના ધરાર અને સરકારી ‘વિજયોત્સવ’ની જે જાહેરાત કરી એમાં સદીની સૌથી મોટી વિપદા એવી કોરોના મહામારીના ભોગ બનેલા કે પીડિતોના પરિજનો માટે એક પાવલૂંય વાપરવાનો ઉલ્લેખ નથી. રૂપિયા-પૈસા તો છોડો, પીડિતજનોનાં આંસૂ-લૂછવાનો કે ખૅરખબર પૂછવાનોય કોઈ કાર્યક્રમ નથી. આવી નઘરોળ સરકારના રણીધણી પાછા પોતાને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવે ત્યારે તો એમ જ લાગે જાણે ઘા પર કોઈ મીઠું ભભરાવે. અને એટલે જ આજે એવા મુદ્દે પ્રકાશ પાડવો છે કે નઘરોળ સરકારની પૂંઠે મરચાં લાગે

રાજકોટ અને અમદાવાદની હૉસ્પિટલોના અગન-કાંંડના દોષિતો સામે ઈંઙઈની કલમ 304(અ) હેઠળ ગુનો નોંધાયો. અને બધ્ધા જવાબદારો અમૂક-તમૂક રૂપિયાનાં જામીન પર છૂટી ગયા. ન આવ્યું ઋજકના રિપોર્ટનું પાંચિયું કે ન આવી મેજિસ્ટ્રિયલ તપાસની પાવલી. ગાંધીનગરથી તપાસાર્થે આલિયા-માલિયાને મોકલાયા. તેઓ ઘટના સ્થળે પર્યટકની જેમ ઘૂમરા મારી સરકીટ હાઉસમાં માલ-મલિંદા ખાઈ જતા રહ્યા. જે શહેરના વ્યકિત ગુજરાતના મુખ્યમંત્રીપદે હોય તે શહેરનાં કૉવિડ પીડિતોની આવી અવદશા થઈ હોય તો વડોદરા, અમદાવાદ, ભરૂચ, જામનગર અને સુરતના હતભાગી પરિવારોનું તો પૂછવું જ શું?

છે સવાલ કોટિ, જવાબ ગૂમ,
ને યૂગોથી જગનો નવાબ ગૂમ;
મળ્યાં એ પળે ન મળ્યાં હતાં,
એ તમામ પળનાં હિસાબ ગૂમ,
એ નજર સમક્ષ છે તે છતાં,
હું કહું છું ખાનાખરાબ ગૂમ;
છે ને ધાડપાડુની ખાસિયત,
છે ઊઘાડી આંખ ને ખ્વાબ ગૂમ
-વિવેક મનહર ટેલર

રિલેટેડ ન્યૂઝ