ક્રાઇમ
ધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદ
પાટણની જયુડિસીયલ કોર્ટે પાટણ પાસેનાં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલનાં પરીક્ષા સેન્ટરમાં માર્ચ-2018 માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડનાં ચાર પૈકી ત્રણ આરોપીઓને આઈપીસી 419/11 માં એક વર્ષની સાદી કેદ અને રૂૂા. 10-10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદ તથા આઇપીસી 417/114 અંતર્ગત દોષિત ઠેરવીને છ માસની સાદી કેદ અને રૂૂા. એક-એક હજારનો દંડની સજા ફટકારી હતી.
આ કેસમાં સજા પામેલાઓમાં ગોવિંદભાઈ લાભુભાઈ ઠાકોર (ઉ.ચવ.29) ભદ્રાડા, તા. સમી અને આસીફખાન નગરખાન મલેક (ઉ.વ.38) રે. વારાહી, તા. સાંતલપુર સજા સંભળાવતી વખતે કોર્ટમાં હાજર હતા જયારે આરોપી ભરત મેઘરાજ ચૌધરી (ઉ.વ.26) રે. જારુસા તા.સાંતલપુર કોર્ટમાં હાજર ન હોવાથી તેમની ગેરહાજરીમાં સજાનું એલાન કરીને તેઓની સામે સજા વોરંટ ઈસ્યુ કરવાનો આદેશ પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ આપ્યો હતો.
આ કેસમાં સજા ફટકારતાં જજ યુ.એસ. કાલાણીએ જણાવ્યું હતું કે, આ કેસમાં બંને પક્ષકારોની રજુઆતો ધ્યાને લીધી છે. આ બનાવમાં આરોપીઓ સામે શાળામાં છેતરવાના ઇરાદાથી મુળ વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપવા માટે આવ્યા હોવાનો આક્ષેપ પુરવાર થયેલ છે. આરોપીઓએ જે શાળા સંસ્થા અને (પરીક્ષા) બોર્ડને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ને તેનાં કારણે આ બોર્ડની આબરુને પણ હાની પહોંચેલી છે ને આ કેસમાં સમાજમાં આવા પ્રકારનાં ગુના વધતા જાય છે ને આ કેસમાં આરોપીઓ જે ગુનો કરેલ છે તે જોતાં તેઓએ જે મોડસ ઓપરેન્ડી અપનાવી છે તેઓને પ્રોબેશનનો લાભ આપી શકાય નહિં ને તેઓને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી ઉચિત જણાય છે.
બીજા કેસમાં પાટણમાં 2021ની ધો. 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષામાં મુળ વિદ્યાર્થીનાં બદલે પરીક્ષા આપતાં ઝડપાયેલા ડમી વિદ્યાર્થી સહિત મુળ વિદ્યાર્થી બંનેને પાટણની જયુડિસીયલ કોર્ટે એક એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. ડમીકાંડમાં કોઈ વિદ્યાર્થીને સજા થઈ હોય તેવો પાટણ જિલ્લાનો સંભવત આ પ્રથમ બનાવ હોઈ શકે છે. સજા પામેલાઓમાં વિષ્ણુભાઈ બળવંતજી ઠાકોર (ઉ.વ.23) તથા તેનાં મિત્ર અંકેશ વિનોદભાઈ પરમાર (ઉ.વ.25) રે. બંને સાંપ્રા તા. સરસ્વતિનો સમાવેશ થાય છે. આરોપી વિષ્ણુ તેનાં મિત્ર અકેશનાં બદલામાં ધો. 12 સામાન્ય પ્રવાહનાં સમાજ શાસ્ત્રની પરીક્ષા આપતાં તા. 26-7-2021ના રોજ પરીક્ષા કેન્દ્રનાં સંચાલક સુપરવાઈઝરે પકડયો હતો.