Site icon Gujarat Mirror

કેશોદમાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો આપઘાત

ત્રણ શખ્સોએ ખેતર જવાના રસ્તે મોટા પથ્થર નાખી દેતાં વરસાદી પાણીનો નિકાલ કેમ થશે! ચિંતામાં પગલું ભરી લીધું, ગુનો નોંધાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેતરના રસ્તા અને ચોમાસાના પાણીના નિકાલના સામાન્ય વિવાદે એવો ગંભીર વળાંક લીધો કે એક લાચાર ખેડૂતે અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

બનાવની વિગત એવી છે કે, ગત તારીખ 7 જૂનના રોજ સવારે વેજાભાઈ નાની ઘંસારી ગામમાં આવેલી પોતાની સંયુક્ત માલિકીની જમીન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે ગામના જ કિશોર પર્બતભાઈ અડીયા, નારણ ભીખાભાઈ અડીયા અને વિરમ ગોવિંદભાઈ અડીયા નામના ત્રણ શખ્સો ખેતરમાં જવાના મુખ્ય રસ્તા પર મોટા મોટા પથ્થરો નાખી આડશ ઊભી કરી રહ્યા હતા. વેજાભાઈએ તાત્કાલિક આ અંગે પોતાના ભાઈ કરશનભાઈ બારિયાને ફોન પર ભયભીત અવાજે જાણ કરી હતી. આરોપીઓનો હેતુ એવો હતો કે ફરિયાદી પક્ષના ખેતરમાંથી ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકે.

ખેડૂત વેજાભાઈએ ખૂબ જ નમ્રતાપૂર્વક આ ત્રણેય આરોપીઓને પથ્થરો હટાવવા વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યા હતા કે જો આ પ્રકારે રસ્તો બંધ થશે, તો ચોમાસામાં તેમના ખેતરમાં પાણી ભરાઈ રહેશે અને મોંઘોદાટ પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જવાથી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. જોકે, વાજબી રજૂઆત સાંભળવાના બદલે ત્રણેય આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યા હતા. આરોપીઓએ નફ્ફટાઈથી ધમકાવતા કહ્યું કે, ગમે તે થાય અમે પથ્થરો નહીં હટાવીએ અને આ જ રીતે આડશ રાખીશું.

આ ભયંકર અપમાન, ગાળાગાળી અને ભવિષ્યમાં આર્થિક પાયમાલી આવવાના ડરથી ભારે આઘાતમાં આવી ગયેલા વેજાભાઈએ તે જ સમયે ખેતરમાં રાખેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ખેડૂતે દવા પીધી હોવાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક ખેતરે દોડી આવ્યા હતા. તેમને સારવાર માટે સૌપ્રથમ કેશોદ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ લાચાર ખેડૂતે દમ તોડી દીધો હતો.

આ ગંભીર મામલે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, મૃતકના ભાઈ કરશનભાઈ બારિયાની લેખિત ફરિયાદના આધારે કેશોદ પોલીસે ત્રણેય આરોપીઓ (કિશોર હડિયા, નારણ હડિયા અને વિરમ હડિયા) સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 108, 296(બી) તથા 114 મુજબ આપઘાતની દુષ્પ્રેરણા અને ગાળાગાળીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. એક સામાન્ય રસ્તાના વિવાદમાં મહેનતુ ખેડૂતે જીવ ગુમાવતા સમગ્ર પંથકના ખેડૂત આલમમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Exit mobile version