મુંબઈ પોલીસ જ આરોપોનાં પિંજરામાં

ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈએ નોંધેલા ગુનાની તપાસ ચાલુ હોઇ આ તબક્કે તેમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં લેખાય એમ કહી હાઈ કોર્ટે દેશમુખ પરનો ગુનો રદ કરવાની તેમની અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત પોલીસ દળમાં નિયુક્તિઓ, બદલીઓ, માજી સહાયક પોલીસ ઈન્સ્પેક્ટર સચીન વાઝેની પુન:નિયુક્તિથી માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને તેમના સહકારીઓને સંબંધ હોઇ સીબીઆઈ આ બધી બાબતોની તપાસ કરી શકે છે એમ હાઈ કોર્ટે જણાવ્યું છે. પૈસા વસૂલ કરવાનો આરોપ અને તપાસ પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવો અને પૈસા વસૂલ કરવાની દૃષ્ટિએ પોલીસ અધિકારીઓની નિયુક્તિઓ અને બદલીઓ કરવી આ બધી બાબતો આ કહેવાતા ષડ્યંત્રનું અભિવાજ્ય અંગ છે એવી ટિપ્પણ પણ હાઈ કોર્ટે કરી છે. જેને લઈ અનિલ દેશમુખ-સચીન વાઝેની જુગલબંધીનો પર્દાફાશ થયો છે એટલું જ નહીં, રાજકીય નેતા અને સમાજના રક્ષક વચ્ચેની ભાગદારી, યુતિ પણ સ્થાપિત થઈ છે. મુંબઈ પોલીસની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ઝડપથી ધોવાઈ રહી છે.
જ્યારે અનિલ દેશમુખ પર સચીન વાઝે દ્વારા મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યાનો લેટરબોમ્બ ફોડનાર
મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહની વિરુદ્ધ પોલીસે એક બીલ્ડર વિરુદ્ધ મોકા અંતર્ગત કાર્યવાહી કરવાની ધમકી આપી કરોડ રૂપિયાની માગણી કરવાનો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આ કૃત્યમાં સહભાગી સીઆઈડીના નાયબ કમિશનર, પોલીસ ઈન્સ્પેક્ટરો, સહાયક કમિશનર અને બે નાગરિક વિરુદ્ધ ખંડણી, છેતરપિંડી, ધમકી આપવાના ગુના અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને નાગરિકની ધરપકડ પણ કરવામાં આવી છે અને અત્યાર સુધી આ સિંહ ઍન્ડ કંપનીએ 24 કરોડ રૂપિયા વસૂલ્યાનું પણ બહાર આવ્યું છે. આમ હવે આવનારા દિવસોમાં માજી ગૃહપ્રધાન અને માજી પોલીસ કમિશનર અને તેમના ગઠિયાઓની ધરપકડના ભણકારા સંભળાયછે.
વાસ્તવમાં જ્યારથી સચીન વાઝે પ્રકરણ બહાર આવ્યું છે ત્યારથી મુંબઈ પોલીસની પ્રતિભા મલીન થવાની શરૂઆત થઈ હતી અને હવે તાજા ઘટનાક્રમને લઈ સ્કોટલેન્ડ યાર્ડ પછી વિશ્વમાં બીજા ક્રમાંકે આવતી
મુંબઈ પોલીસનો ક્રમાંક કયો આવશે એ સંશોધનનો વિષય બની શકે છે. લોકો દ્વારા પોતાનાં હિતના કાયદા ઘડશે એવી આશાએ ચૂંટવામાં આવેલા પ્રતિનિધિ અને સમાજના રક્ષક તરીકે જેને લોકો જુએ તેઓ જ ભક્ષક બને ત્યારે રાજકારણી અને પોલીસ અધિકારીઓની આબરૂના લીરેલીરા ઊડવા ખૂબ જ કમનસીબ છે.
આ અગાઉ તેલગી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું ત્યારે એક દિવસ પહેલાં મુંબઈના કમિશનર પદેથી નિવૃત્ત થયેલા રણજિત
શર્માની મોકા હેઠળ અટક કરવામાં આવી હતી. આ પહેલાં જોઈન્ટ કમિશનર અને બીજા અધિકારીઓને આ પ્રકરણમાં મોકા હેઠળ અટકમાં લેવામાં આવ્યા હતા. હવે પોલીસ દ્વારા મોકાનો ઉપયોગ સમાજ વિરોધી તત્ત્વો વિરુદ્ધ નહીં પણ બીલ્ડરો, વેપારીઓ વિરુદ્ધ થઈ રહ્યો છે! મુંબઈ સીઆઈડી એક જમાનામાં મોટા ગુનાઓનાં રહસ્ય ઉકેલવામાં સદાય મોખરે રહેતી હતી જ્યારે હવે આ જ સીઆઈડી રૂપિયા ઓકાવવામાં અગ્રેસર રહી હોય તો તે શરમથી લાજી મરવા જેવી વાત છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી મુંબઈ પોલીસના અધિકારીઓ એક યા બીજી રીતે વિવાદોમાં સપડાતા આવ્યા છે. નાના અધિકારીઓ મોટા અધિકારીઓ માટે કમાઉ દીકરા બની ગયા હોઇ તેઓની
ગેરપ્રવૃત્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. પોલીસ વિભાગ લોકોની સેવા કરવાનું નહીં પણ નોટ છાપવાનું મશીન બની ગયો છે. લાગે છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી વહી રહી છે. તેને લઈ મુંબઈ પોલીસને તેનો જૂનો વૈભવ પાછો અપાવવો હોય તો મુંબઈ પોલીસ દળમાં કમિશનરથી લઈ કોન્સ્ટેબલ સુધી વ્યાપક સાફસૂફી હાથ ધરવા સિવાય પર્યાય જણાતો નથી.

રિલેટેડ ન્યૂઝ