કોડીનાર પંથકમાં તસ્કરો ફરી સક્રિય થયા હોય તેમ કોડીનાર તાલુકાના સૈયાજી રાજપરા ગામના એક ખેડૂતની વાડીએથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી લઈ ગયા છે.
સૈયાજી રાજપરાના રહીશ અને ખેતીકામ કરતા રામસિંહભાઈ પ્રતાપભાઈ વાઢેળ (ઉ.વ. 58) એ કોડીનાર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે . તેમની સૈયાજી રાજપરા-કરેડા ગામની સીમમાં આવેલી ખેતીની જમીન પાસે, સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાએ પિયત માટે 5 એચ.પી.ની ઇલેક્ટ્રિક મોટર મૂકવામાં આવી હતી.ગઈ તારીખ 09/04/2026ના રોજ સાંજે તેઓ વાડીએથી ઘરે ગયા બાદ, બીજા દિવસે સવારે પરત ફરતા જોયું તો કરેડા પાળા ડેમ પાસે રાખેલી મોટર ગાયબ હતી. આજુબાજુમાં તપાસ કરવા છતાં મોટર ન મળી આવતા આખરે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ કરવાની ફરજ પડી છે.
ખેડૂતે પોતાની અરજીમાં વધુમાં જણાવ્યું છે કે અગાઉ પણ આ જ જમીનમાંથી બે ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઈ ચૂકી છે.થોડા સમય પહેલા જ 100 ફૂટ વાયર, 200 ફૂટ રસ્સો અને સ્ટાર્ટર વાયરની પણ ચોરી થઈ હતી.વારંવાર થતી આ ચોરીઓ પાછળ કોઈ જાણભેદુ તત્વોનો હાથ હોવાની પ્રબળ શક્યતા જણાઈ રહી છે. ત્યારે સીમચોરી કરનાર તત્વોને પોલીસ ઝડપી પડે તેવી લોકમાંથી માંગણી ઉઠી છે.

