ખેલજગતને ‘ખેદાનમેદાન’ કરતો ‘કોરોના’

નવી દિલ્હી તા.27
ચીનના હુબેઇ પ્રાંતમાંથી અને ખાસ કરીને ત્યાંના વુહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોના વાઇરસ (જે ‘નોવેલ કોરોના વાઇરસ’ અને ‘કોવિદ-19’ તરીકે ઓળખાય છે)નો જીવલેણ રોગ ચીન ઉપરાંતના ઘણા દેશોમાં તો ફેલાયો જ છે, હવે એની ગંભીર અસર રમતગમતની દુનિયામાં પણ જોવા મળી રહી છે.
ઘાતક રોગ કોરોના વાઇરસના કેન્દ્રસ્થાન ગણાતા ચીન સહિત છ દેશોએ આ મહારોગના વધી રહેલા ફેલાવાને
ધ્યાનમાં લઈને આવતા મહિને દિલ્હીમાં યોજાનારા શૂટિંગના વર્લ્ડકપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. અન્ય પાંચ દેશોમાં તાઇવાન, હોંગ કોંગ, મકાઉ, નોર્થ કોરિયા અને તુર્કમેનિસ્તાનનો સમાવેશ છે. ભારતમાં આઇએસએસએફ વર્લ્ડ કપ 15 માર્ચથી 26 માર્ચ સુધી દિલ્હીની કરણીસિંહ શૂટિંગ રેન્જમાં યોજાવાનો છે. નેશનલ રાઇફલ્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (એનઆરએઆઇ)ના પ્રમુખ રનિન્દર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે કેટલાક દેશો પોતાના શૂટરોને દિલ્હી મોકલવાના હતા, પણ કોરોના વાઇરસના ફેલાવાના ભયને ધ્યાનમાં રાખી તેમણે પોતાના દેશની નીતિને અનુસરીને તેમને ન મોકલવાનો નિર્ણય લીધો છે. ચીને બહુ સમજદારીપૂર્વક આ નિર્ણય લીધો છે. તેઓ ઇચ્છતા હશે કે કોરોના વાઇરસનો ચેપ બીજા શૂટરોને ન લાગે.
સિંહે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનના શૂટરો હજી પોતાના નવા કોચ સાથેનો તાલમેલ વધારવામાં વ્યસ્ત
છે એટલે તેમણે પણ આ વર્લ્ડકપમાં ન આવવાનું નક્કી કર્યું છે. વિઝાને લગતી સમસ્યાના કારણે નહીં, પણ તેમનો કોચ જર્મનીથી આવે એટલે પાક શૂટરો દિલ્હીના વર્લ્ડકપમાં આવવા કરતાં ઑલિમ્પિક્સ માટેની તૈયારી


કરવા માને છે.
દરમિયાન, રનિન્દરસિંહે ભારતના શૂટરો વિશેની ચર્ચામાં પીટીઆઇને કહ્યું હતું કે કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો હોવાથી આપણે આપણા નિશાનબાજોને તાલીમ માટે વિદેશ જવાની છૂટ નહીં
આપીએ. જો આ રોગચાળાનો ભય વધી જશે તો એપ્રિલની ટોક્યો ઑલિમ્પિક્સ ટેસ્ટ-ઇવેન્ટમાંથી નીકળી જતા પણ નહીં અચકાય. અન્ય દેશોની માફક આપણે પણ આપણા ખેલાડીઓ અને ઍથ્લેટોના સ્વાસ્થ્યને અગ્રક્રમ આપી રહ્યા છીએ.
જાપાનના પાટનગર ટોક્યોમાં ઑલિમ્પિક ગેમ્સ આગામી જુલાઈ-ઑગસ્ટમાં યોજાવાની છે, પરંતુ એ પહેલાં ટોક્યોમાં 16-26 એપ્રિલ દરમિયાન ઑલિમ્પિક ટેસ્ટ-ઇવેન્ટ યોજાશે અને એ માટે ભારતીય શૂટરોએ ટોક્યો
જવું પડશે. જોકે, સિંહે જણાવ્યું હતું કે આપણે એ તાલીમી સ્પર્ધા માટે ટીમ નક્કી કરી લીધી છે, પણ તેમને ટોક્યો મોકલશું કે નહીં એ હજી અમે નક્કી નથી કર્યું. આપણા નિશાનબાજોના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારની હાનિ થાય નહીં એની કાળજી અમે રાખવા માગીએ છીએ. અમે તેમને આપણા દેશમાં જ શૂટિંગની તાલીમ લેવાની સૂચના આપી છે. એપ્રિલની ટોક્યો ઑલિમ્પિક ટેસ્ટ-ઇવેન્ટમાં જો તેમને કંઈક અજુગતું થાય તો પછી તેમનો જાન જોખમમાં મુકાઈ જાય અને તેઓ જુલાઈની ઑલિમ્પિક્સમાં ભાગ ન લઈ શકે. એવું થાય તો ઑલિમ્પિક્સમાં ભારતની હાજરી પર પણ કાળાં વાદળો છવાઈ શકે. ટૂંકમાં, અમે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશન કે ઇન્ટરનેશનલ શૂટિંગ ફેડરેશનના માર્ગદર્શન પ્રમાણે આગળ વધીશું. ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાઇરસનો ચેપી રોગચાળો જાપાન, સાઉથ કોરિયા અને ઇટલી વગેરે દેશોમાં પણ ફેલાયો છે.

રિલેટેડ ન્યૂઝ