Site icon Gujarat Mirror

લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે : સુપ્રીમ

દેશભરનાં લાખો કરારબધ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે મહત્ત્વનો ચૂકાદો

દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી પાસેથી લાંબા સમય સુધી કામ લેવામાં આવે છે, તો તે કાર્ય કુદરતી રીતે ‘કાયમી’ ગણાશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેંચે જણાવ્યું હતું કે, લાંબા સમયની સેવા જ એ વાતનો પુરાવો છે કે તે પદ પર નિયમિત નિમણૂકની જરૂૂર હતી.

આ કેસ કાનપુર નગર નિગમના સ્વિચમેન કર્મચારીઓ સાથે જોડાયેલો છે, જેઓ વર્ષ 1993 થી 2006 સુધી સતત કામ કરી રહ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે આ કર્મચારીઓની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠેરવ્યો છે. અદાલતે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ 12-13 વર્ષ સુધી સતત સેવા આપે છે, ત્યારે તેને ‘વૈકલ્પિક’ કે ‘અસ્થાયી’ માનીને અચાનક નોકરીમાંથી કાઢી શકાય નહીં.

નગર નિગમે કર્મચારીઓની હાજરીનો રેકોર્ડ કોર્ટમાં રજૂ કર્યો ન હતો. સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરતા કહ્યું કે જો સંસ્થા દસ્તાવેજો છુપાવે, તો કર્મચારીનો દાવો સાચો માનવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે પ્રભાવિત કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પાછા રાખવાનો આદેશ આપ્યો છે. જોકે, પાછલા બાકી વેતન અંગે હાઈકોર્ટને ફરીથી વિચાર કરવા જણાવ્યું છે, જેથી એ જાણી શકાય કે નોકરીમાંથી હટાવ્યા બાદ કર્મચારીઓ અન્ય ક્યાંય કાર્યરત હતા કે નહીં.

Exit mobile version