ગિલ, શમી, ઇશાન કિશન, અક્ષર પટેલ ન્યુઝીલેન્ડ સામે કરી શકે છે વાપસી

11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની શરૂૂઆત થવાની છે. નવા વર્ષે ભારતીય ટીમ નવા ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. ન્યૂઝીલેન્ડ સામે ભારત 3 મેચની વનડે…

11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની શરૂૂઆત થવાની છે. નવા વર્ષે ભારતીય ટીમ નવા ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. ન્યૂઝીલેન્ડ સામે ભારત 3 મેચની વનડે સીરિઝ અને 5 મેચની ટી20 સીરિઝ રમી છે. વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી થઈ નથી. ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ 3 જાન્યુઆરીએ વનડે ટીમની જાહેરાત કરી શકે છે. જેને લઈને ભારતીય સિલેક્ટર્સ ઓનલાઈન મિટિંગ કરે એવી આશા છે. ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝમાં ભારતના 5 ધાકડ ખેલાડી વાપસી કરી શકે છે. તેમાં કેપ્ટન શુભમન ગિલથી લઈને ઈશાન કિશન, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજ સામેલ છે.

શુભમન ગિલ ગરદનની ઇજામાંથી સ્વસ્થ થઈને ભારતીય ટીમમાં વાપસી કરવા તૈયાર છે. જમણા હાથનો બેટ્સમેન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તે ક્રિકેટથી દૂર છે. ગિલને નવેમ્બર-ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં બેટિંગ દરમિયાન ગરદનમાં ઇજા થઈ હતી. ત્યાર બાદ તે દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરિઝ રમી શક્યો નહોતો.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝમાં કમબેક કરવા તત્પર છે. નેશનલ ટીમથી બહાર થયા પછી શમી ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ટીમ ઇન્ડિયા માટે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 9 માર્ચ 2025ના રોજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ સામે દુબઈમાં રમી હતી. વનડે વર્લ્ડ કપ ઇતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર શમીએ અત્યાર સુધી રમેલી 108 વનડે મેચમાં 206 વિકેટ લીધી છે. વનડેમાં ભારત માટે નંબર પાંચ પર બેટિંગ કરનાર અક્ષર પટેલે ઘરેલુ સીરિઝ માટે ટીમમાં વોશિંગ્ટન સુંદરની જગ્યા લે એવી આશા છે. રિપોર્ટસ અનુસાર ઈશાન કિશન પણ ન્યૂઝીલેન્ડ સીરિઝ દરમિયાન બે વર્ષથી વધુ સમય પછી ભારત માટે વનડેમાં વાપસી કરવા તૈયાર છે.

વિકેટકીપર બેટ્સમેન ઈશાને ભારત માટે છેલ્લી વનડે મેચ 11 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમી હતી. તે ભારતના બીજા વિકેટકીપર-બેટ્સમેન તરીકે રિષભ પંતની જગ્યા લઈ શકે છે. ફાસ્ટ બોલર સિરાજને પણ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની સીરિઝ માટે પસંદ કરવામાં આવી શકે છે. સિરાજે છેલ્લીવાર ઓક્ટોબર 2025માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે વનડે મેચ રમી હતી. તેને સાઉથ આફ્રિકા સામે ઘરેલુ સીરિઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું.