Site icon Gujarat Mirror

ગીર સોમનાથના ખેડૂતોએ બનાવ્યો ’ડ્રાયફ્રુટ ગોળ’, શુદ્ધતા અને સ્વાસ્થ્યનો સંગમ!

કેસર કેરી અને કેસરી સિંહ માટે વિશ્વભરમાં જાણીતું ગીર સોમનાથ જિલ્લાની જમીન શેરડીના ઉત્તમ પાક માટે પણ ઉમદા માનવામાં આવે છે. અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ હોવાથી ખેડૂતો પરંપરાગત રીતે દેશી ગોળનું ઉત્પાદન કરે છે. પરંતુ, હવે અહીંના જાગૃત ખેડૂતોએ સમયની સાથે તાલ મિલાવીને સામાન્ય ઓર્ગેનિક ગોળની સાથે સાથે ’ડ્રાયફ્રુટ ગોળ’ બનાવીને એક નવો ચીલો ચાતર્યો છે. સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થતા આ ડ્રાયફ્રુટ ગોળની માંગ સિઝન દરમિયાન ખૂબ રહે છે. આ ગોળમાં કાજુ, બદામ, કિસમિસની સાથે શિયાળામાં લાભદાયી એવી સૂંઠ પણ ઉમેરવામાં આવે છે. આટલું જ નહીં, તેને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તેમાં આયુર્વેદિક ઓસડીયા પણ ભેળવવામાં આવે છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોવાથી સ્થાનિક લોકોમાં આ ગોળ ખૂબ જ પ્રિય બન્યો છે.

આ ગોળનું ઉત્પાદન કરતા મોરડીયા ના ખેડૂત અરજણભાઇ વાઢેરે જણાવ્યું હતું કે, “અમારો આ ડ્રાયફ્રુટ ગોળ માત્ર પ્રાકૃતિક પદ્ધતિ વડે જ ઉત્પાદિત કરવામાં આવે છે. શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે, જે સ્નાયુઓ અને હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.”તેમણે ઉમેર્યું કે, “તેમાં ડ્રાયફ્રુટ (કાજુ, બદામ, કિસમિસ) અને અન્ય આયુર્વેદિક ઓસડીયા પ્રમાણસર મેળવીને અમે ઉત્તમ કક્ષાનો ગોળ તૈયાર કરીએ છીએ. આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણાય છે.”ખેડૂતો આ ગુણવત્તાસભર ગોળને નજીવા નફા સાથે સ્થળ પર, એટલે કે રાબડા પરથી જ રિટેલ વેચાણ કરે છે, જેથી લોકોને તે પોષાય તેવી કિંમતે મળી રહે. હાલ બજાર માં સામાન્ય પ્રાકૃતિક ગોળ રૂૂ. 60 થી 65 પ્રતિકીલો માં મળે છે જ્યારે પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળ રૂૂ. 100/- થી 110/- થી વધુ સુધીમાં મળે છે.આ ડ્રાયફ્રુટ ગોળ ફ્રીઝમાં એક વર્ષ સુધી અને ફ્રીઝની બહાર ચાર મહિના સુધી સારો રહે છે. જોકે, ગોળને કંઈ થતું નથી, પરંતુ તેમાં રહેલું ડ્રાયફ્રુટ ખોરું થવાની શક્યતા રહેલી છે.વર્તમાન સમયમાં આ ડ્રાયફ્રુટ ગોળની સારી એવી માંગ છે અને લોકો પોતાની જરૂૂરિયાત મુજબ અહીં રાબડા પરથી જ તેની ખરીદી કરવા આવે છે.

ખરીદદાર જયેશભાઈ ગટેચાએ જણાવ્યું હતું કે, “₹100/- પ્રતિ કિલોના ભાવે મળતો આ પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળ દરેકને પોષાય તેવો છે અને તે પ્રાકૃતિક રીતે બનાવવામાં આવતો હોવાથી લોકો ને ખાવામાં ખૂબ આનંદ આવે છે.” ગીર સોમનાથના ખેડૂતોનો આ પ્રયાસ ખેતીમાં મૂલ્યવર્ધન કરીને ગ્રાહકોને શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક વસ્તુ પૂરી પાડવાનો એક ઉત્તમ દાખલો બેસાડે છે.

Exit mobile version