લોધીકા પોલીસમાં ગુનો નોંધાયો
કોટડાસાંગાણી તાલુકાના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં એક ખેડૂત પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ખેડૂતની પત્નીને પણ માર મારવામાં આવ્યો હતો. લોધીકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, આંબલીયાળા ગામના ખેડૂત રમેશભાઈ સોલંકીની માલિકીની જમીનમાં 24 તારીખના રોજ બપોરના સમયે માપણી કરવા આવેલા શખ્સોને ટપારવા મુદ્દે વિવાદ થયો હતો. આ જ ગામના હર્ષદસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ એકસંપ કરી રમેશભાઈ પર હુમલો કર્યો હતો.
દિવ્યરાજસિંહે રમેશભાઈને લોખંડના પાઈપ વડે પગમાં માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે રમેશભાઈની પત્ની તેમને છોડાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓએ તેમને પણ ફડાકા મારી મારપીટ કરી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.હુમલામાં ઘાયલ થયેલા રમેશભાઈને સારવાર માટે ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં લોધીકા પોલીસે તાત્કાલિક તપાસ શરૂૂ કરી હતી.
રમેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે, લોધીકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 117(2), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.

