54 વિઘા જમીન મામલે બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદમાં એક પરિવારના પક્ષમાં ચુકાદો આવતાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
મકાનમાં આગ લાગતા સાત વર્ષના બાળક સહિત ચાર દાઝયા, પોલીસે ગુનો નોંધી બંદોબસ્ત ગોઠવ્યો
તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં મોડી રાત્રે જમીન વિવાદને લઈને એક પક્ષ દ્વારા બીજા પક્ષના મકાન પર પેટ્રોલ બોમ્બ અને ફાયરિંગ સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં 4 સભ્યો ગંભીર રીતે દાઝી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં મોડી રાત્રે જમીન વિવાદને લઈને અત્યંત હિંસક ઘટના સામે આવી છે. 54 વીઘા જમીનની માલિકીના હક માટે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા એક પક્ષ દ્વારા બીજા પક્ષના મકાન પર પેટ્રોલ બોમ્બ અને ફાયરિંગ સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં 75 વર્ષીય વૃદ્ધા સહિત પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગામની 54 વીઘા જમીન બાબતે બે પરિવારો વચ્ચે લાંબા સમયથી કાયદાકીય લડત ચાલી રહી હતી. તાજેતરમાં જ કોર્ટે એક પરિવારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના અમલીકરણ માટે ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો વિજેતા પક્ષને સોંપવામાં આવ્યો હતો. આ બાબતથી રોષે ભરાયેલા વિરોધી પક્ષે રાત્રિના અંદાજે 11 વાગ્યે હિંસક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું.
હુમલાખોરોએ પેટ્રોલ ભરેલી બોટલો સળગાવીને મકાન પર ફેંકી હતી, જેના કારણે મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આટલું જ નહીં, આ હુમલામાં દેશી જામગરી બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આગની ઝપેટમાં આવવાથી ઘરમાં હાજર ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.
આ હુમલામાં ઘવાયેલાઓમાં હુસેનાબેન અબ્દુલભાઈ બાજરાની (ઉંમર: 75 વર્ષ), રેહના ઉંમર બાજરાની (ઉંમર: 29 વર્ષ), રૂૂકસના બિલાલ બાજરાની (ઉંમર: 40 વર્ષ), તાહિમ ઉકાભાઈ ચોટીયાર (ઉંમર: 7 વર્ષ)નો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે અત્યાર સુધીમાં 8 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ગામમાં તણાવપૂર્ણ શાંતિ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

