Site icon Gujarat Mirror

વસતી ગણતરીનું વિસ્તરતું ફલક: ડિજિટલ માધ્યમના ઉપયોગ સાથે સામાજિક-આર્થિક પાસા જાણવા મળશે

નરેન્દ્ર મોદીની સરકારે અંતે વસતી ગણતરી કરવાનું નક્કી કરી નાખ્યું અને તેના માટે રૂૂપિયા 11,718 કરોડનું બજેટ પણ મંજૂર કરી દેવાયું. ભારતમાં 1951થી દર દસ વરસે વસતી ગણતરી કરાય છે ને એ પરંપરામાં ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી. એ પછી 2021માં વસતી ગણતરી થવાની હતી પણ કોવિડને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

હવે 5 વર્ષ પછી અંતે વસતી ગણતરીને લીલી ઝંડી મળી છે. બે તબક્કામાં હાથ ધરાનારી વસતી ગણતરીનો પહેલો તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાથ ધરાશે ને બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરાશે. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં 2027ની વસ્તી ગણતરીને લગતા સવાલોના જવાબમાં પહેલાં જ કહી દીધું છે કે, આ વખતની વસતી ગણતરી જ્ઞાતિ આધારિત હશે. લોકસભામાં રાય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, 30 એપ્રિલે મળેલી રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં વસતી ગણતરીમાં જ્ઞાતિનો પણ સમાવેશ કરવામાં આવશે એવો નિર્ણય લેવાઈ જ ગયો છે તેથી અત્યારે ભલે સ્પષ્ટતા ના કરાઈ હોય પણ વસતી ગણતરીમાં જ્ઞાતિને આવરી લેવાશે એ સ્પષ્ટ છે.

કેન્દ્ર સરકારે બહુ પહેલાં જ 2027ની રાષ્ટ્રીય વસતી ગણતરી ડિજિટલી કરવાનો નિર્ણય લઈ લીધો હતો ને એ માટે પોર્ટલ પણ બનાવાઈ રહ્યું છે. આ વિશેષ ડિજિટલ પોર્ટલ દ્વારા સમગ્ર દેશમાં વસતી ગણતરીની પ્રક્રિયાઓનું મોનિટરિંગ અને સંચાલન કરવામાં આવશે. આ પોર્ટલનો ફાયદો એ છે કે, પહેલાંની જેમ વસતી ગણતરી કરનારા તમારા ઘરે આવે તેની રાહ જોવાની જરૂૂર નહીં રહે. નાગરિકો પોતે તેમની માહિતી ઓનલાઇન ભરી શકશે અને વસતી ગણતરીમાં ભાગ લઈ શકશે. જેમણે ઓનલાઈન માહિતી ના ભરી હોય એવા નાગરિકોના કિસ્સામાં ફિલ્ડ અધિકારીઓ ઘરે જઈને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા ભેગો કરશે. ભારતમાં અત્યાર સુધી થયેલી બધી વસતી ગણતરી મેન્યુઅલ થઈ છે. મતલબ કે, વસતીની ગણતરી કરનાર ઘરે ઘરે ફરીને ફોર્મ ભરાવે ને પછી એ ડેટા સરકારમાં જમા કરાવે. આ રીતે થતી ગણતરીમાં ચૂક થવાનો ખતરો રહેતો કેમ કે વસતી ગણતરી કરનારથી ભૂલ થાય તો ઘણાં નામ રહી જાય એવું બનતું.

ડિજિટલી વસતી ગણતરીમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે અને આ એપ્લિકેશન હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં હશે. ડિજિટલ વસતી ગણતરીમાં પણ સો ટકા બધાંને આવરી જ લેવાશે તેની ગેરંટી નથી પણ મેન્યુઅલ ગણતરી કરતાં ઓછી ચૂક થશે. વસ્તી ગણતરી પરંપરાગત રીતે કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા કરાય તેના કારણે ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે, ભૂલોની શક્યતા ઘટશે અને અંતિમ રિપોર્ટ વધુ ભરોસાપાત્ર તથા સમયસર ઉપલબ્ધ થઈ શકશે એવું મનાય છે ને આશા રાખીએ કે, આ માન્યતાઓ સાચી પડે.

Exit mobile version