NEP: બચપન કરશે બર્બાદ?

આપણે ત્યાં મહત્ત્વના કહેવાય એવા મુદ્દાઓ પર બહુ ચર્ચા થતી નથી ને ફાલતું મુદ્દાનો કૂચ્ચો નીકળી જાય એ હદે ચૂંથ ચાલતી હોય છે. મોદી સરકારે ગયા અઠવાડિયે જાહેર કરેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી)ના મુદ્દે એવું જ થયું છે.
આપણે ત્યાં વરસોથી 10 + 2 એટલે કે ધોરણ 1થી ધોરણ 10 સુધીનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ને પછી ધોરણ 11 અને ધોરણ 12નું ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ એ ફોર્મેટ પ્રમાણે શિક્ષણ અપાય છે. તેના બદલે હવે શાળાના અભ્યાસક્રમમાં સુધારા સાથે 5+3+3+4ના નવા ફોર્મેટની ભલામણ કરવામાં આવી છે. મતલબ કે, મોદી સરકાર 10 + 2 ફોર્મેટને અભરાઈ પર ચડાવી દેશે. તેના બદલે શાળાકીય શિક્ષણ 15 વર્ષનું થઈ જશે. અત્યારે બાળકને 5 વર્ષની વય પછી સ્કૂલમાં મોકલવાનો નિયમ છે તે પણ જતો રહેશે ને તેના બદલે 3 વર્ષની વયથી બાળકને ભણવા મોકલવાની પદ્ધતિ અમલી બનશે. આપણે વરસોથી સાંભળીએ છીએ કે, બાળકો પર નાની વયે શિક્ષણનો બોજ નાખીને તેમનું બાળપણ ના છિનવી લેવું જોઈએ. નાની વયે બાળકોને સ્કૂલમાં મોકલવો એ અત્યાચાર છે એવી વાતો પણ આપણે સાંભળીએ છીએ. કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો બાળકોને નાની વયે ભણવા મોકલતાં મા-બાપોને નાની વયે છોકરાંને સ્કૂલમાં નહીં મોકલવાની સૂફિયાણી સલાહો આપતાં. હવે મોદી સરકારે પોતે જ એ વાતનો વીંટો વાળીને બાળકોને ત્રણ વર્ષની ઉંમરે સ્કૂલભેગાં કરવાની સત્તાવાર નીતિ જ જાહેર કરી દીધી છે.
એનઈપી જાહેર થઈ ત્યારે લોકોને લાગેલું કે, 5+3+3+4નું નવું ફોર્મેટ પહેલાં મેટ્રિક અને પછી પ્રી સાયન્સ કે પ્રી આર્ટ્સ વગેરે જેવું છે પણ
એવું નથી. આ ફોર્મેટ માત્ર ને માત્ર સ્કૂલ માટે છે. આ ફોર્મેટ પ્રમાણે બાળક 3 વર્ષની વયે સ્કૂલમાં દાખલ થાય પછી પહેલાં 5 વર્ષ ફાઉન્ડેશનલ સ્ટેજમાં ભણશે. અત્યારના માળખા પ્રમાણે નર્સરી, જુનિયર કે.જી. અને સીનિયર કે.જી. એટલે પ્રી-પ્રાયમરીનાં ત્રણ વર્ષ પછી ધોરણ 1 અને ધોરણ 2 સુધી ભણવાનું રહેશે. પછી લેટર પ્રાયમરીમાં ધોરણ 3થી ધોરણ 5 સુધી, અપર પ્રાયમરીમાં ધોરણ 6થી ધોરણ 8 અને છેલ્લાં ચાર વર્ષમાં સેક્ધડરી સ્ટેજમાં ધોરણ 9થી ધોરણ 12 સુધી ભણવું પડશે.
આ નવા ફોર્મેટથી બાળકોને શું ફાયદો થશે તે ખબર નથી, પણ ખાનગી સ્કૂલોને ઘી-કેળાં થઈ જશે તેમાં શંકા નથી. બાળક માટે નર્સરી, જુનિયર કે.જી. અને સીનિયરકે.જી. ફરજિયાત થાય એટલે મા-બાપે જખ મારીને બાળકને ત્રણ વર્ષની વયે સ્કૂલમાં મોકલવું જ પડે. ખાનગી સ્કૂલો તેનો લાભ લઈને વાલીઓને ખંખેરશે. નવી શિક્ષણનીતિમાં ચર્ચા કરવી હોય તો આ મુદ્દાની કરવી જોઈએ
પણ તેની કોઈ વાત કરતું નથી. બધા ચાપલૂસી કરવા ક્રાન્તિકારી પગલાંની પત્તર
ખાંડે છે.
મોદી સરકારના મુસદ્દામાં દરેક રાજ્યની ભાષાને પણ મહત્ત્વ અપાયેલું જ. ઉત્તર ભારતમાં રાજ્યોમાં હિંદી
માતૃભાષા છે તેથી આ રાજ્યોમાં ત્રીજી કઈ ભાષા પહેલા ધોરણથી શીખવવી એ રાજ્ય સરકારે નક્કી કરવાનું હતું પણ બીજાં રાજ્યોમાં ત્રીજી ભાષા તરીકે પોતાની માતૃભાષા શીખવવામાં આવે એ સ્પષ્ટ હતું. ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી ને એ રીતે દરેક રાજ્યમાં પોતપોતાની માતૃભાષા ત્રીજી ભાષા તરીકે શીખવે એ સ્પષ્ટ હતું. આ રીતે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી, માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દી એ ત્રણ ભાષાનું શિક્ષણ આપવાની ફોમ્ર્યુલા બરાબર હતી. બાળક મોટું થાય પછી શીખવી હોય તો અન્ય ભાષાઓ પણ શીખી શકે. એ રીતે પરફેક્ટ ફોમ્ર્યુલા હતી પણ તમિળનાડુની હિંદી વિરોધી માનસિકતા સામે મોદી સરકારે ઘૂંટણ ટેકવી દીધા. આ દેશની કમનસીબી કહેવાય કે, દેશની શિક્ષણનીતિમાં દેશની રાષ્ટ્રભાષાને સ્થાન નથી. આપણી રાષ્ટ્રભાષા માત્ર મર્યાદિત રાજ્યોમાં સરકારી કામકાજ પૂરતી મર્યાદિત છે ને માત્ર કાગળ પર રાષ્ટ્રભાષા રહી ગઈ છે. દુનિયાના બીજા કોઈ દેશમાં આ સ્થિતિ નહીં હોય, દુનિયાનો કોઈ દેશ પોતાની રાષ્ટ્રભાષા સાથે આ પ્રકારનું વર્તન નહી કરતો હોય. આપણે ત્યાં હિન્દીને રાષ્ટ્રભાષા તો બનાવી દીધી પણ મુઠ્ઠીભર રાજ્યોના કારણે એ સાચા અર્થમાં રાષ્ટ્રભાષા ના બની શકી. મોદી સરકાર પાસે નવી શિક્ષણનીતિમાં હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત કરવાની મોટી તક હતી. રાષ્ટ્રભાષાનું ગૌરવ જળવાય એ સ્થિતિ પેદા કરવાની તક હતી પણ રાજકીય સ્વાર્થમાં એ તક તેમણે રોળી નાખી.

રિલેટેડ ન્યૂઝ