Site icon Gujarat Mirror

વસ્તી ગણતરીની કામગીરી 15 દિવસ મુલત્વી રાખવા શૈક્ષિક સંઘની રજૂઆત

ચૂંટણી, વાર્ષિક પરીક્ષા અને વસ્તી ગણતરીના ભારણ વચ્ચે શિક્ષકો પરેશાન

ગુજરાતમાં આગામી એપ્રિલ મહિનો વહીવટી અને શૈક્ષણિક દ્રષ્ટિએ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, તો બીજી તરફ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ અને વસ્તી ગણતરીની કામગીરી પણ લાઈનમાં છે. આ સંજોગોમાં શિક્ષકો પર અતિરિક્ત ભારણ વધતા ’અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ (રાજકોટ જિલ્લા ટીમ) દ્વારા વસ્તી ગણતરીની પ્રક્રિયા 15 દિવસ મુલતવી રાખવા સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

શૈક્ષિક મહાસંઘના સંજય હુંબલે અને જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, એપ્રિલ માસમાં ત્રણ મહત્વપૂર્ણ કામગીરીઓ 26 એપ્રિલ, 2026 સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાનાર છે. જેમાં હજારો શિક્ષકોને તાલીમ અને પોલિંગ ડ્યુટીમાં રોકવામાં આવ્યા છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 6 એપ્રિલથી 21 એપ્રિલ સુધી વાર્ષિક પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષા બાદ પેપર તપાસણી અને પરિણામ તૈયાર કરવાની કામગીરી પણ શિક્ષકોએ જ કરવાની હોય છે. વસ્તી ગણતરી અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 20 એપ્રિલથી રાજ્યમાં વસ્તી ગણતરી અંતર્ગત ’ઘર ગણતરી’ની પ્રક્રિયા શરૂૂ થવાની છે.

મહાસંઘની રજૂઆત મુજબ, જો 20 એપ્રિલથી વસ્તી ગણતરીની કામગીરી શરૂૂ કરવામાં આવે, તો તે જ સમયે શિક્ષકો પરીક્ષાના પરિણામો તૈયાર કરી રહ્યા હશે અને સાથે જ 26 એપ્રિલની ચૂંટણીની છેલ્લી ઓપની તાલીમમાં વ્યસ્ત હશે. આ ત્રણેય રાષ્ટ્રીય અને શૈક્ષણિક ફરજો એકસાથે બજાવવી શિક્ષકો માટે અશક્ય જેવું છે. તેનાથી માત્ર શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય પર જ નહીં, પણ વિદ્યાર્થીઓના પરિણામની સચોટતા અને શિક્ષણની ગુણવત્તા પર પણ માઠી અસર પડી શકે તેમ છે.

‘સમગ્ર રાજ્યમાં અંદાજે 70 થી 75 હજાર જેટલા કર્મચારીઓ અને શિક્ષકો વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા છે. આટલી મોટી સંખ્યામાં સ્ટાફ જ્યારે પરીક્ષા અને ચૂંટણી જેવી સંવેદનશીલ કામગીરીમાં વ્યસ્ત હોય ત્યારે વસ્તી ગણતરી જેવી ચોકસાઈ માંગી લેતી કામગીરીમાં ભૂલો થવાની શક્યતા વધી જાય છે. આથી, વસ્તી ગણતરીને ઓછામાં ઓછી 15 દિવસ એટલે કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં લઈ જવી જોઈએ’.

Exit mobile version