સિરોહી જિલ્લાના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું સોમવારે રાત્રે 1.20 વાગ્યે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. ગયા મહિને જ 100 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર દાદીમાના અવસાનથી સંસ્થાના અનુયાયીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના પાર્થિવ શરીરને અમદાવાદથી આબુ રોડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે, જ્યાં અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે.
દાદી રતન મોહિનીનું મૂળ નામ લક્ષ્મી હતું અને તેમનો જન્મ 25 માર્ચ, 1925ના રોજ હૈદરાબાદ સિંધ (હાલ પાકિસ્તાન)ના એક ધાર્મિક પરિવારમાં થયો હતો. બાળપણથી જ આધ્યાત્મિકતા અને પૂજા પ્રત્યે લગાવ ધરાવતાં દાદીએ માત્ર 13 વર્ષની નાની ઉંમરે બ્રહ્માકુમારી સંસ્થાના સંપર્કમાં આવીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન સંસ્થાની સેવા અને સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સમર્પિત કરી દીધું. શરમાળ સ્વભાવના હોવા છતાં તેઓ એક ઉત્તમ વિદ્યાર્થીની હતા અને શિક્ષણ પ્રત્યે પણ ખૂબ લગન રાખતા હતા.દાદી રતન મોહિની જીવનના અંતિમ દિવસો સુધી સક્રિય રહ્યા હતા. તેઓ સવારે 3:30 વાગ્યે દિવસની શરૂૂઆત કરતા અને રાત્રે 10 વાગ્યા સુધી ઇશ્વરીય સેવાઓમાં જોડાયેલા રહેતા.
તેમના માર્ગદર્શનમાં અનેક પદયાત્રાઓ અને રેલીઓનું આયોજન થયું, જેમાં તેમણે કુલ 70 હજાર કિલોમીટરની યાત્રા પગપાળા કરી હતી. વર્ષ 2006માં તેમણે 31 હજાર કિલોમીટરની યાત્રા કરી હતી, જ્યારે 1985માં 13 ટ્રિપમાં લગભગ 40 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા માટેની તેમની આ પ્રવૃત્તિઓએ અનુયાયીઓમાં ઊંડી છાપ છોડી હતી.દાદી રતન મોહિનીએ સંસ્થામાં આવતી બહેનોની તાલીમ અને ભરતીની જવાબદારી પણ સંભાળી હતી. તેમણે દેશભરના 4600 સેવા કેન્દ્રોમાંથી 46 હજારથી વધુ બહેનોને તાલીમ આપી અને તેમને બ્રહ્માકુમારી તરીકે તૈયાર કર્યા. યુવા વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પણ તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ નાની બહેનોની તાલીમનો પાયો મજબૂત થયો, જે આજે સંસ્થાની મજબૂતીનું એક કારણ છે.

