ટેકાની મગફળી ખરીદી પૂર્ણ: 97 હજાર રજિ. સામે 25,300 ખેડૂતોએ કર્યું વેચાણ

925 ખેડૂતોની મગફળી રિજેક્ટ: 19 હજારથી વધુ ખેડૂતોને 195 કરોડ ચૂકવાઈ ગયા

રાજકોટ તા. 16
રાજકોટ જિલ્લામાં ટેકાની મગફળી માટે આશરે 97 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ મળીને 25,300થી વધુ ખેડૂતોએ ટેકામાં મગફળી વેચી છે. શનિવારે 16મી જાન્યુઆરીએ બાકી ખેડૂતો પાસેથી મગફળી ખરીદને ખરીદી પૂર્ણ કરવાની કવાયત કરાઈ હતી. આમ આખી સિઝનમાં રાજકોટ જિલ્લામાં 26 ટકા ખેડૂતોએ જ ટેકામાં મગફળી વેચી છે.
પૂરવઠા નિગમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લામાં છેલ્લે-છેલ્લે ગોંડલ તથા ધોરાજીના બાકી ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ રહી હતી. જેમાં
છેલ્લા દિવસે 70થી 80 જેટલા ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા. જિલ્લામાં ગોંડલમાં સૌથી વધુ 15,381 રજિસ્ટ્રેશન થયા હોવાથી ત્યાં છેલ્લે સુધી ખરીદી ચાલી હતી.
પૂરવઠા નિગમના મામલતદાર પ્રકાશ સખીયાનાજણાવ્યા પ્રમાણે, 15મી જાન્યુઆરીએ સાંજ સુધીમાં 25,244 ખેડૂતો પાસેથી મગફળી ખરીદી થઈ હતી અને 925 ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ હતી. શનિવારે આ લખાય છે ત્યારે 70થી 80 જેટલા ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા
ચાલુ હતી. એ જોતાં અંદાજે 25,325 ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરાઈ હોવાનું અનુમાન છે. આ સાથે 16મીએ ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 15મી જાન્યુ. સુધીમાં કુલ
મળીને 48,123 મેટ્રીક ટન મગફળી ખરીદવામાં આવી છે. જેની સામે અંદાજે 253 કરોડ 84 લાખના બિલ બન્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 19,458 ખેડુતોને 195 કરોડ 25 લાખ રૂપિયાની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. આમ જેમની પાસેથી ખરીદી થઈ, તેમાંથી 77 ટકા ખેડૂતોને મગફળીના પેમેન્ટ કરી દેવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ