બિનખેતીની ફાઈલો ન અટકાવો, મહેસુલમંત્રીની તાકિદ

કલેકટર-ડે.કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સમાં સુચના : શરતભંગ, પ્રિમિયમ, જમીન ફાળવણી સહિતના 16 મુદ્દે ચર્ચા

રાજકોટ સહિત રાજ્યભરમાં બિનખેતીની ફાઈલોનો સમય મર્યાદામાં નિકાલ નહીં થતો હોવાની ફરિયાદ ઉઠતા આજે કલેકટર સાથેની વીડિયો કોન્ફરન્સમાં મહેસુલ મંત્રીએ તમામ કલેકટરોને બિનખેતીની ફાઈલોનો ફટાફટ નિકાલ કરવાની સુચના આપવામાં આવી છે. કલેકટરની સાથે સાથે વીડિયો કોન્ફરન્સમાં તમામ પ્રાંત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આજે સવારે 11 કલાકે રાજ્યના તમામ 33 જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથેની મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની વીડિયો
કોન્ફરન્સમાં બીનખેતી, પ્રીમિયમ, શરદભંગ, સરકારી જમીન ફાળવણી, નવી-જૂની શરતના પ્રકરણ, યુએલસીના કોર્ટ કેસ, સ્ટેમ્પ ડ્યૂટીના 32-કના કેસ, રેવન્યુ ફાઈલ મોનીટરીંગ સીસ્ટમ, ઈન્ટ્રીગેટેડ રેવન્યુ કેસ, મેનેજમેન્ટ સીસ્ટમ સહિતના 16 પ્રશ્ર્નોની સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહેસુલી પ્રશ્નોના સત્વરે નિકાલ થકી નાગરિકોને મહેસુલી સેવાઓ
ઝડપી અને પારદર્શકતાથી મળે એ માટે આજે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. જેમાં પડતર કેસોની સમીક્ષા સાથે સત્વરે નિકાલ થાયતે માટે સૂચનાઓ અપાવામાં આવી છે. સ્થાનિક કક્ષાએ કલેકટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવશે જે કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક તપાસ કરશે.
આ ટીમો આકસ્મિક તપાસ કરીને
જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે. મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે એનો ત્વરીત નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરશે. તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ ક્ષતિ જણાતી હશે તો તેમની સામે પણ વિભાગીય પગલા લેવાશે.

લાંચ માગનારનો વીડિયો ઉતારીને મને મોકલો

ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. મહેસૂલમંત્રીએ કહ્યું કે મહેસૂલ વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ અધિકારી ફરજ પર મોડો આવે છે તે હવે નહીં ચલાવી લેવાય.તેમણે એવું પણ કહ્યું હતું કે હાલમાં નાગરીકો પાસે મોબાઈલની સુવિધા છે. જેથી તેઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ કે કર્મચારીઓને વીડિયો બનાવીને ખુલ્લા પાડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ