ટૂંક સમયમાં રાજયમાં અમલી બનશે નવો ભાડૂઆતી કાયદો

વિધાનસભાના ચોમાસુ સત્રમાં થશે ચર્ચા

જૂના કાયદાની જગ્યાએ કેન્દ્રના મોડલ ભાડૂઆત કાયદાની જેમ નવો કાયદો લાગુ કરાશે

ભારત સરકારના મોડેલ ટેનન્સી એક્ટ 2021ના આધારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં જૂના બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એક્ટ, 1947 ના બદલે નવો ભાડુઆત કાયદો લાગુ કરવાની યોજના ધરાવે છે. જોકે નવા કાયદાના માળખામાં મિલકતના માલિક અને ભાડૂઆત બંને માટે નિષ્પક્ષતાની ખાતરી કરવામાં આવશે, જોકે નવો કાયદો મિલકત માલિકોને ભાડૂતો દ્વારા ખોટી કનડગતથી બચાવશે તેવી અપેક્ષા છે. નવા કાયદાથી રાજ્યમાં ભાડાની મિલકતોના વિકાસની સુવિધા મળશે. હાલના કાયદામાં મિલકતના માલિકોને ઓછું રક્ષણ મળે છે, જેથી તેઓ સંપત્તિ ભાડે આપવાને લઈને આશંકા રાખે છે કારણ કે ઘણા કિસ્સામાં જગ્યા ખાલી ન કરતા ભાડૂતોદ્વારા મકાન માલિકને પજવણીનો ભય રહે છે.
નવા કાયદામાં ભાડાની પ્રોપર્ટી માર્કેટને નિયંત્રિત કરવા માટે રાજ્ય-સ્તરની રેગ્યુલેટરી ઓથોરિટી સ્થાપિત કરવાની જોગવાઈ હશે. આ બાબતે જાણકાર એક સૂત્રએ
જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એક્ટ, 1947 ને બદલવાનો નિર્ણય લીધો છે, જેમાં ભારત સરકાર દ્વારા મોડેલ એક્ટના આધારે નવો ભાડા કાયદો બનાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિધાનસભાના આગામી ચોમાસા સત્ર દરમિયાન કંઈ નહીં અથવા નજીવા ફેરફારો સાથે મોડેલ એક્ટ અપનાવે તેવી સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ