ઉજ્જડ ગુજરાતમાં એરંડા પ્રધાન!

વાણિયા પછી નવાણિયા

ટ ચોળીને શૂળ ઊભું કરવાનું તો કોઈ ભાજપ પાસેથી જ શીખે. જે વિજયભાઈ રૂપાણીને ગુજરાત ગ્રાન્ડ ટૉટલ પાંચેક વર્ષથી બેહિચક સહન કરતું રહ્યું તેને ભાજપા પોતે છેલ્લું સવા-દોઢ વરસ (વધુ) સહન કરી ન શક્યું. એકાએક બદલી તો કાઢ્યા પણ તેમની જગ્યાએ એવી વ્યકિતને નિમ્યા કે ગુજરાતને છોડો, ખૂદને આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. ભાજપ ગુજરાતમાં આવા બેફામ નિર્ણયો લઈ શકે છે કેમ કે આપણાં કહેવાતા લોકપ્રતિનિધિઓ (ધારાસભ્યો) પણ તાણી કાઢેલા છે. વિજયભાઈ રૂપાણીને બદલાવતી વખતે પણ ધારાસભ્યોની રાય લેવામાં આવી ન્હોતી અને કાઢી મૂકવામાં પણ પૂછવામાં આવ્યું ન્હોતું. રવિવારે બપોર સુધી એવી ડંફાશો મારવામાં આવી હતી કે, વિધાયક દળની બેઠક મળશે અને તેઓ (એટલે કે ધારાસભ્યશ્રીઓ જ તો) બહુમતીથી જેમને વિધાયક દળના નેતા ચૂંટશે તે મુખ્યપ્રધાન બનશે. પછી ટીવીના પડદે બ્રેકિંગ ન્યૂઝ ચમકવા લાગ્યા કે હાઈકમાન્ડે બે નેતાઓને નિરિક્ષક તરીકે દિલ્હીથી રવાના કર્યા. બપોરકેડે તેઓ આવી પણ પહોંચ્યા અને કોથળા (પૅક કવર)માંથી બિલાડૂં (ભૂપેન્દ્ર પટેલનું નામ) કાઢીને ઊભા રહ્યા! 97 મૂળ ભાજપી અને 15 આયાતી મળી 112 વિધાયકોમાંથી માઈનો લાલ કોઈ ડાચામાંથી ઊંહકારો સુધ્ધા કરી ન શક્યો. તાલિબાનો સામે નિ:હથ્થા, નિર્બળ, અસહાય નાગરિકો નીચી મૂંડી કરીને ગોઠણિયા ભેર બેસી જાય અને રાક્ષસની ઔલાદ જેવા આતંકી ધારદાર છરા કે કોયતા વડે બધ્ધાના ડૉકાં વાઢી લે તેમ ભાજપના તમામ ધારાસભ્યો નીચી મૂંડી કરીને ઊભા રહ્યા અને ધારદાર કૉયતા જેવા ‘કવર’માંથી ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરી સૌના અરમાનોની કત્તલ કરીને નિરિક્ષકો જતા રહ્યા. આ બધ્ધા જ ધારાસભ્યો પોત-પોતાના મતક્ષેત્રમાં આવે ત્યારે જાહેર ડિબેટમાં બોલાવી પૂછવું જોઈએ કે તમારામાં તમારા પોતાના મનની વાત કહેવાની ત્રેવડ ન હોય તો અમારી સમસ્યા રજૂ કરવાની ત્રેવડ હશે એમ માની લેવું એ અમારી ભૂલ ન ગણાય? પ્રશ્ર્ન બીજો: તમે પક્ષના નિર્ણય સામેની લાચારીને ‘વફાદારી’માં ખપાવતાં હોં તો અમારે તમારી ‘વફાદારી’ ખાતર લાચાર શા માટે બની રહેવું, જણાવશો? અને છેલ્લે પ્રશ્ર્ન ત્રીજો: રાજ્યના વ્યાપક હિતમાં લેવાનારા નિર્ણયમાં પણ જો તમારી રાય (સૅન્સ) લેવામાં આવતી ન હોય તો મત-વિસ્તારની જન સભાઓમાં હાથીના પૂષ્ટ ભાગમાં સીવી લેવા જેવી ગૂલબાઁગો ફૂંકો છો, જખમારવા? ગુજરાતની પ્રજા યાદ રાખે કે સવાલદાર પ્રજાને જ જવાબદાર તંત્ર મળતું હોય છે. પ્રજા સવાલદેહી નથી એટલે તંત્ર કે સરકાર જવાબદેહી નથી રહેતી. રૂપાણીની વિદાઈ અને ભૂપેન્દ્ર પટેલની નિમણૂંકનો જે ખેલ ખેલાયો તે આનું જ પરિણામ છે. ધૂત સભામાં દ્રૌપદીએ કરેલા ચિત્કાર ‘નાથવતી અનાથવતી’ (મારા પતિઓ છે પણ હું અનાથ છું!)ની જેમ સાડા છ કરોડની જનતા ચિત્કારીને કરી રહી છે કે અમારા કુલ 182માંથી 112 તો ‘ઘરનાં’ જ છે છતાં નાથવતી ગુજરાતની દશા સદૈવ અનાથવતી જેવી જ રહે છે. પત્રકારો સાથેની પોતાની પ્રથમ જ પ્રક્રિયામાં જે વ્યકિત એમ કહી જતી હોય કે પેટ્રોલ જીવન જરૂરી વસ્તુમાં ના આવે…. એવા ભૂપેન્દ્ર પટેલથી જ ચલાવવું’ તું તો વિજયભાઈ શું ખોટા હતા? ભૂપેન્દ્રભાઈ પટેલમાં એકમાત્ર ક્વૉલિફિકેશન હોય તો તેમની સરનૅઈમનું છે. વ્યવસાયે બિલ્ડર એવા ભૂપેન્દ્રભાઈ 12 ધોરણ પાસ છે. 1999થી 2005 સુધી તેઓ મેમનગર નગરપાલિકાના ચેરમેન અને 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, 2015થી 2017 સુધી અમદાવાદ અર્બન ડૅવલપ્મેન્ટ ઑથોરિટી (ઔડા)ના ચેરમેન અને 2017માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા. બેશક તેઓ સવા લાખ જેટલા મતોની જંગી સરસાઈથી જીતેલા પણ તેમાં ભાજપનો સિતારો બુલંદીએ હતો તેનો ફાળો ઘણો હતો. ભૂ5ેન્દ્રભાઈની સૌથી મોટી ઉપલબ્ધી કઈ ગણાવાય રહી છે, ખબર છે? તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ વિશ્ર્વાસુ છે તે! પાટીદારના ખોળિયે જીવ હોવો અને આનંદીબેન પટેલના વિશ્ર્વાસુ હોવું એ જ શું સાડા છ કરોડની વાઈબ્રન્ટ-વસતીવાળા ગુજરાતના નાથના મુખ્ય માપદંડ ગણાય? બે ઘડી માની લો કે ‘પાટીદાર’ જ માપદંડ છે હવે પછીની વિધાનસભાની ચૂંટણીમાં ધારી લો કે ભાજપ બહુમતી મેળવી લે તો પછીના પાંચ વર્ષ સુધી (અન્બ્રેકેબલ) મુખ્યપ્રધાનપદ ભૂપેન્દ્ર પટેલ પાસે જ રહેશે તેવી લેખિત ખાતરી લખાવી લેવાની ખોડલધામ કે સરદાર ધામ કે ઊંઝાના ઉમિયાધામના માંધાતાઓમાં હિંમત છે ખરી? અહીં અડધી પીચે રમનારાય ‘ઝલાઈ’ જતા હોય છે ત્યાં બીજાની ક્યાં વાત કરવી? ભાજપના હાઈકમાન્ડની આદત છે: સેમ્પલ બતાવે એ માલ કદાપિ આપતા નથી!! ભૂપેન્દ્ર પટેલમાં પણ આવું નહીં થાય તેની પાટીદારોને ગેરંટી કોઈ આપી શકે ખરું? કદાપિ નહીં. છતાં ધૂપ્પલ ચાલ્યું, બોલો! રૂપાણીને હાંકી કાઢ્યા એટલે તેઓ એકાદ પ્રેસ કોન્ફરન્સમાં ન ગયા અને ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિનભાઈ રવિવારે સાંજે ‘કમલમ’ની બેઠક છોડી સીધ્ધા મહેસાણા રવાના થઈ ગયા થોડૂં તડ ને ફડ બોલ્યા તેને બાદ કરતાં કોઈએ ચૂં કે ચા ન કર્યું. મુખ્યમંત્રી તો પાટીદાર જ હોવો જોઈએ તેવા ડુંગોરાનો ઘોડો બનાવી તબડક-તબડક કરતા નીકળી પડેલા લેઉઆ પટેલ અગ્રણી નરેશભાઈ પટેલ (ઑફ ખોડલધામ) પણ માંડ્યા ગૅંગૅં ફૅંફૅં કરવા. પત્રકારોએ પ્રતિક્રિયા પૂછી તો કહે હું ગુજરાત બહાર છું. થોડું જાણી-જોઈ પછી કંઈક કહી શકું. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર ખરા પણ કડવા પટેલ છે અને નરેશભાઈના પાટીદારની વ્યાખ્યામાં ‘લેઉઆ’ તરફનો ઝૉક ઢાંક્યો ઢંકાતો નથી. ભાજપના હાઈકમાન્ડે ‘કડવા’ પાટીદાર નેતાને ચૂંટણીના સવા-દોઢ વર્ષના ગાળા સુધી ‘નાઈટ વૉચમેન’ જેવા મુખ્યમંત્રી બનાવ્યા તેની પાછળ ગુજરાતરાજ્યનું ઓછું ને ગુજરાત-ભાજપનું હિત વધુ ધ્યાનમાં રાખ્યું પણ બાવાના બેઉ બગડવાના, લખી રાખજો. ગુજરાતના રાજકારણના પાક્કા અભ્યાસુને ખ્યાલ છે કે પાટીદારોમાંય 65 ટકા જેટલી ધીંગી જન સંખ્યા ધરાવતા
લેઉઆ પટેલો સૌરાષ્ટ્ર-કચ્છની 58માંથી 41 બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં છે. ભૂતકાળમાં તેની ઉપેેક્ષા ભારે પડી ચૂકી છે. 2009માં લોકસભાની ચૂંટણીમાં લેઉઆ ઉમેદવારોની ઉપેક્ષા થઈ અને સૌરાષ્ટ્ર-કોંગ્રેસના ફાળે 4-4 બેઠકો ગઈ હતી. 2021માં તો સ્થિતિ ઔર કપરી છે. વિજયભાઈના શાસનમાં દમ ન્હોતો અને તેમના ઉત્તરાધિકારીમાંય કંઈ કાંદો કાઢી લેવા જેવો નથી. સૌરાષ્ટ્ર-કચ્છના લેઉઆ પાટીદારો પાસે ‘આમ આદમી પાર્ટી’ જેવો તગડો વિકલ્પ છે અને દક્ષિણ ગુજરાત અને પાટનગર ગાંધીનગરની 20 બેઠકો પર કડવા પટેલનું અને તેમના પર નીતિનભાઈ પટેલનું અચ્છુ-ખાસ્સું પ્રભૂત્વ છે. જે ભાજપના વધુ એક અપમાનજનક ‘ખેલ’થી અચ્છા-ખાસ્સા નારાજ થઈ ગયા છે. આમ ગુજરાતની કુલ વસતીમાં 14 ટકા જેવો નિર્ણાયક હિસ્સો ધરાવતા પાટીદારોના (લેઉઆ-કડવા) બન્ને ધડાં નારાજીની પરાકાષ્ટાએ પહોંચી ગયા છે. ભૂપેન્દ્ર પટેલનું એટલું ગજું નથી કે નીતિન પટેલથી માંડી સૌરાષ્ટ્રના લેઉવા સમાજના નેતાઓને પોતાના ઈશારે મનાવી, નચાવી કે ચૂપ કરાવી શકે. ભાજપે ગુજરાત રાજ્યને ‘ભયંકર’ (રીપિટ, ભયંકર) પ્રયોગશાળા બનાવી દીધી છે. પ્રફુલ્લ પટેલ, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને ગોરધન ઝડફિયાથી માંડી આપણા રાજકોટ (જસદણ) પંથકના ભરત બોઘરા સુધીનાને ગલગલિયાઁ થાય એવો માહોલ સર્જી (એકમાત્ર) વજુભાઈ વાળાએ શનિવારે કહ્યું હતું તેમ કોઈએ વિચાર્યા પણ ન્હોતા એવા નેતાને મુખ્યમંત્રી બનાવી દેવાની ગમ્મત કરવાની હદે ભાજપ પહોંચ્યો છે. કેમ કે વિપક્ષ નામે ધબૉય નમ: છે અને પ્રજાનાં પ્રતિનિધિના રૂપમાં ચૂંટાયેલા ધારાસભ્યો શાસક પક્ષના નિર્ણય સામે ભસવાને બદલે બે પગ વચાળે પૂંછડી દબાવી બેઠા રહે છે. ભૂપેન્દ્ર પટેલ સામે કોઈને સ્વાભાવિક જ વ્યકિતગત વાંધો નથી, હોઈ શકે પણ નહીં કેમ કે, અડધા પડધા ગુજરાતે તો આજે (સોમવારે) બપોરે મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કર્યા ત્યારે કદાચ પ્રથમવાર તેઓશ્રીના સાક્ષાત્દર્શન કર્યા હશે. રિસાયેલા પૂર્વ ડૅપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલે શનિવારે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી કોઈ એવો નેતા હોવો જોઈએ જેમને ગુજરાતમાં લોકો નામ-ચહેરાથી ઓળખતાં હોય. ભાજપ હાઈકમાન્ડે આવા જાણિતા ચહેરાઓને અવગણી નર્યું મ્હોરું રજૂ કરી દીધું. રાજનીતિ અને રાજકારણમાં ભાજપે ઝાઝો તફાવત રહેવા દીધો નથી. ગુજરાત જાણે ‘અમૂક-તમૂક’નું ખેતર હોય એમ ગમ્મે તેમને રખોલિયો બનાવી દે છે. પબ્લિક લાઈફની એક તમીઝ હોય છે, એક સોફિસ્ટિકેશન હોય છે, એક આભિજાત્ય સંસ્કાર હોય છે. હિન્દી બોલવામાંય ફાંફા પડ જાતા હોય તેઓના સ્થાને એવા જ 12 ચોપડી પાસને બેસાડવાની ગૂસ્તાખિ કરનારા પબ્લિક લાઈફની જાણે ઠઠ્ઠા-મશ્કરી જ કરી રહ્યા છે. નીતિનભાઈ પટેલ જેવા બુધ્ધિમાન અને આત્મવિશ્ર્વાસી અનેક નેતાઓને ચચરે તેવો આ નિર્ણય ગુજરાત આખાને કેમ પચે?
હવે થશે એવું કે ગુજરાત ભાજપની ભીતરમાં જ એક વૈચારિક અને નીતિ વિષયક વિપક્ષ ઊભો થશે. તેઓ ખૂલ્લેઆમ બળવો નહીં કરે પણ પક્ષને ઊડાઉ નિર્ણયોના ખત્તરનાક પરિણામોનો અહેસાસ કરાવશે.
ગુજરાતમાં કોંગ્રેસના અસ્થીવિસર્જનની વેળા છે અને આમ આદમી પાર્ટી હજૂ બાખોડિયા ભરે છે એટલે પક્ષ માટે મેદાન સાફ છે એવું માનનારા હાઈકમાન્ડને માલૂમ થાય કે દગા અને વફા વચ્ચે વધારે ક્રૂર અને સંગીન ભેદ હોય છે: ભૂપેન્દ્ર પટેલના શપથ ભલે થયા વિધાનસભામાં સ્થિતિ કેવી થશે, માલૂમ? એક દ્રષ્ટાંત: ઈંગ્લેન્ડમાં પાર્લામૅન્ટમાં ચૂંટાઈ આવેલા નવા સાંસદે બાજુમાં બેઠેલા જૂના સાંસદને પૂછ્યું કે દુશ્મન સામે બેઠા છે એ છે ને? વૃધ્ધ સાંસદે કહ્યું: ના સામે છે એ તો વિરોધીઓ છે, આપણી બાજુમાં બેઠા છે એ દુશ્મનો છે!!

બધ્ધા જ ધારાસભ્યો પોત-પોતાના મતક્ષેત્રમાં આવે ત્યારે જાહેર ડિબેટમાં બોલાવી પૂછવું જોઈએ કે તમારામાં તમારા પોતાનાં મનની વાત કહેવાની ત્રેવડ ન હોય તો અમારી સમસ્યા રજૂ કરવાની ત્રેવડ હશે એમ માની લેવું એ અમારી ભૂલ ન ગણાય? પ્રશ્ર્ન બીજો: તમે પક્ષના નિર્ણય સામેની લાચારીને ‘વફાદારી’માં ખપાવતાં હોં તો અમારે તમારી ‘વફાદારી’ ખાતર લાચાર શા માટે બની રહેવું, જણાવશો? અને છેલ્લે પ્રશ્ર્ન ત્રીજો: રાજ્યના વ્યાપક હિતમાં લેવાનારા નિર્ણયમાં પણ જો તમારી રાય (સૅન્સ) લેવામાં આવતી ન હોય તો મત-વિસ્તારની જન સભાઓમાં હાથીના પૂષ્ટ ભાગમાં સીવી લેવા જેવી ગૂલબાઁગો ફૂંકો છો, જખમારવા?

બે ઘડી માની લો કે ‘પાટીદાર’ જ માપદંડ છે અને હવે પછીની વિધાનસભાની ચૂંટણીમાં ધારી લો કે ભાજપ બહુમતી મેળવી લે તો પછીના પાંચ વર્ષ સુધી (અન્બ્રેકેબલ) મુખ્યપ્રધાનપદ ભૂપેન્દ્ર પટેલ પાસે જ રહેશે તેવી લેખિત ખાતરી લખાવી લેવાની ખોડલધામ કે સરદાર ધામ કે ઊંઝાના ઉમિયાધામના માંધાતાઓમાં હિંમત છે ખરી? અહીં અડધી પીચે રમનારાય ‘ઝલાઈ’ જતા હોય છે ત્યાં બીજાની ક્યાં વાત કરવી? ભાજપના હાઈકમાન્ડની આદત છે: સેમ્પલ બતાવે એ માલ કદાપિ આપતા નથી!! ભૂપેન્દ્ર પટેલમાં પણ આવું નહીં થાય તેની પાટીદારોને ગેરંટી કોઈ આપી શકે ખરું?

અમે ધારી ન્હોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
-અમૃત ઘાયલ

રિલેટેડ ન્યૂઝ