સિંધાજ ગામે કોંગ્રેસની બેઠકમાં ભાજપના નેતાની હાજરીથી અનેક તર્ક-વિતર્ક: વડનગર જિલ્લા પંચાયત બેઠક પર નવા સમીકરણો રચાયા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકાના સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠકે તાલુકભરમાં ચર્ચા જગાવી છે. ભાજપના માજી ધારાસભ્ય અને માજી સંસદીય સચિવ જે.ડી. સોલંકીએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લું સમર્થન જાહેર કરતા પંથકમાં અનેક ચર્ચાઓ જાગી છે.
સિંધાજ ગામે ભાજપનાજ અને હાલ કોંગ્રેસ માં ભળેલા સુનિલભાઈ રાઠોડના નિવાસસ્થાને કોંગ્રેસ પક્ષની ચૂંટણીલક્ષી બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂજાભાઈ વંશ, તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ બારડ, પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રવિણસિંહ ઝાલા તેમજ શહેર પ્રમુખ મહેંદી હસન નકવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, આશ્ચર્યજનક રીતે ભાજપના નેતા જે.ડી. સોલંકીની ઉપસ્થિતિ અને તેમના કોંગ્રેસ તરફી પ્રવચનોએ સમગ્ર બેઠકનું આકર્ષણ કેન્દ્ર બદલી નાખ્યું હતું.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પૂજાભાઈ વંશે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,”વડનગર જિલ્લા પંચાયત બેઠક માટે સુનિલભાઈ રાઠોડને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર જેઠાભાઈ સોલંકી દ્વારા સુનિલભાઈને અને અન્ય તમામ બેઠકો માટે કોંગ્રેસ ને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિંધાજ બેઠક માટે પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની સ્પષ્ટતા કરી દીધી છે.‘ રાજકારણમાં અનેક ચર્ચાઓ સાથે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે જેઠાભાઇ સોલંકી નો ટેલીફોનિક સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો નથી પણ આ સમગ્ર ઘટનાક્રમથી ગીર સોમનાથની રાજકીય પરિસ્થિતિમાં નવા સમીકરણો ઉભા થઈ રહ્યા છે. ભાજપના નેતા દ્વારા કોંગ્રેસ ઉમેદવારને મળેલું સમર્થન આવનારી ચૂંટણીમાં શું અસર કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

