‘આત્મનિર્ભર’ના ખાલી ધૂમ-ધડાકા નહીં થાય ને ?

ચીન સાથે આપણો ઝઘડો થયો પછી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાનો મમરો મૂકેલો ને દેશને આત્મનિર્ભર બનાવવાનો હુંકાર કરેલો. મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન પણ મોટા ઉપાડે શરૂ કરાવ્યું છે. આ અભિયાન હેઠળ રાજીના રેડ થઈ જવાય એવું કશું મોટું થતું નથી પણ નાની નાની જાહેરાતો થયા કરે છે. ચીનની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનાં ને એવાં નાનાં નાનાં પગલાં લેવાયાં કરે છે ત્યારે રવિવારે મોદી સરકારે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળે એવી મોટી જાહેરાત કરી. આપણા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે જાહેરાત કરી કે, સંરક્ષણ મંત્રાલય બીજા દેશો પાસેથી જેની ખરીદી કરે છે એવી 101 ચીજો ચોક્કસ સમયમર્યાદામાં બહારથી ખરીદવાનું બંધ કરી દેશે ને તેના બદલે ભારતીય કંપનીઓને આ ચીજોના કોન્ટ્રાક્ટ આપશે.
રાજનાથે કઈ કઈ ચીજો બહારથી ખરીદવાની બંધ કરી દેવાશે તેનો ફોડ નથી પાડ્યો.
સંરક્ષણ મંત્રાલયે આ યાદી તૈયાર કરી દીધી છે ને બહુ જલદી એ બહાર પડાશે એવો સધિયારો તેમણે આપ્યો છે પણ એ ચોખવટ પણ કરી કે, છ-સાત વર્ષમાં ભારતીય કંપનીઓને લગભગ ચારેક લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાશે. મતલબ કે, દર વર્ષે ભારતીય કંપનીઓને સંરક્ષણ મંત્રાલય પાસેથી સિત્તેરેક હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ મળશે. આપણે ત્યાં અત્યારે ભારતીય કંપનીઓ રૂપિયા-રૂપિયા માટે ફાંફાં મારે છે ત્યારે આ રકમ બહુ મોટી કહેવાય.
આપણે વિદેશમાંથી થોકબંધ શસ્ત્રોની ખરીદી કરીએ છીએ. વિશ્ર્વમાં શસ્ત્રોની વિદેશમાંથી ખરીદીના મામલે આપણે સાઉદી અરેબિયા પછી બીજા નંબરે છીએ. તેનું કારણ એ કે, આપણે અહીં કશું
બનાવતા જ નથી. સંરક્ષણને લગતી ચીજોનાં બિલ દર વર્ષે બદલાયા કરતાં હોય છે પણ એક અંદાજ પ્રમાણે આપણે છેલ્લાં સાત વર્ષમાં 100 અબજ ડોલર એટલે કે લગભગ 8 લાખ કરોડનું આંધણ વિદેશથી શસ્ત્રોની ખરીદી કરવા પાછળ કર્યું છે. હવે તેના પચાસ ટકા રકમ આપણે વિદેશી કંપનીઓને આપવાનું બંધ કરીને ભારતની કંપનીઓને આપવા માંડીએ તો એ મોટી વાત કહેવાય.
આપણે આ યાદીમાં 23મા નંબરે છીએ અને આપણી શસ્ત્ર નિકાસ 10, 745 કરોડ રૂપિયાની
છે. આ આંકડો 2019-20ના નાણાકીય વર્ષનો છે ને તેના આગલા વર્ષે આપણી શસ્ત્ર નિકાસમાંથી કમાણી 4682 કરોડ રૂપિયા હતી. આપણે ત્યાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે સક્રિય કંપનીઓની સંખ્યા બહુ બધી હોવાનું કહેવાય છેપણ કમાણીમાં જરાય દમ નથી. વાસ્તવમાં આટલી કમાણી તો આપણી આઈ.ટી. ક્ષેત્રની મોટી કંપનીઓ વિદેશમાંથી આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ મેળવીને રમતાં રમતાં કરી નાખે છે.
દુનિયામાં શસ્ત્રોેનો ધંધો સૌથી
ધીકતો ધંધો છે. અમેરિકા ને ચીન જેવા દેશો આર્થિક રીતે ધિંગા લોકોને બંદૂકો ને મશીનગનો ને બીજાં હથિયારો પકડાવીને જ બન્યા છે. તેમની શસ્ત્રોની કમાણી અબજો ડોલરમાં છે ત્યારે આપણે હજુ હજોરોમાં રમીએ છીએ ને એ પણ ડોલર નહીં પણ રૂપિયા. એ લોકો થોકબંધ ડોલર ઉસેટે છે ત્યારે આપણે સાવ ચાપુચપટી જેવી કમાણી કરીએ છીએ. આપણા માટે શરમજનક વાત પાછી એ છે કે, દુનિયાનો કોઈ મોટો દેશ આપણી પાસેથી શસ્ત્રો કે સંરક્ષણને લગતો સંરજામ ખરીદતો નથી. આપણા ત્રણ મોટા ગ્રાહકો મ્યાનમાર, શ્રીલંકા ને મોરિશિયસ છે કે જેમને આપણે આયાતના બદલામાં પરાણે આ બધું પકડાવીએ છીએ. આ ત્રણેય દેશોની દુનિયામાં કોઈ હૈસિયત નથી એ જોતાં આપણા દુનિયામાં શસ્ત્રોનો જે કારોબાર છે તેમાં આપણે ક્યાંય નથી. વિશ્ર્વમાં શસ્ત્રોની કુલ આયાતમાં આપણો હિસ્સો 0.02 ટકા છે. આ આંકડામાં ને ઝીરોમાં ઝાઝો તફાવત નથી. તેના પરથી જ આપણે ક્યાં છીએ તેનો અંદાજ લગાવી લેજો.
આપણે ત્યાં જાહેરાતો મોટી મોટી થતી હોય છે પણ તેના અમલમાં આપણે ઝીરો છીએ. મોટા ઉપાડે જાહેરાતો કરીને બેસી જઈએ પણ તેનું પરિણામ ધાર્યું મળતું નથી. સ્કીલ ઈન્ડિયા ને મેઈક ઈન
ઈન્ડિયા જેવાં બહુ ગવાયેલાં અભિયાનોમાં એવું થયું જ છે. આ જાહેરાતમાં એવું ના થાય એ જરૂરી છે. રાજનાથની જાહેરાત ખરેખર મોટી છે ને એ કાગળ પર જ રહી જશે તો તેનો અર્થ નહીં રહે. આ જાહેરાતનો લાભ લેવા આપણી કંપનીઓએ પણ કમર કસવી પડશે ને વૈશ્ર્વિક કંપનીઓથી બહેતર નહીં તો તો તેમને સમકક્ષ પોતાને સાબિત કરવી પડશે. તો જ આ બધું લાંબું ચાલશે, બાકી વરસ બે વરસ પછી ફરી આપણે વિદેશી કંપનીઓના શરણે જવું પડે એવી હાલત થઈને ઊભી રહેશે.

રિલેટેડ ન્યૂઝ