Site icon Gujarat Mirror

નીટ પરીક્ષા કૌભાંડમાં નકલી આધારકાર્ડનું રેકેટ ખુલ્યું

કર્ણાટક ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા એડવોકેટની સંડોવણી ખુલી

કર્ણાટક સેન્ટર કરવા ગુજરાતના અનેક વિદ્યાર્થીના આધારકાર્ડમાં ચેડા કર્યાનો ઘટસ્ફોટ

નીટની પરીક્ષામાં 650થી વધુ માર્ક આપવાના કૌભાંડની તપાસમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને કર્ણાટકના પાંચ દલાલોની સંડોવણી ખુલ્યા બાદ આ મામલે તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચની ટીમ કર્ણાટક તપાસ અર્થે ગઈ હતી જ્યાં આ નીટ કૌભાંડની તપાસમાં નકલી આધારકાર્ડનું રેકેટ હોવાનું ખુલ્યું છે. ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈ નીટની પરીક્ષામાં 650થી વધુ માર્કસ અપાવવા માટે ગુજરાતના બદલે કર્ણાટકનું સેન્ટર કરવા વિદ્યાર્થીઓના આધારકાર્ડમાં ચેડા કર્યા હોવાનું ખુલ્યું છે. આ પ્રકરણની તપાસમાં કર્ણાટકના એક એડવોકેટની સંડોવણી ખુલી છે. જેની પુછપરછ માટે ક્રાઈમ બ્રાંચે તેને નોટિસ આપી છે.

જેતપુરના અમરનગર રોડ પર રહેતા તૃષાર અરવિંદભાઈ વેકરીયાના પુત્રને નીટમાં 650 થી વધુ માર્ક અપાવવા માટે રાજકોટનાં કાલાવડ રોડપર આવેલ રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણી, રાજસ્થાન ઉદેપુરના ધવલ સંઘવી, રાજકોટનાં વિપુલ મુળશંકર તેરૈયા તેના ભાઈ સુરત રહેતા પ્રકાશ મુળશંકર તેરૈયા અને કર્ણાટકના બેલગામ રહેતા સી.બી.એસ.સી.ના પરીક્ષાના કો-ઓર્ડીનેટર મંજીત જૈનનું નામ ખુલ્યું હતું. તુષારભાઈના પુત્ર બ્રીજને 12 સાયન્સમાં પરીક્ષા આપ્યા બાદ નીટની પરીક્ષામાં 650 થી વધુ માર્કસ માટે 30 લાખ આપ્યા હતાં. પરંતુ પરીક્ષામાં 650 થી વધુ માર્કસ આવ્યા ન હતાં. આ અંગેની તપાસમાં ક્રાઈમ બ્રાંચે રાજકોટ, ધોરાજી, અમદાવાદ, સુરત અને કર્ણાટકમાં દરોડા પાડયા હતાં.

જેમાં વિપુલ તેરૈયા અને રોયલ એકેડમીના રાજેશ પેથાણીની ધરપકડ કરી હતી તપાસમાં આ ટોળકીએ અનેક વિદ્યાર્થીઓ પાસેતી પૈસા લીધા હોવાનું ખુલ્યું હતું. રાજકોટ, અમદાવાદ, સુરત અને કર્ણાટકના પાંચ દલાલોની સંડોવણી સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ વધુ પાસ માટે કર્ણાટક ગઈ હતી. અમદાવાદનો વિપુલ તેરૈયા અને અપૂર્વ શાહ એજન્ટ હોવાનું ખુલ્યું હતું તે ઉપરાંત સીબીએસસી પરીક્ષાનો કો ઓર્ડીનેટર મંજીત જૈન ઈન્દોરમાં હોવાની માહિતીના આધારે એક ટીમ ઈન્દોર પહોંચી હતી. કર્ણાટક તપાસ અર્થે ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમને આ નીટની પરીક્ષાના કૌભાંડની તપાસમાં નકલી આધારકાર્ડનું રેકેટનું નેટવર્ક મળી આવ્યું હતું.

ગુજરાતના વિદ્યાર્થીઓ પાસેથી 30 લાખથી લઈ 75 લાખ સુધી પડાવ્યા બાદ આ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષાનું સેન્ટર ગુજરાતના બદલે કર્ણાટક કરવા માટે વિપુલના ભાઈ પ્રકાશ તેરૈયાએ નકલી આધારકાર્ડ બનાવ્યા હતાં. ગુજરાતના વિદ્યાર્થીઓના આધારકાર્ડમાં સરનામામાં ચેડા કરી કર્ણાટકનું સરનામું દેખાડી પરીક્ષા કેન્દ્ર કર્ણાટક કરાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ પરમાર સહિતની ટીમ તપાસ અર્થે ગઈ હોય જેમાં આ કૌભાંડમાં એક વકીલની સંડોવણી ખુલતાં તેની પુછપરછ માટે તેને નોટિસ આપવામાં આવી છે. આ કૌભાંડની તપાસમાં હજુ પણ ચોંક્ાવનારી વિગતો સામે આવી શકે છે.

Exit mobile version