વડાપ્રધાન 14-15મીએ અભયભાઇને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ આવી શકે

કચ્છના પ્રવાસ વખતે વચ્ચે મોદી રાજકોટનો ટૂંકો પ્રવાસ ગોઠવે તેવી શક્યતાઓ

રાજકોટ તા. 4
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 તથા 15મી ડિસેમ્બરે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વચ્ચે રાજકોટનો ટૂંકો પ્રવાસ ગોઠવીને સ્વ. અભયભાઇ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપવા આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ મામલે અંદરખાને તૈયારી પણ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજ્યસભાના
સાંસદ તથા લો કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર અને જનસંઘ તથા ભાજપના જૂના નેતા એવા અભયભાઈ ભારદ્વાજનું હાલમાં જ અવસાન થયું છે. અભયભાઈ અને નરેન્દ્ર મોદી ઘનિષ્ઠ નાતો ધરાવે છે અને ભાજપની વિકાસયાત્રામાં બંનેનું ભારોભાર સમર્પણ છે. અભયભાઈને ફેફસાનું સંક્રમણ થયા પછી તેમને બચાવવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ખુદ વડાપ્રધાન પણ નિયમિત રીતે સારવારની જાણકારી મેળવતા રહેતા હતા. પરંતુ જીવન-મરણ વચ્ચે જંગ ખેલતા અભયભાઇએ પહેલી ડિસેમ્બરે છેલ્લા શ્વાસ લીધા હતા. જેના પગલે વડાપ્રધાન સહિત સમગ્ર ભાજપે ભારે આઘાત અનુભવ્યો છે.
પાયાના કાર્યકર અને નેતા એવા અભયભાઈની અંતિમવિધિમાં ખુદમુખ્યમંત્રી રૂપાણી જોડાયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આગામી 14મી તથા 15 મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે.
જ્યાં તેઓ માંડવીમાં દુનિયાના સૌથી મોટા એવા 30 હજાર મેગા વોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વચ્ચે ટૂંકો પ્રવાસ ગોઠવીને રાજકોટ આવી અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. આ મામલે અંદરખાતે તૈયારીઓ પણ શરૂ થઈ હોવાનું ચર્ચાય છે. આવતીકાલે પાંચમી ડિસેમ્બરે મુખ્યમંત્રી રૂપાણી પણ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેઓ પીએમના પ્રવાસના આયોજન અને તૈયારીઓ અંગે પણ સૂચનાઓ આપે તેવું ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાય છે.

રિલેટેડ ન્યૂઝ