યેદિયુરપ્પા તેના ‘લખણે’ ગ્યા!

ભાજપે અંતે બી.એસ. યેદિયુરપ્પાને રવાના કરી દીધા.યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપે શામ, દામ, દંડ, ભેદ અપનાવીને 2019માં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને તોડી તોડીને રાજીનામાં અપાવીને કુમારસ્વામીની સરકારને ઘરભેગી કરેલી ને યેદિયુરપ્પાને વાજતેગાજતે ગાદી પર બેસાડેલા. 26 જુલાઈ, 2019ના દાડે યેદિયુરપ્પા ચોથી વાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા ને બરાબર બે વર્ષ પૂરાં કરીને વિદાય થવું પડ્યું. આ પહેલાં પણ યેદિયુરપ્પા ત્રણ વાર આ રીતે જ ટર્મ પૂરી કર્યા વિના બેઆબરૂ થઈને ઘરભેગા થયેલા ને આ વખતે પણ પોતાની ટર્મ પૂરી કર્યા વિના અધવચ્ચેથી ઘરભેગા થવાનો વારો આવી ગયો.
આમ તો
યેદિયુરપ્પા બે વર્ષ પહેલાં ગાદી પર બેઠા ત્યારથી જ તેમની સામે કકળાટ શરૂ થઈ ગયેલો. યેદિયુરપ્પા કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને તોડીને લાવેલા ને તેમની મહેરબાનીથી ગાદી પર બેઠેલા તેથી તેમને અછોવાનાં કરતા હતા. યેદિયુરપ્પા તેમને સાચવે તેમાં કશું ખોટું નહોતું પણ તેના કારણે ભાજપવાળા દુભાયેલા હતા. મંત્રીમંડળમાં પણ બહારથી આવેલા ધારાસભ્યોને વધારે મહત્ત્વ મળ્યું તેના કારણે કકળાટ વધેલો. દિલ્હીમાં બેઠેલા કેટલાક નેતાઓને પણ કર્ણાટકની ગાદી પર બેસવાના અભરખા છે તેથી એ લોકો પણ યેદિયુરપ્પાના વિરોધીઓને ચાવી માર્યા કરતા હતા. બાકી હતું તે યેદિયુરપ્પાનું ખાનદાન પણ સૈયાં ભયે કોટવાલ તો ડર કાહે કા એમ માનીને મચી પડેલા ને બેઉ હાથે ઉસેટવા માંડેલા.
આ બધાં કારણોસર યેદિયુરપ્પા બધાંની નજરે તો ચડી ગયેલા પણ યેદિયુરપ્પા ખેલંદા છે તેથી ઝીંક ઝીલ્યા કરતા હતા. એ વિરોધીઓને તો
મચક આપતા જ નહોતા પણ ભાજપના દિલ્હીમાં બેઠેલા કારભારીઓને પણ મચક નહોતા આપતા. હાઈકમાન્ડને ક્યારેક ફોસલાવી-પટાવીને તો ક્યારેક દમદાટી આપીને પોતાનું ગાડું ગબડાવ્યા કરતા હતા. સામે યેદિયુરપ્પાના વિરોધીઓ પણ હતાશ થયા વિના લાગેલા જ હતા ને યેદિયુરપ્પાને ઘરભેગા કરીને જ પોરો ખાવાનું નક્કી કરીને બેઠેલા. હાઈકમાન્ડ સામે રજૂઆત પર રજૂઆતો કર્યા કરતા હતા ને જાત જાતના મુદ્દા ઊભા કરીનેયેદિયુરપ્પાની મેથી માર્યા કરતા હતા. યેદિયુરપ્પા ચાલુ રહ્યા તો કર્ણાટકમાં ભાજપનું અચ્યુતમ કેશવમ થઈ જશે એવી વાતો કર્યા કરતા હતા.
યેદિયુરપ્પા વિરોધીઓના આ પ્રયત્નો અંતે ફળ્યા ને તેમનો
પ્રચાર રંગ લાવ્યો છે. ભાજપના મોભીઓને લાગ્યું કે, યેદિયુરપ્પાના વિરોધીઓની વાતો સાચી છે ને યેદિયુરપ્પાને નહીં બદલીએ તો ભાજપનું બોર્ડ પતી જશે. આ કારણે અઠવાડિયા પહેલાં જ યેદિયુરપ્પાને બિસ્તરાંપોટલાં બાંધીને ઘરભેગા થઈ જવાની તૈયારી શરૂ કરવા કહી દેવાયેલું. યેદિયુરપ્પા જૂના જોગી છે તેથી એકદમ બેઆબરૂ કરીને કાઢવાના બદલે અઠવાડિયાનો સમય અપાયેલો કે જેથી બે વર્ષ પૂરાં કર્યાં એવો સંતોષ લઈને જઈ શકે. યેદિયુરપ્પા દિલ્હીથી તો કહ્યાગરા બનીને ગાદી છોડવાની ખાતરી આપીને આવી ગયા પણ કર્ણાટક આવીને તેમણે ભાજપ હાઈકમાન્ડ પર દબાણ લાવવા જાત જાતના ખેલ કરેલા. યેદિયુરપ્પા લિંગાયત સમુદાયમાંથી આવે છે ને કર્ણાટકના રાજકારણમાં લિંગાયત ધિંગી કોમ મનાય છે. લિંગાયત સમુદાયની એકતા જોરદાર છે ને યેદિયુરપ્પાએ તેનો ઉપયોગ કરીને ગાદી પર ટકી રહેવા માટે ભારે હવાતિયાં મારેલાં.
લિંગાયત સમુદાયના ધર્મગુરૂઓથી માંડીને રાજકારણીઓ સુધીના બધા યેદિયુરપ્પાની દલાલી કરવા કૂદી પડેલા. યેદિયુરપ્પા કેવા ખેલાડી છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, લિંગાયત સમાજના ભાજપના
નેતા તો યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવાશે તો મજા નહીં આવે એવી હૂલ આપતા જ હતા પણ કોંગ્રેસના નેતા પણ એવી હૂલ આપવા માંડેલા. કર્ણાટક વિધાનસભામાં ભાજપની બહુમતી છે. આ ધારાસભ્યોમાંથી કોને મુખ્યમંત્રી બનાવવા ને કોને ના બનાવવા એ ભાજપે નક્કી કરવાનું હોય. કોંગ્રેસને તેની સાથે શું લેવાદેવા? કે લિંગાયત સમાજને પણ શું લેવાદેવા ? કંઈ જ નહીં પણ મહાખેલાડી યેદિયુરપ્પાએ ગાદી પર ટકી રહેવા માટે એ લોકોને પણ મેદાનમાં ઉતારી દીધેલા. ભાજપના કારભારીઓ પર તેની અસર ના થઈ એ અલગ વાત છે પણ યેદિયુરપ્પાએ સત્તા પર ટકી રહેવા ઓછાં હવાતિયાં નહોતાં માર્યાં.

રિલેટેડ ન્યૂઝ