દિલ્હીના તોફાનો: મોદી સરકાર માટે કલંક

આપણે ડોનલ્ડ ટ્રમ્પની આગતાસ્વાગતામાં પરોવાયેલા હતા એ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં ભડકો થઈ ગયો. દિલ્હીમાં આમ તો લાંબા સમયથી અશાંતિ હતી જ પણ ટ્રમ્પે સોમવારે ભારતમાં પધરામણી કરી એ દિવસે જ દિલ્હીમાં તોફાનો શરૂ થઈ ગયેલાં ને છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી સળગી રહ્યું છે. આ તોફાનોમાં બુધવારની બપોર લગીમાં જ એકવીસ લોકોનાં મોત થઈ ગયેલાં. હજુ કેટલા દાડા તોફાનો ચાલશે ને કેટલાંનો ભોગ લેવાશે એ ખબર નથી.
દિલ્હીનાં તોફાનો નરેન્દ્ર મોદી સરકારના માથે કલંક છે તેમાં શંકા નથી. દિલ્હીમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે પણ દિલ્હીનો ઈતિહાસ કોમી તણાવનો કે રમખાણોનો નથી. દિલ્હીમાં
રમખાણો થયાં જ નથી એવું નથી પણ ઓછાં થયાં છે. તેમાં પણ હિંદુ-મુસ્લિમ રમખાણોની ઘટનાઓ તો બહુ ઓછી છે ને છેલ્લા બે દાયકામાં તો એવી કોઈ ઘટના બની હોય એવું યાદ જ નથી.
કોંગ્રેસ કહે છે તેમ આ રમખાણો માટે
મોદી સરકારને સીધી જવાબદાર ના ગણાવી શકાય પણ નૈતિક રીતે મોદી સરકારની જવાબદારી છે જ. તેનું કારણ એ કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રના ગૃહ મંત્રાલયની છે. દિલ્હી પોલીસ શાહના તાબા હેઠળ કામ કરે છે. દિલ્હીનાં તોફાનોમાં પોલીસની ભૂંડી ભૂમિકાના આક્ષેપો થાય છે. આ વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ દિલ્હી પોલીસ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે. નિષ્ફળ ના ગઈ હોત તો તોફાનો જ ના થયાં હોત ને ? તોફાનોમાં બેફામ ખાનગી બંદૂકોનો ઉપયોગ થયો તેના માટે પણ પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર કહેવાય. પોલીસ તોફાનો ના રોકી શકી તેમાં અર્ધલશ્કરી દળોને ઉતારવાં પડ્યાં છે. સ્થિતિ ખરાબ થશે તો લશ્કરને પણ ઉતારવું પડી શકે છે ને આ બધું દિલ્હી પોલીસની નિષ્ફળતા જ ગણાય.
સોનિયાએ કહ્યું છે એમ અમિત શાહે રાજીનામું આપવું પડે એટલી ખરાબ હાલત નથી પણ શાહ હજુ


સમય બગાડશે તો સ્થિતિ બગડી શકે છે. વાસ્તવમાં રવિવારે ભડકો થયો ત્યારે જ શાહે આકરા થવાની જરૂર હતી. જો કે અમિત શાહ રવિવાર ને સોમવાર ટ્રમ્પની સરભરામાં વ્યસ્ત હતા તેથી ગુજરાત ગયેલા તેમાં ધ્યાન જ ના
અપાયું. સોમવારે સાંજે તેમણે કેજરીવાલ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ તથા બીજા નેતાઓ સાથે બેઠક કરી ત્યારે પણ તેમણે આકરાં પગલાં લેવાનું ટાળ્યું. એ વખતે તેમણે પોલીસનો ક્લાસ લઈ લીધો હોત તો સ્થિતિ થોડી કાબૂમાં આવી હોત. તેના બદલે તેમણે વાતને હળવાશથી લીધી તેમાં બીજાં સાત-આઠ લોકોનો ભોગ લેવાઈ ગયો.
ખેર, જે થયું તે થયું પણ હવે જાગ્યા ત્યારથી સવાર કરીને પણ કેન્દ્ર સરકાર સપાટો બોલાવે
તો દિલ્હીમાં શાંતિ સ્થાપવી ડાબા હાથનો ખેલ છે. આખા દિલ્હીમાં તોફાનો નથી પણ નોર્થઈસ્ટ દિલ્હીમાં જ હાલત ખરાબ છે. આ વિસ્તારમાં પોલીસ ફરી વળે ને છાપેલાં કાટલાંને ચૌદમું રતન બતાવીને ધોવા માંડે તો શાંતિ થઈ જ જાય. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે. ઠેર ઠેર સીસીટીવી છે એ જોતાં કોણ તોફાનો કરાવે છે એ શોધવું બહુ સરળ છે. પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં એ કામ કરી શકે ને શાહ ફરમાન કરે તો પોલીસે જખ મારીને એ કરવું પડે. સવાલ ઈચ્છાશક્તિનો છે ને શાહે એ ઈચ્છાશક્તિ બતાવવી જોઈએ. દિલ્હી દેશની રાજધાની છે ને રાજધાનીમાં આ રીતે તોફાનો થાય તેમાં દેશની આબરૂ વધતી નથી પણ તેનો કચરો થાય છે. દેશની આબરૂને ખાતર પણ આ તોફાનોને ડામી દેવાં જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ