Site icon Gujarat Mirror

કોડીનારમાં ચશ્માના વેપારી પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો

 

જૂની અદાવતમાં સોપારી આપી હુમલો કરાવાયો હોવાનો પત્નીનો આક્ષેપ; ટાટા સુમોમાં આવેલા 6 શખ્સો સામે ફરિયાદ

ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ધોળે દિવસે હિંસક હુમલાની ઘટના સામે આવી છે. શહેરની વ્યસ્ત એવી રોણાજ રોડ ચોકડી પાસે ચશ્માનો વ્યવસાય કરતા અવતારસિંઘ જગજીતસિંહ નામના યુવાન પર 6 શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કોડીનારના ચીકુવાડી વિસ્તારમાં રહેતા અવતારસિંઘ રોણાજ ચોકડી પાસે પોતાના ચશ્મા વેચવાના ધંધા પર હતા, ત્યારે અચાનક સફેદ રંગની ટાટા સુમો ગાડીમાં આવેલા શખ્સોએ તેમના પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી તલવાર, લોખંડના પાઈપ અને લાકડી જેવા પ્રાણઘાતક હથિયારોથી યુવાનને આડેધડ માર માર્યો હતો. ખાસ કરીને માથાના ભાગે તલવારના ઘા ઝીંકી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હુમલા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદી અગાઉ ડુક્કર પકડવાનો ધંધો કરતા હતા, જેનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. બીજી તરફ, ઇજાગ્રસ્તની પત્નીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વિરોધીઓએ સુપારી આપીને આ આયોજનબદ્ધ હુમલો કરાવ્યો છે.

આ મામલે પોલીસે અવતારસિંઘની ફરિયાદના આધારે પ્રેમસિંઘ જીવનસિંઘ બાવરી(રે.કોડીનાર), અમિત સિંહ બાવરી (રે.કોડીનાર),અર્જુનસિંહ જસપાલસિંહ ટાંક(રે.પ્રભાસ પાટણ)સહિત અન્ય ત્રણ અજાણ્યા માણસો હુમલો કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. પોલીસે હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે થયેલા આ હુમલાથી વેપારી આલમ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Exit mobile version