Site icon Gujarat Mirror

કાલાવડના ખીજડિયા ગામે વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, કારણ જાણવા તપાસ યથાવત

કાલાવડ તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બાબુભાઈ મોહનભાઈ સવાલીયા (ઉં.વ. 63)ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ પોતાની વાડીએ હતા. આ સમયે તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના તબીબોએ બાબુભાઈને મૃત જાહેર કરતા તેમના મૃતદેહને પીએમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક બાબુભાઈ ચાર ભાઈ અને એક બહેનમાં બીજા નંબરના હતા. તેમના સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version