કેજરીવાલ જેવું કોઈ CM કરી બતાવશે?

સમગ્ર ભારતમાં આજે ચારે તરફ રાફેલ અને રામમંદિરની ધમાધમી ચાલી રહી છે ત્યારે જો સરકાર ઈચ્છે તો લોકભોગ્ય કામ કેવી રીતે કરી શકાય તેનું ઉદાહરણ દિલ્હીની કેજરીવાલ સરકારે પૂરું પાડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને ગયા છે અને છેલ્લા બે મહિનામાં ઈંધણના ભાવમાં લગભગ દસ રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ કરતાં પણ ડીઝલ એવી વસ્તુ છે કે જેના ભાવવધારાની અસર સમાજના તમામ ઘટકો પર પડે છે.
ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો આવે છે અને આની અસર દરેક માલ પર પડે છે, અંતે તો આ ભાવવધારો ગરીબ કે મધ્યમ વર્ગીય જનતાને માથે જ
મારવામાં આવે છે. આની સામે દિલ્હી સરકારની કેબિનેટની બેઠકમાં ગુુરુવારે લેવાયેલા એક નિર્ણય બાદ દિલ્હીમાં ડીઝલના ભાવમાં લિટરદીઠ આઠ રૂપિયાનો ઘટાડો થાય તેવા સંકેત મળ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારે ડીઝલ પર લાગતા વેટ (વેલ્યુ એડેડ ટેક્સ)માં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ પર અત્યાર સુધી 30 ટકા જેટલો વેટ લાગતો હતો હવે સરકારે આ વેટ 30 ટકાથી ઘટાડીને 16.75 ટકા જેટલો કરવાનો નિર્ણય લીધો છે. આથી હાલ લગભગ 82 રૂપિયે લિટર મળતું ડીઝલ હવે દિલ્હીમાં 73થી 74 રૂપિયે લિટર મળતું થશે અને આનો સીધો ફાયદો દિલ્હીની જનતાને મળશે. ડીઝલના ભાવમાં કરાયેલા ઘટાડાને કારણે બીજી અનેક વસ્તુઓના ભાવ નિયંત્રણ હેઠળ આવશે. જોકે, દિલ્હી સરકારની આવકને આનાથી અસર થશે, પરંતુ આ કસોટીકાળમાં જનતાની પડખે ઊભે રહેવામાટે સરકાર પાસે આનાથી વધુ કોઈ સારું પગલું હોય તેમ લાગતું નથી. ચારેતરફ સત્તાનું રાજકારણ કરી રહેલા રાજકારણીઓ માટે કેજરીવાલે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વળી હાલમાં દિલ્હીમાં કોઈ ચૂંટણી પણ
નજીકના ભવિષ્યમાં દેખાતી નથી ત્યારે કેજરીવાલની મંછા સાફ હોવાનું પ્રતીત થાય છે. ગાઈ વગાડીને લોકોની, મધ્યમ વર્ગની 135 કરોડ ભારતીય જનતાની સેવા કરવાના ગુણગાન ગાનારા નેતાઓ, મુખ્ય પ્રધાનો, વડા પ્રધાન કે બીજા લોકોએ કેજરીવાલનું અનુકરણ કરવું જોઈએ. માત્ર દેશભક્તિના બણગા ફૂંકવાથી અને ટીવી પર આવીને વાતોના વડા કરવાથી દેશનું ભલું નહીં થાય, એ માટે કેજરીવાલની જેમ જ કામ કરી દેખાડવું પડશે. રામમંદિર અને રાફેલ બંને આપણી જરૂરિયાત છે, પણ આ સમયમાં ટકી જવા માટે જીવતા રહેવું એ પણ આપણી જરૂરિયાત છે.
દેશને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવા કરતાં કેજરીવાલની જેમ માત્ર લોકોપયોગી કાર્ય
કરવામાં આવે તો પણ આ દેશનું કલ્યાણ થઈ શકે છે. કેજરીવાલે આ જાહેરાત કરીને દિલ્હીવાસીઓના મનમાં એક વાત ઠસાવી દીધી છે કે અમારો મુખ્ય પ્રધાન કસોટીકાળમાં અમારી પડખે ઊભો છે, હવે બીજા રાજ્યના મુખ્ય પ્રધાનનો વારો છે, તેમણે પણ લોકોને વિશ્ર્વાસ અપાવવો પડશે કે તે તેના રાજ્યની જનતાની પડખે ઊભો છે, એમ નહીં થાય તો આ ગાદી લાંબો સમય ટકી શકે તેમ નથી. કેજરીવાલના આ નિર્ણય બાદ હવે કોણ પોતાની છાતી 56 ઈંચની છે તે સાબિત કરે છે તે જોવાનું રહ્યું.રિલેટેડ ન્યૂઝ