જબ શર્મ કો ભી ટ્રમ્પને શર્મ લા દી!

સત્તાલાલસાના કારણે ભ્રષ્ટબુધ્ધિ થયેલા ને સાવ હલકટાઈ પર ઉતરી આવેલા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ એટલે કે મહાભિયોગ ચલાવવાની અંતે મંજૂરી મળી ગઈ. અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઈડનને રોકવા માટે ટ્રમ્પે કરેલા ધમપછાડાના કારણે તેની સામે મહાભિયોગ એટલે કે મહાભિયોગ ચલાવવાની જાહેરાત અમેરિકાના વિરોધ પક્ષે પહેલાં જ કરી દીધેલી અને આ અંગેની દરખાસ્ત પસાર થવા અંગે કોઈ શંકા નહોતી કેમ કે પ્રમુખ સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવી કે નહીં એ નક્કી કરવાનો અધિકાર હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સને છે.
અમેરિકામાં સંસદ એટલે કે કોંગ્રેસમાં હાઉસ ઓફ
રીપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ એમ બે ગૃહ છે. ભારતમાં લોકસભા છે એ રીતે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ છે જ્યારે રાજ્યસભાની જેમ સેનેટ છે. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં ટ્રમ્પના વિરોધી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે તેથી ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની મંજૂરી મળવા અંગે શંકા નહોતી પણ ઈતિહાસસર્જક ઘટના એ છે કે, ટ્રમ્પના વિરોધપક્ષને ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીના 10 સાંસદોનો પણ ટેકો મળ્યો છે. ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ મોશન લાવવાની તરફેણમાં 232 મત મળ્યા જ્યારે વિરૂધ્ધમાં 197 મત પડ્યા.
અમેરિકાના ઈતિહાસમાં બુધવાર બીજી રીતે પણ ઐતિહાસિક દિવસ છે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના
ઈતિહાસમાં એક માત્ર એવા પ્રમુખ બની ગયા છે કે જેમની સામે બીજી વાર ઈમ્પિચમેન્ટ મોશન આવશે. યોગાનુયોગ ટ્રમ્પ સામેની બંને ઈમ્પિચમેન્ટ મોશન સાથે જો બાઈડન સંકળાયેલા છે. આ પહેલાં ટ્રમ્પે જો બાઈડનને જ નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ તેમની સામે 2019માં ઈમ્પિચમેન્ટ મોશન લવાઈ હતી.
ટ્રમ્પ માટે તો વધારે શરમજનક એ રીતે કહેવાય કે તેમના પહેલાં
અમેરિકામાં માત્ર બે પ્રમુખ સામે ઈમ્પિચમેન્ટ મોશન આવેલી છે જ્યારે ટ્રમ્પે તો હજુ ચાર વર્ષ પૂરાં નથી કર્યાં ત્યાં તો તેમની સામે બીજી વાર ઈમ્પિચમેન્ટની દરખાસ્ત આવી ગઈ. અમેરિકાના ઈતિહાસમાં એન્ડ્રયુ જોન્સન પહેલા એવા પ્રમુખ હતા કે જેમણે મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો. જોન્સન અમેરિકાના 17મા પ્રમુખ હતા ને 1865થી 1869 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. અબ્રાહમ લિંકનની હત્યાના સમયેજોનસન અમેરિકાના ઉપપ્રમુખ હતા. લિંકનની હત્યા થતાં જોનસન પ્રમુખ બન્યા હતા. જોનસન વિરૂદ્ધ 1868માં મહાભિયોગની દરખાસ્ત લાવવામાં આવી હતી. જોનસને પોતાના યુદ્ધ મંત્રી એડવિન સ્ટેચનને હટાવી દીધા તેના
11 દિવસમાં જ મહાભિયોગની દરખાસ્ત લાવવામાં આવી હતી. એડવિન પ્રમુખની નીતિઓ સાથે સહમત ન હતા તેથી તેમને હટાવીને જોનસને રાષ્ટ્રનું અહિત કર્યું હોવાનો આરોપ મૂકાયો હતો. જોનસન સામેની મહાભિયોગ દરખાસ્ત માત્ર એક વોટથી જ ઉડી જતાં જોનસનનું પ્રમુખપદ બચી
ગયું હતું.
જોનસન પછી બિલ ક્લિન્ટન સામે મહાભિયોગની દરખાસ્ત લવાઈ હતી. બિલ ક્લિન્ટનને વ્હાઈટ હાઉસમાં કામ કરતી ઈન્ટર્ન મોનિકા
લેવિન્સ્કી સાથે સેક્સ સંબંધ બંધાયા હતા પણ આ સંબંધો ક્લિન્ટને છૂપાવ્યા હતા. મોનિકા લેવિન્સ્કી સાથેના પ્રેમ સંબંધો અંગે ક્લિન્ટન જ્યૂરી સમક્ષ ખોટું બોલ્યા હતા અને કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરી હતી. બિલ ક્લિન્ટનને જ્યૂરીની સામે ખોટી સાક્ષી આપવા અને ન્યાયમાં વિઘ્ન નાખવાના મામલે મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો. મોનિકા લેવિન્સ્કી સાથે પ્રેમ સંબંધોના મામલે તે પોતે તો ખોટું બોલ્યા જ હતા. સાથે સાથે ક્લિન્ટને મોનિકા લેવિન્સ્કીને પણ આ મામલે ખોટું બોલવાનો આગ્રહ કર્યો હતો. આ બંને આરોપસર તેમની સામે મહાભિયોગની દરખાસ્ત આવી હતી. આ મુદ્દો સેનેટમાં ગયો હતો પણ ક્લિન્ટને માફી માગી લેતાં મહાભિયોગની દરખાસ્તને બહુમતિ સભ્યોનું સમર્થન ન મળતાં ક્લિન્ટન બચી ગયા હતા. ટ્રમ્પ પણ બચી જશે પણ ઈતિહાસમાં બે વાર ઈમ્પિચ થયેલા પ્રેસિડેન્ટ તરીકે અમર થઈ જશે. ટ્રમ્પ સામેની ઈમ્પિચમેન્ટ પ્રોસેસ અમેરિકાની મજબૂત લોકશાહીનો પુરાવો છે. આપણે ત્યાં સત્તામાં બેઠેલા લોકોની સામે બોલતાં પણ પક્ષના લોકોની ફાટે છે ત્યારે અહીં પ્રેસિડેન્ટની સામે લોકો સાંસદો મતદાન કરે છે.

રિલેટેડ ન્યૂઝ