Site icon Gujarat Mirror

ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતનો આપઘાત

ખેત સુધારણા માટે 4 શખ્સો પાસેથી 3થી 10 ટકા લેખે લીધેલી રકમ વસુલવા ધમકી આપતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ

ભાયાવદરના મયુરનગરમાં વ્યાજના અજગરભરડામાં ફસાયેલ 28 વર્ષીય ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો.28 વર્ષીય યુવાનના આપઘાત માટે જવાબદાર ચાર વ્યાજખોર દેવાંગભાઈ ભાવેશભાઇ વિરડા, જસ્મીનભાઈ અરવિંદભાઈ ચાવડા , મીહીરભાઈ જીતેશભાઇ ચોવટીયા અને ઇન્દ્રજીતસિંહ ખીમસિંહ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ ભાયાવદરના મયુરનગરમાં રહેતા ખેડૂત રવિ ભગવાનજીભાઇ મકવાણાએ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને પોતાના જ ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના અંગે મૃતકની માતા નિર્મળાબેન ઉર્ફે નીમુબેન મકવાણા (ઉ.વ. 53) એ ભાયાવદર પોલીસ મથકે ચાર વ્યાજખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. મૃતક રવિ મકવાણા અગાઉ સીદસર ખાતે ગૌશાળામાં કામ કરતો હતો અને ત્યારબાદ પોતાના ગામ ભાયાવદર આવી ખેતીકામ સંભાળતો હતો. ખેતીમાં સુધારણા અને નાણાકીય જરૂૂરિયાત ઊભી થતાં તેણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. જેમાં દેવાંગભાઈ ભાવેશભાઇ વિરડા પાસેથી માસિક 3% ના વ્યાજે રૂૂ. 13,00,000 , જસ્મીનભાઈ અરવિંદભાઈ ચાવડા પાસેથી માસિક 10% ના તોતિંગ વ્યાજે રૂૂ. 3,00,000, મીહીરભાઈ જીતેશભાઇ ચોવટીયા પાસેથી માસિક 3% ના વ્યાજે રૂૂ. 50,000 અને (4) ઇન્દ્રજીતસિંહ ખીમસિંહ ચૌહાણ પાસેથી માસિક 3% ના વ્યાજે રૂૂ. 3,00,000 લીધા હતા.

રવિ સતત આ લોકોને વ્યાજ ચૂકવતો હતો અને મુદ્દલ કરતાં પણ વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓનો અતિલોભ સંતોષાયો નહોતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ એકસમાન ઇરાદો પાર પાડવા માટે રવિને ફોન પર તથા રૂૂબરૂૂમાં અવારનવાર બિભત્સ ગાળો આપતા હતા. એટલું જ નહીં, આરોપીઓ વ્યાજખોરીના આ પિશાચી ખેલમાં મૃતકની માતા નિર્મળાબેનને પણ ફોન કરીને ધમકાવતા હતા. ઘટનાના દિવસે સવારે રવિએ તેની માતાને રડતી આંખે આપવીતી સંભળાવી હતી કે, તે આ ચારેય વ્યાજખોરોના અજગરભરડામાં ખરાબ રીતે ફસાઈ ગયો છે અને આરોપીઓ ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. માતાએ દીકરાને આશ્વાસન આપ્યું હતું કે ’બધું સારું થઈ જશે’, પરંતુ વ્યાજખોરોના ત્રાસથી યુવાન અંદરથી તૂટી ચૂક્યો હતો.

ગત તારીખ 23/06/2026 ના રોજ સવારે આશરે 10:00 વાગ્યે નિર્મળાબેન ભાયાવદર ખાતે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. આ દરમિયાન ઘરે રવિ એકલો હતો. આશરે અગિયાર વાગ્યે જ્યારે માતા પરત ઘરે ફર્યા, ત્યારે હોલના ખૂણામાં હૂક સાથે દોરડું બાંધી રવિ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. માતાની કાળજું કંપાવનારી ચીસો સાંભળી આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા અને રવિને નીચે ઉતારી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આત્મહત્યાના દુષ્પ્રેરણના મામલામાં ભાયાવદર પોલીસે ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011 ની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની ઊંડાણ પૂર્વકની તપાસ પી.આઈ એચ. એમ. ધાધલ ચલાવી રહ્યા છે. ગેરકાયદેસર વ્યાજ વસૂલતા અને યુવાનને મરવા મજબૂર કરતા આ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version