ખેડા જિલ્લાના કઠલાલ-કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કનુ ડાભીએ પક્ષ અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે ખેડાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં કનુ ડાભીએ ભાજપના આંતરિક મુદ્દાઓ, પૂર્વ ધારાસભ્યોની અવગણના અને વિકાસના કામોમાં ઢીલાશનો આરોપ લગાવ્યો છે. આ ઘટના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના સસ્પેન્શન અને વિવાદ બાદ ખેડા જિલ્લાના રાજકારણમાં બીજો મોટો લેટર બોમ્બ માનવામાં આવે છે. કનુ ડાભી જેઓ 2012-2017 દરમિયાન કઠલાલ-કપડવંજ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમણે ભાજપના નેતૃત્વ અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમના પત્રમાં ડાભીએ આક્ષેપ કર્યો છે કે પક્ષ અને સરકાર તેમના અને અન્ય પૂર્વ ધારાસભ્યોની વાત સાંભળતા નથી. તેમના પ્રશ્નો અને રજૂઆતોનો કોઈ નિકાલ થતો નથી.
તેમણે જણાવ્યું છે કે, પૂર્વ ધારાસભ્યોની ગરિમા જળવાતી નથી અને તેમના અનુભવોનો પક્ષમાં ઉપયોગ થતો નથી. ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થાય છે.આ ઉપરાંત ડાભીએ જણાવ્યું છે કે કઠલાલ-કપડવંજ વિસ્તારમાં વિકાસના જાહેરકામોના પ્રશ્નોનો નિકાલ થતો નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી વધી રહી છે.આ લેટર બોમ્બે ખેડા જિલ્લાના રાજકારણમાં નવો વિવાદ જન્માવ્યો છે, ખાસ કરીને માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના સસ્પેન્શન બાદ. કેસરીસિંહે લીંબાસી ગામમાં દારૂૂના અડ્ડા પર સોશિયલ મીડિયા લાઈવ દ્વારા જનતા રેડ કરી હતી અને પોલીસની હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ભાજપે તેમને તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કર્યા હતા.
હવે કનુ ડાભીના પત્રએ ભાજપના આંતરિક કલહને વધુ હવા આપી છે. કનુ ડાભીના પત્રથી સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ચર્ચાઓ શરૂૂ થઈ છે. કેટલાક કાર્યકરો ડાભીના આક્ષેપોને સમર્થન આપે છે, જ્યારે અન્ય લોકો તેને પક્ષની એકતા માટે નુકસાનકારક ગણાવે છે. એક સ્થાનિક કાર્યકરે જણાવ્યું, કનુભાઈએ જે વાતો ઉઠાવી છે તેમાં સત્ય છે. પૂર્વ ધારાસભ્યો અને જૂના કાર્યકરોની અવગણના થાય છે, જેનાથી કાર્યકરોમાં નારાજગી વધે છે.

