ગુજરાત ભાજપની ભવાઈ: સંયોગ કે પ્રયોગ ?

ગુજરાતમાં હમણાં રાજકીય રીતે ગરમાગરમીનો માહોલ છે ને જોરદાર રાજકીય ભવાઈ ભજવાઈ રહી છે. બુધવારે આ ભવાઈમાં નવો અંક ભજવાયો ને ભાજપની આબરૂનો ફજેતો થઈ ગયો. આ ભવાઈની શરૂઆત શનિવારે વિજય રૂપાણીના રાજીનામાં સાથે થઈ હતી. હજુ આગલા અઠવાડિયે જ ભાજપે મોટા ઉપાડે જાહેર કરેલું કે, 2022ની ચૂંટણી ભાજપ વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં જ લડશે. આ વાતને અઠવાડિયું નહોતું થયું ત્યાં રૂપાણીને બેઆબરૂ કરીને રવાના કરી દેવાયા. એ પછી જેમનું નામ કોઈએ સાંભળ્યું નહોતું એવા ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીપદે પસંદગી કરીને ભાજપે સૌને આંચકો આપ્યો ત્યારે પાછી ભવાઈ થઈ. નારાજ નીતિન પટેલ ભૂપેન્દ્ર પટેલ સાથે સરકાર રચવાનો દાવો કરવા માટે રાજભવન જવાના બદલે મહેસાણા ઉપડી ગયા ને મહેસાણામાં તેમણે બેફામ બેટિંગ કરી. નીતિન પટેલે બધી શરમ છોડીને કહી દીધેલું કે, આવા તો કેટલાય આવ્યા ને ગયા પણ હું તો રહેવાનો જ છું. ભાજપે નીતિન પટેલનાં મનામણાં શરૂ કર્યાં ત્યાં મંત્રીમંડળમાં પસંદગીના મામલે વિજય રૂપાણી આડા ફાટ્યા. ભાજપે બંનેને મનાવા દિલ્હીથી નેતાઓને ગુજરાત દોડાવવા પડ્યા. રૂપાણી સજ્જનતા બતાવીને આ નેતાઓને મળ્યા જ્યારે નીતિન પટેલે તો મંગળવારે રાષ્ટ્રીય નેતાઓને મળવાની પણ ના પાડી દીધી. નીતિન પટેલ તો મંગળવારે મધરાતે શંકરસિંહ વાઘેલાને મળવા ગયા હોવાની પણ વાત છે. બુધવારે ભાજપે શપથવિધિ માટેની મગજમારી શરૂ કરી તો તેમાં પણ છેવટે ડખો થયો ને સંકેલો કરી લેવો પડ્યો. હવે ગુરૂવારે દોઢ વાગ્યે શપથવિધિ કરાશે એવી જાહેરાત કરાઈ છે. આ જાહેરાત સત્તાવાર રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરાઈ છે એ જોતાં હવે શપથવિધિ થશે જ પણ એ પહેલાં બીજા કયા કયા ભવાડા થાય છે એ રામ જાણે.
આપણે ત્યાં મોટા ભાગના અધિકારીઓની
માનસિતા પ્રજાલક્ષી કામો કરવાની હોતી જ નથી. પ્રજાને ખાડામાં પડવું હોય તો ખાડામાં પડે ને કૂવામાં જવું હોય તો કૂવામાં જાય, આપણું ઘર ભરાવું જોઈએ એવી તેમની માનસિકતા હોય છે. તેમને પોતાના હોદ્દાના નામે મળતી સાહ્યબી ભોગવવામાં અને તેના કારણે ખાવા મળતી મલાઈમાં વધારે રસ હોય છે. આ મલાઈ ને સાહ્યબી ટકી રહે એટલા માટે રાજકારણીઓની ચાપલૂસી કરવામાં કે તેમના તળિયાં ચાટવા સુધ્ધાંમાં તેમને કોઈ શરમનડતી નથી. દમદાર રાજકારણી હોય તો અધિકારીઓની આ માનસિકતા સમજીને તેમને દોડાવી શકે પણ નવા-સવા મંત્રી બનેલા એ કામ ના કરી શકે. તેમને સૌથી પહેલાં તો સરકારી સિસ્ટમને જ સમજવી પડે ને એ માટે અધિકારીઓ પર જ
મદાર રાખવો પડે. તેનો ગેરલાભ લઈને અધિકારીઓ નવા મંત્રીઓને પોતાના ઈશારે નચાવતા હોય છે. ગુજરાતમાં પણ કોઈ અનુભવી મંત્રી ના હોય તો એવું જ થાય એ જોતાં ‘નો રીપીટ’ થિયરીનો વિચાર અમલમાં મૂકવા જેવો નથી. આ બહુ મોટું ભયસ્થાન છે ને છતાં ભાજપ ‘નો રીપીટ’ થિયરીને અમલમાં મૂકવા થનગને છે તેનું કારણ નરેન્દ્ર મોદી છે. મોદીને પોતાના જ પક્ષના રાજકારણીઓ કરતાં અધિકારીઓ વધારે ગમે છે. તેનું કારણ એ છે કે, કોઈ પણ રાજકારણી હોય, તેને જશ તો જોઈએ જ જ્યારે અધિકારીને જશ મળે કે ના મળે પણ પોતાનો વટ જળવાય એટલે કામ કર્યા કરે. મોદી બીજા કોઈને જશ આપવામાં માનતા નથી તેથી રાજકારણીઓને આગળ કરવાના બદલે અધિકારીઓને જ આગળ કરવામાં માને છે. મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ નીતિ અપનાવીને બેઠેલા ને અત્યારે કેન્દ્રમાં પણ એ જ નીતિ અમલી બનાવી છે. બંધારણીય જોગવાઈઓ અને રાજકીય મજબૂરીને ખાતર તેમણે રાજકારણીઓનું મંત્રીમંડળ બનાવવું પડે છે ને નેતાઓને સહન પણ કરવા પડે છે તેથી કેટલાક નેતાઓને સહન કરે છે પણ તેમનો મુખ્ય મદાર અધિકારીઓ પર જ છે. એ ધીરે ધીરે રાજકારણમાં પણ જૂના અધિકારીઓનું પ્રમાણ વધારતા જાય છે તેના પરથી જ તેમને કોના પર ભરોસો વધારે છે એ સ્પષ્ટ થઈ જાય. ગુજરાતમાં નો ‘રીપીટ’ થિયરી દ્વારા આ જ મોડલનો અમલ કરવાની તેમની નેમ હોઈ શકે. મોદીની નેમ ખરેખર શું છે તેની ખબર આજે મંત્રીમંડળની શપથવિધિ પછી પડી જશે પણ ગુજરાત માટે આ બધા સારા સંકેત નથી. ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા તેમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, ભાજપમાં લોકશાહી જેવું કોઈ નથી ને ઉપર બેઠેલા લોકો મહેરબાન થઈને ગમે તે આલિયા, માલિયા કે જમાલિયાને ગાદી પર બેસાડી શકે. હવે મંત્રીમંડળમાં પણ એ જ નિયમ અપનાવાય તો એ હદ થઈ ગઈ કહેવાય. ભાજપની નેતાગીરી પોતાના તુક્કાઓને પોષવા માટે ગુજરાતની જનતા પર પ્રયોગો કરે એ યોગ્ય નથી જ.

રિલેટેડ ન્યૂઝ