કાલાવડ તાલુકાના શિશાંગ અને નિકાવા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે. આ અનિયંત્રિત વરસાદે ખેતરોમાં ઉભેલા મગફળી, કપાસ, સોયાબીન, તલ અને ડુંગળી જેવા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ સરેરાશ બે-ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે પાકની સ્થિતિ દયનીય બની છે.મગફળીના પાકમાં વધારે ભેજ પડતા પાલો સડી જવાના બનાવો સામે આવી રહ્યા છે. કપાસના છોડમાં પાંદડા પીળા પડી રહ્યા છે અને ફળિયા તૂટી જતા ગુણવત્તા પર પણ અસર થઈ છે. સોયાબીન અને તલના પાકમાં પણ પાણી ભરાતા રોગચાળો ફેલાઈ રહ્યો છે.ખેડૂતોના કહેવા મુજબ વરસાદના કારણે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને આખા વર્ષની મહેનત પાણીને અર્પણ થઈ ગઈ છે.
કમોસમી વરસાદને કારણે ઘાસચારો પણ ભીંજાઈ જતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશુઓ માટે ચારા અને શુષ્ક ખોરાકની અછત સર્જાતી દેખાઈ રહી છે. જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે.
ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક કૃષિ વિભાગ મારફતે સર્વે બંધ કરીને પાકનું યોગ્ય વળતર જાહેર કરે. તાલુકાના શિશાંગ, નિકાવા સહિતના વિસ્તારોમાં હજી વહેલી સવારે વરસાદી માહોલ હતો.જેના કારણે ખેડૂતોમાં નિરાશા અને ચિંતા છવાઈ ગઈ છે.આ અણધાર્યા વરસાદે ખેડૂતોના સ્વપ્નો પર પાણી ફેરવી દીધું છે, હવે સરકાર તરફથી સહાયની આશા જ તેમની એકમાત્ર અપેક્ષા બની છે.
