રસીકરણ: સરકાર કી કસૌટી કા સમય શરૂ હોતા હૈ….અબ!

આખી દુનિયા અત્યારે અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પનું શું થાય છે એ જાણવામાં પડ્યું છે ત્યારે આપણે ત્યાં આજથી એટલે કે શનિવાર ને 16 જાન્યુઆરી, 2021થી કોરોના વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. આજે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારના પહોરમાં સાડા દસ વાગ્યે કોરોના રસીકરણનો કાર્યક્રમ શરૂ કરાવ્યો છે. કોરોનાના કારણ મોદી આજકાલ બધાં કામ વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન જ કરે છે તેથી આ કાર્યક્રમની શરૂઆત પણ ઓનલાઈન જ કરાવી. એ સાથે જ આ 3006 સ્થળો પર રસી આપવાનો કાર્યક્રમ ધમધોેકાર શરૂ થઈ ગયોે. શરૂઆતમાં દેશભરમાં હેલ્થ વર્કર્સને રસી અપાવાની છે ને દરેક સેન્ટર પર શરૂઆતમાં રોજના 100 લોકોને રસી આપવાનું નક્કી કરાયું છે . આ હિસાબે પહેલા દાડે જ ત્રણ લાખ હેલ્થ વર્કર્સને રસી આપી દેવાશે.
મોદી સરકારે સિરમ ઈન્સ્ટિટ્યૂટની રસી કોવિશિલ્ડને મંજૂરી આપી છે. કોવિશિલ્ડ બ્રિટનની જેનર
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વિડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ વિકસાવી છે. આ સિવાય અમેરિકાની જાયન્ટ ફાર્મા કંપની ફ્લુજેન અને યુનિવર્સિટી ઓફ વિન્સ્કોસિન-મેડિસને સાથે મળીને વિકસાવેલી તથા ભારત બાયોટેકે બનાવેલી કોવેક્સિનને પણ મંજૂરી અપાઈ છે. મોદી સરકારે 1.10 કરોડ કોવિશિલ્ડ અને 55 લાખ કોવેક્સિન મળીને 1.65 કરોડ કોરોના રસીના ડોઝનો ઓર્ડર આપેલો છે. મોદી સરકારે દેશમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે પણ પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવાનું નક્કી કરાયું છે.
નરેન્દ્ર મોદીએ આ રસી સૌથીપહેલાં લેવી જોઈએ એવું ઘણા વિપક્ષી નેતાઓએ કહ્યું પણ મોદી પણ તેના માટે તૈયાર નથી. રશિયામાં વ્લાદિમિર પુતિને સૌથી પહેલાં રસી લીધી હતી ને પોતાના પરિવારને પણ રસી અપાવી હતી. યુનાઈટેડ કિંગડમમાં
વડા પ્રધાન બોરિસ જોનસને પણ સૌથી પહેલા રસી લઈને લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કર્યો હતો. અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પે રસી નથી લીધી પણ નવા પ્રમુખ જો બાઈડને રસી લઈને લોકોમાં મેસેજ આપ્યો કે, આ રસી સલામત છે. ભારતમાં નરેન્દ્ર મોદીએ પણ એ રીતે સૌથી પહેલાં રસી લઈને લોકોમાં વિશ્ર્વાસ પેદા કરવો જોઈએ એવું વિપક્ષી નેતાઓનું કહેવું છે પણ મોદી એ માટે હજુ તૈયાર નથી થયા. છેલ્લી ઘડીએ એ તૈયાર થાય તો કંઈ કહેવાય નહીં પણ અત્યારે તો એ તૈયાર નથી. આ કારણે પણ લોકોને આ રસી વિશે શંકા છે જ. માનો કે મોદી રસી લેવા તૈયાર થઈ જાય તો પણ લોકોને શંકા તો રહેવાની જ કેમ કે મોદી પણ અંતે માણસ જ છે.
આ તમામ
શંકા-કુશંકાઓ અને મૂંઝવણોનો ઉપાય રસીની સફળતા છે. ભારતમાં પહેલા તબક્કાની રસી સફળ થાય એટલે આપોઆપ જ તમામ શંકાઓનું નિવારણ થઈ જાય. રસી સંપૂર્ણ સફળ છે એ સાબિત થઈ જાય. આ રસીની કોઈ આડઅસર નથી એ પણ સાબિત થઈ જાય. કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે એવું સાબિત થાય તો કોઈ નવી સમસ્યા પણ ના પેદા થાય ને આખો દેશ એવું જ ઈચ્છે છે.

રિલેટેડ ન્યૂઝ