મુખ્યમંત્રી કાલે રાજકોટમાં મારવાડી યુનિ.ના 3જા કોન્વોકેશનમાં ભાગ લેશે

સાંજે નાગરિક બેન્કના કાર્યક્રમમાં હાજરી આપશે: તંત્ર દ્વારા તૈયારીઓ

રાજકોટ તા. 4
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાંચમી ડિસેમ્બરે બપોર પછી રાજકોટ આવી રહ્યા છે. તેઓ મારવાડી યુનિવર્સિટીના 3જા કોન્વોકેશન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે સાંજે તેઓ નાગરિક બેન્કના ફેલિસિએશન કાર્યક્રમમાં હાજરી આપશે. ડિનર બાદ મુખ્યમંત્રી પુન: ગાંધીનગર જશે.
અધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાંચમી ડિસેમ્બરે મારવાડી યુનિવર્સિટીનો 3જો પદવીદાન સમારંભ યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ અપાયું
છે. આથી મુખ્યમંત્રી રૂપાણી શનિવારે બપોર પછી રાજકોટ આવશે અને યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લઈને વિદ્યાર્થીઓને પદવી પણ એનાયત કરશે.
મુખ્યમંત્રી રૂપાણી આ ઉપરાંત સાંજે નાગરિક બેન્કના વિશેષકાર્યક્રમમાં હાજરી આપશે. રૈયા સર્કલ ખાતે આવેલી નાગરિક બેન્કની હેડ ઓફિસે બેન્કના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.
દરમિયાન હાલમાં જ અવસાન પામેલા ભાજપના વરીષ્ઠ નેતા અભયભાઈ ભારદ્વાજને
શ્રદ્ધાંજલિ આપવા નરેન્દ્ર મોદી આવવાના હોવાની શક્યતાઓ પ્રબળ બની છે ત્યારે મુખ્યમંત્રી આ મામલે પણ ભાજપને અંદરખાને તૈયારીઓની સૂચના આપી શકે તેવું પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મુખ્યમંત્રીના આગમનને પગલે રાજકોટ પોલીસ તંત્ર તથા જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
મુખ્યમંત્રી રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પરિવારજનોને મળશે કે
કેમ તે જાણવા મળ્યું નથી. મુખ્યમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં તેનો સમાવેશ નથી કરાયો.

રિલેટેડ ન્યૂઝ