રૂપાણી ગયા કેમ અને પટેલ આવ્યા કેમ, રામ જાણે !

નરેન્દ્ર મોદી કોઈએ ધાર્યું ના હોય એવા નિર્ણયો લેવા માટે જાણીતા છે ને પોતાની આ ખાસિયતનો પરચો તેમણે વારંવાર આપ્યો છે. રવિવારે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગીમાં તેમણે ફરી એક વાર આ ખાસિયતનો પરચો આપીને કોઈને કલ્પના પણ ના હોય એવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા. શનિવારે ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપીને લોકોને મોટો આંચકો આપી દીધો હતો. રૂપાણીના રાજીનામાના કારણે લાંબા સમયથી સાવ ટાઢાબોળ ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમી આવી ગઈ હતી. એક તરફ રૂપાણીએ રાજીનામું કેમ આપ્યું તેની ચોવટ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ તો બીજી તરફ રૂપાણીના બદલે કોને મુખ્યમંત્રી બનાવાશે તેની પણ ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.
‘ઉગતા સૂરજને સૌ પૂજે’ એ હિસાબે ભાજપવાળા ભૂપેન્દ્ર પટેલનાં વખાણે ચડી ગયા છે. ભૂપેન્દ્ર પટેલ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે, બિનવિવાદાસ્પદ છે
તેથી તેમને તક અપાઈ એવી વાતો ચાલે છે. મીડિયા વળી પાટીદાર સમીકરણોની વાત કરે છે. ભૂપેન્દ્ર પટેલનો નંબર પાટીદાર હોવાના કારણે લાગ્યો એવો તેમનો દાવો છે પણ વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલનો નંબર આનંદીબેન પટેલના કારણે લાગ્યો છે. ભૂપેન્દ્ર પટેલ વરસોથી આનંદીબેન પટેલના વફાદાર તરીકે પંકાયેલા છે ને તેમની રાજકીય સફળતા આનંદીબેનને જ આભારી છે. આનંદીબેનના હોય તો પટેલને કોઈ પૂછે પણ નહીં એવી હાલત છે. લોકોને આંચકો લાગી ગયો કેમ કે રૂપાણી પાસે રાજીનામું ધરી દેવા કોઈ કારણ નહોતું. આનંદીબેન પટેલને હાર્દિક પટેલે શરૂ કરેલું અનામત આંદોલન નડી ગયું હતું અને તેમણે રાજીનામું ધરી દેવું પડેલું. રૂપાણી સામે એવો કોઈ મોટો પડકાર આવ્યો નથી તેથી તેમની પાસેથી કેમ રાજીનામું લઈ લેવાયું એ મોટું રહસ્ય છે. રૂપાણીએ સ્વચ્છ વહીવટ આપ્યો અને પોતાની ઈમેજ પણ સ્વચ્છ રાખી હતી એ જોતાં તેમને વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રખાશે અવી ધારણા હતી પણ મોદીએ એ ધારણા ખોટી પાડી છે.
રૂપાણીના રાજીનામા પાછળ કોરોનાની બીજી લહેર વખતે રાજ્ય સરકારની નબળી કામગીરી જવાબદાર હોવાનું કહેવાય છે.કોરોનાની બીજી લહેર વખતે થયેલી નબળી કામગીરી માટે મોદી સરકારના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. મોદી સરકાર રાજ્યને મુખ્યમંત્રીઓને બલિના બકરા બનાવી રહી છે ને તેમાં રૂપાણીનો વારો પડી ગયેલો લાગે
છે. ગુજરાતમાં હોસ્પિટલો બહાર લાગેલી એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો અને ઑક્સિજનની અછતના બહાને રૂપાણીનો ભોગ લઈ લેવાયો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. કોરોનાની દવાઓ, ઇન્જેક્શન અને ઑક્સિજનની અછતના પ્રશ્ર્નો ઊભા થયેલા ને તેના માટે માત્ર રાજ્ય સરકારો જવાબદાર નહોતી પણ મોદી સરકારે રૂપાણીને જવાબદાર ગણાવીને વધેરી નાંખ્યા છે. કોરોનાની બીજી લહેરના કારણે ઘણાંએ પોતાના સ્વજન ગુમાવ્યા ને તેના કારણે લોકોમાં ભાજપ સામેનો વિરોધ વધી રહ્યો છે. આ વિરોધને ઠંડો પાડવા રૂપાણીને રવાના કરાયા છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ તેના માટે લોકોની માફી માગી હતી તેના પરથી સ્પષ્ટ છે કે, કોરોનાની બીજી લહેરમાં રૂપાણી તણાયા છે અથવા ઘરભેગા કરાયા છે.
રૂપાણીને પાટીલ સાથેના મતભેદો પણ નડ્યા છે. ગુજરાત ભાજપના પ્રમુખપદે નરેન્દ્ર મોદીના
નજીકના મનાતા સી. આર. પાટીલની નિમણૂક કરવામાં આવી પાટીલે સરકારને પોતાના ઈશારે ચલાવવાની કોશિશ કરેલી પણ રૂપાણીએ મચક નહોતી આપી. તેના કારણે પાટીલ અને રૂપાણી આમને સામને આવી ગયા હતા. પાટીલનું દિલ્હીમાં ઊપજે છે તેથી રૂપાણી વિશે નકારાત્મકતા ઊભી કરાઈ ને તેમાં છેવટે એ વધેરાઈ ગયા.
રૂપાણીને ઘણા મોળા મુખ્યમંત્રી માને છે પણ ગુજરાતને મળેલા મુખ્યમંત્રીઓમાં રૂપાણી સૌથી સ્વચ્છ પ્રતિભા
ધરાવતા મુખ્યમંત્રી હતા એ કબૂલવું પડે. રૂપાણીએ બહુ તામઝામ કર્યા વિના લોકોપયોગી કામો પણ બહુ કર્યાં પણ રાજકારણમાં આ બધું જોવાતું નથી.

રિલેટેડ ન્યૂઝ