ઓફલાઈન પરીક્ષા અંગે જીટીયુનો નિર્ણય યોગ્ય : ગુજરાત હાઇકોટ

વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાની માંગણીને ખારીજ કરતી એચસી

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા વિવિધ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને તાજેતરમાં જ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા હાઇકોર્ટમાં ઓનલાઇન પરીક્ષા બાબતે અપીલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાની માંગણીને અસ્વીકાર કરીને જીટીયુના ઓફલાઈન પરીક્ષાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રસ્થાને રાખીને તમામ પ્રકારના નિર્ણય કરતું હોય છે. આ કારણોસર જ હાઇકોર્ટ દ્વારા જીટીયુના ઓફલાઈન પરીક્ષા બાબતેના નિર્ણયને યોગ્ય ગણવામાં આવ્યો છે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર દ્વારા હાઇકોર્ટના આ નિર્ણયને વધાવી લઈને આગામી દિવસોમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
ડિપ્લોમાં , ડિગ્રી અને માસ્ટર્સની વિવિધ શાખાઓ માટે જીટીયુ દ્વારા 3 ફેઝમાંઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાની અરજી બાબતે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સ્કૂલો શરૂ કરવાના નિર્ણયને
વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેકનિકલ પરીક્ષા બાબતે ઓનલાઇન અને ઓફલાઇન એમ મલ્ટીપલ ઑપ્શન એક સાથે આપવા તે વિદ્યાર્થીઓના હિતમાં નથી . ઓફલાઈન પરીક્ષાના પ્રથમ ફેઝમાં પણ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને જીટીયુના ઓફલાઈન પરીક્ષાના નિર્ણયને વધાવી લિધો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે જીટીયુ દ્વારા રાજ્યના 33 જિલ્લામાં 332 પરીક્ષા સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન માટેની સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થતું હોવાથી હાઈકોર્ટે પણ ઓફલાઈન પરીક્ષાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ