સિધ્ધુનાં પાંદડે આખી કોંગ્રેસ કેમ તોળાઈ ગઈ ?

કોંગ્રેસે અંતે લાંબા સમયથી ચાલતા પંજાબના ભવાડાનો નિવેડો લાવીને નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસનો પ્રમુખ બનાવી દીધો. ભાજપમાંથી આવેલા નવજોતસિંહ સિધ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને નવજોત સિધ્ધુ વચ્ચે લાંબા સમયથી ડખાપંચક ચાલતું જ હતું પણ કેપ્ટનનો નહેરુ-ગાંધી ખાનદાન સાથેનો ઘરોબો અને કોંગ્રેસમાં પ્રભાવ જોતાં સિધ્ધુનો મેળ નહી પડે એવું લાગતું હતું. સિદ્ધુ દિલ્હીના આંટાફેરા કર્યા કરતા હતા પણ હાઈ કમાન્ડ ભાવ નહોતું આપતું તેના પરથી કોંગ્રેસ પક્ષપલટુ સિદ્ધુુને નહીં પણ વરસોના વફાદાર કેપ્ટનને સાચવશે એવું લાગતું હતું. સિધ્ધુએ ભાજપની જેમ કોંગ્રેસને પણ રામ રામ કરીને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના પગ પકડવા પડશે એવા સંજોગો નિર્માણ થતા જતા હતા.
પંજાબ કોંગ્રેસ પ્રમુખપદે નિમણૂક સાથે સિદ્ધુએ ભવ્ય પુનરાગમન કર્યું છે ને
વ્યક્તિગત રીતે પણ આ સિદ્ધુની મોટી સિધ્ધી છે. સિદ્ધુ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યો ત્યારે કેપ્ટન સાથે સારું હતું ને તેના કારણે વિધાનસભાની ચૂંટણી લડાવીને તેને કેપ્ટન મંત્રીમંડળમાં મંત્રી પણ બનાવાયેલો. જો કે સિદ્ધુએ પછી કેપ્ટન સામે બાખડી બાંધીને બહુ લાંબો જંગ ખેલેલો. સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં જ જંગ શરૂ થઈ ગયેલો.
સિદ્ધુએ મોદી સરકાર દ્વારા કરાયેલી
સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવેલા ને બેફામ લવારા કરેલા તેના કારણ કેપ્ટન બગડ્યા હતા. તેમણે સિદ્ધુને માપમાં રહેવા કહેલું પણ સિદ્ધુ ઝાલ્યો નહોતો ઝલાતો ને લવારા ચાલુ રાખેલા તેથી કેપ્ટન સાવ નારાજ હતા. સિદ્ધુ પોતાની પત્ની નવજોત કૌર સિદ્ધુને અમૃતસર લોકસભા બેઠકની ટિકિટ અપાવવા માંગતો હતો પણ કેપ્ટને આ લવારાના કારણે ઘસીને ના પાડી દીધી તેમાં બંનેના સંબંધો સાવ બગડી ગયેલા.
પંજાબમાં
અમરિન્દર સિંહ સિવાય બીજો કોઈ કોંગ્રેસનો કેપ્ટન નથી એવી વાતો કરનારાનાં ધરાર ખોટા અને ભોંઠા પાડીને સિદ્ધુ પોતે ધાર્યું હતું એ મેળવીને જ જંપ્યો છે. કેપ્ટને સિદ્ધુુને હંફાવવા જાત જાતના ત્રાગાં કરી જોયાં ને કમલનાથ સહિતના પોતાના સાથીઓને કામે લગાડીને સિદ્ધુ ના ફાવે એ માટેના કારસા પણ કરી જોયા. સિદ્ધુએ તેનાથી હતોત્સાહ થયા વિના જંગ ચાલુ રાખ્યો ને છેવટે પ્રમુખપદ



મેળવ્યું.
સિધ્ધુ આ વખતે સફળ થયો તેનું કારણ એ કે, સિધ્ધુ પૂરું હોમવર્ક કરીને આવ્યો છે ને તેણે કેપ્ટન સામે અંગત પ્રહારો કરવા માટે પણ એવો મુદ્દો પસંદ કર્યો કે કોંગ્રેસ ફફડી ગઈ. પંજાબમાં અકાલી
દળની સરકાર હતી ત્યારે કોટકપુરા ફાયરિંગ કેસ બહુ ગાજેલો. ફરીદકોટ જિલ્લામાં આવેલા કોટકપુરાના ગુરુદ્વારામાં શીખો માટે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગ કરાયું તેમાં બે લોકોનાં મોત થયાં હતાં. કોંગ્રેસે આ મુદ્દો બહુ ચગાવેલો ને 2017માં કોંગ્રેસની સરકાર રચાઈ તેમાં આ મુદ્દાએ મોટા ભાગ ભજવેલો.
કેપ્ટને આ મામલાની તપાસ કરવા સીટ બનાવી હતી. અકાલી દળના
મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ આ કેસમાં આરોપી બતાવાયેલા. જો કે હાઈ કોર્ટે ધર્મસ્થાનના અપમાન મુદ્દે પ્રકાશસિંહ બાદલને ક્લીન ચીટ આપતાં જ સિધ્ધુ કૂદી પડ્યો. સિદ્ધુએ આક્ષેપ કર્યો કે, કેપ્ટને કુલડીમાં ગોળ ભાંગીને તપાસમાં છીંડા રખાવીને બાદલને છટકવા દીધા છે. પંજાબમાં કેપ્ટનનો દબદબો છે ને એ સોનિયાના ખાસ માણસ છે પણ સિદ્ધુએ એવો મુદ્દો ઉઠાવ્યો કે, સોનિયા કેપ્ટનની તરફદારી કરી શકે તેમ નહોતાં. સિદ્ધુ આ મુદ્દાને ગજવે તો કોંગ્રેસને 2022ની ચૂંટણીમાં જીતવું ભારે પડી જાય. કોંગ્રેસ પાસે ગણીને ત્રણ રાજ્ય બચ્યાં છે ને તેમાંથી એક રાજ્ય જાય તો કોંગ્રેસ માટે પક્ષ ચલાવવો અઘરો થઈ જાય તેથી કોંગ્રેસ હાઈ કમાન્ડ પાસે સિદ્ધુને મનાવી લેવા સિવાય છૂટકો નહોતો. સિદ્ધુુએ એ રીતે લાગ જોઈને સોગઠી મારીને પોતાનું ધાર્યું કરાવ્યું છે. સિદ્ધુએ બીજું શાણપણ એ વાપર્યું કે, પહેલાંની જેમ એકલા લડવાને બદલે કેપ્ટન વિરોધી બધા નેતાઓને એક કર્યા ને તેના કારણે પણ સોનિયા ગાંધી સિદ્ધુને અવગણી ના શક્યાં. કેપ્ટન રાજકીય કાવાદાવાના જૂના ખેલાડી છે પણ કમ સે કમ આ વખતે તો સિદ્ધુ તેમનાથી ચડિયાતો સાબિત થઈ ગયો છે.





રિલેટેડ ન્યૂઝ