Site icon Gujarat Mirror

માણાવદર પંથકમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ યુવતીનો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પરિણામ અને પેપરને લઈને જોવા મળતો માનસિક તણાવ ક્યારેક ગંભીર સ્વરૂૂપ ધારણ કરી લેતો હોય છે. માણાવદર પંથકના થાનીયાડા ગામે આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીએ પેપર નબળા ગયાના ડરથી ઝેરી પ્રવાહી પી લેતા ચકચાર મચી ગઈ છે.

મળતી વિગત મુજબ, માણાવદરના થાનીયાડા ગામે રહેતી સંજનાબેન મહેન્દ્રભાઈ વારસૂર (ઉં.વ. 18) નામની યુવતીએ ગઈકાલે મંગળવારે સવારે 11:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં સંજનાબેનને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજનાબેને બે દિવસ પહેલા જ ધોરણ-12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી હતી. પરીક્ષા પૂરી થયા બાદ તેને સતત એવો ડર સતાવતો હતો કે તેના પેપર નબળા ગયા છે અને પરિણામ ધાર્યું નહીં આવે. આ માનસિક બોજ હેઠળ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે.
આ ઘટનાની જાણ થતા જ માણાવદર પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે. પોલીસે હોસ્પિટલ પહોંચી પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. દીકરીએ ખરેખર પેપરના ટેન્શનમાં આ પગલું ભર્યું છે કે પછી અન્ય કોઈ પારિવારિક કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version