Site icon Gujarat Mirror

અલનીનોના સંભવિત ખતરા સામે સરકાર સતર્ક, આગોતરા આયોજનની તૈયારી

નર્મદા લાઇનથી 3 કિ.મી. વિસ્તારમાં તળાવો ભરવાની મર્યાદા વધારી 7 કિ.મી. કરાઇ, પીવાના પાણી માટે 300 તળાવો અને સૌરાષ્ટ્રના ડેમો ભરાશે

આકસ્મિક પાક આયોજન તૈયાર, ઘાસચારાનો બફર સ્ટોક રાખવા સૂચના, દરેક તંત્રને 24 કલાક નજર રાખવા તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે આગામી અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મહત્વપૂર્ણ બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યની મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના તમામ પ્રદેશોના જળાશયોમાં સંગ્રહીત પાણીના જથ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને નર્મદા નેટવર્ક સાથે જોડીને આગોતરું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીના આદેશ મુજબ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો હતો. અગાઉ નર્મદા પાઇપલાઇનથી 3 કીલોમીટર સુધીના વિસ્તારમાં આવતા જ તળાવો ભરવામાં આવતા હતા, હવેથી પાઈપલાઈનથી 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. જે મુજબ સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના આશરે 300થી વધુ તળાવો ભરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે.

કૃષિ ક્ષેત્રની સજ્જતા અંગે મંત્રીએ જણાવ્યું કે, ખરીફ-2026 માટે રાજ્યમાં બિયારણ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કૃષિ વિભાગે અલ-નીનોની સંભવિત પરિસ્થિતિમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા માટે ’આકસ્મિક પાક આયોજન’ તૈયાર કર્યા છે. જેમાં, વૈજ્ઞાનિક સલાહ અને વૈકલ્પિક ટૂંકા ગાળાના તથા ઓછા પાણીએ પાકતા પાકોની વિગતો ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને AI ડ્રિવન ’કૃષિ પ્રગતિ’ના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઈલ પર લાઈવ હવામાન અને કૃષિ સલાહના SMS મોકલવામાં આવી રહ્યા છે.

જગતના તાતની સાથે રાજ્યના પશુધનની સુરક્ષા પણ સરકારની અગ્રતા છે. સંભવિત અલ-નીનોની સ્થિતિમાં પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. હાલમાં રાજ્ય સરકાર પાસે 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગને તમામ જિલ્લા વહીવટી તંત્રો અને કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર 24×7 નજર રાખવા અને સંપૂર્ણ સતર્ક રહેવા જણાવ્યું છે.વર્ષ 2000 થી 2026 દરમિયાન રાજ્યમાં કુલ 8 ખરીફ અલ-નીનો વર્ષ નોંધાયા છે. ભૂતકાળના ડેટા દર્શાવે છે કે દરેક અલ-નીનો વર્ષ નબળું નથી હોતું.

વર્ષ 2006 અને 2023માં અત્યંત તીવ્ર અલ-નીનો હોવા છતાં ગુજરાતમાં 117% વરસાદ નોંધાયો હતો. જેથી, ખેડૂતોએ કે પ્રજાએ ચિંતા કરવાની કે ભ્રામક અફવાઓથી ડરવાની જરૂૂર નથી. નાગરિકોએ સરકારના નિર્દેશોનું પાલન કરવા મંત્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, નર્મદા નિગમના એમ.ડી. મુકેશ પૂરી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version