ઓર્ડર….ઓર્ડર ! SC સીધી આંગળિએ ઘી કાઢી બતાવે !

સુપ્રીમ કોર્ટે કહ્યું અપરાધીઓને રાજકીય પક્ષો ટિકિટ કેમ આપે છે, જાહેર કરવું પડશે !
આવા કહેવાતા દબંગ નેતાઓને લોકો શા માટે ચૂંટે છે, સુપ્રીમે જાણવાનો પ્રયાસ કર્યો ખરો ?

રાજકારણીઓની અપરાધનીતિ કરતાં અપરાધીઓની રાજનીતિ શાયદ ઓછી ખરાબ છે
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ‘દબંગ’ નેતાની બોલબાલા અમથી નથી

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને આદેશ કર્યો કે દાગી કે દબંગ લોકોને ચૂંટણીની ટિકિટ આપી હોય તો શા માટે આપી તેનો ખુલાસો કરવો. આ વાવડ વહેતા થયા તેમાં સુપ્રીમ કોર્ટનાં જજોની થોડી વાહવાહી પણ થઇ. મીડિયા (જે હવે નિમ્નસ્તરનાં શિખરે છે) માં સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાનાં એવા મંજિરા વગાડવામાં આવ્યા જાણે કોર્ટે અરવિંદ કેજરીવાલના ‘ઝાડૂ’થી સમૂચા રાજકારણની ગંદકી સાફ કરી નાંખી હોય. વાસ્તવિકતા જૂદી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ કંઇ દેવના દીકરા નથી. હોદ્દાની રૂએ ફતવા બહાર પાડ્યે જનારાને ધરાતલ હકીકતોનું ભાન હોય તે તદ્દન જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે જેને દબંગ કે અપરાધી કહે છે તેવા મોટાભાગે બિહાર, ઉ.પ્રદેશ, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડમાં જોવા મળે. જે લગભગ સમાંતર સરકારો ચલાવતા હોય. જેની સામે લૂંટ, ડકૈતી, અપહરણ, ખૂન, બળાત્કાર જેવા જધન્ય અપરાધો નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું રાજકીય પક્ષો આવા લોકોને ટિકિટ આપે છે શું કામ ? સુપ્રીમ કોર્ટ એક આંગળી રાજકીય પક્ષો સામે ચીંધે ત્યારે ભૂલી જાય છે કે બાકીની ચાર આંગળી કઇ તરફ હોય છે. જધન્ય અપરાધીઓને પક્ષો એટલા માટે પણ ટિકિટ આપી શકે છે કેમ કે ન્યાયતંત્ર નમાલાના પેટનું છે. નિર્ભયા-કાંડનાં અપરાધીને સુપ્રીમ કોર્ટે પોતે અને રાષ્ટ્રપતિ જેવા રાષ્ટ્રપતિએ પણ ફાંસી માટે અનેકવાર ‘લાયક’ ગણ્યા છતાં પકડમ્દાવ ચાલે જ છે ને ? ન્યાયતંત્રની લાચારી જોતાં એવી કલ્પના કરવી કઠીન નથી કે ફાંસી ટાળીને આ ચારમાંથી કોઇ પાપી પણ કદાચ આપણો કિંમતી અને પવિત્ર મત લેવા ચૂંટણીમાં ઝંપલાવે ! જ્યાં કાયદો લાચાર અને સરકારી તંત્ર રેઢિયાળ હોય ત્યાં સીધાસાદા નેતાઓનું પાવલુંય ન ઉપજે. ગાંધીનગરમાં 64 દિવસથી અનામતમાં અન્યાય મુદ્દે બહેન-દીકરીયું આંદોલન કરી રહી છે, કોઇ ‘નેતું’ ફરકયું પણ નહોતું. ભલું થજો ‘દબંગ’ ગણાતી કરણીસેનાને કે હાથ નાંખ્યો ને થયો ભડકો. હવે સરકાર હાંફળી-ફાંફળી બનીને ઉકેલ કાઢવા મથે છે. ‘કરણી સેના’ તેના આક્રમક તૅવર માટે જાણીતી છે. આવા ઝૂંઝારૂ-નેતા પર પ્રજા ઓવારી ન જાય તો જ આશ્ર્ચર્ય ! સુપ્રીમ કોર્ટને માલૂમ થાય કે વત્તેઓછે અંશે દેશભરમાં હાલત સરખી છે, સ્વચ્છ, સીધા, શાલિન, સુશીલ અને કાયદાના મર્યાદા પુરૂષોત્તમ નેતાઓને લોકો (બે અક્ષર) સમજે છે. બીજી તરફ પ્રજાની પીડાનો કોઇ પાર નથી હોતો. વહીવટીતંત્ર ખાઇબદેલું અને સીએમ જેવા સીએમને કોમનમેન માની બેસે તેવું ભારાડી થઇ પડ્યું છે. રૂપિયા દેતાં પણ કામ થશે તેની કોઇ ગેરંટી હોતી નથી. એવામાં ‘મહેતો મારે’ય નહીં ને ભણાવેય નહીં’ એવા નિવેદનીયા કે કાકલૂદી કરતા નેતાએ શું ધોઇ પીવા ? લોકોની મજબૂરી કહો કે માન્યતા પણ ઊભાઊભા કામ કરાવી આપે તેવા નેતાની આરતી ઉતારવામાં છોછ્ રાખવી પાલવે તેમ નથી. આમપણ આપણે ત્યાં કાઠીયાવાડમાં મર્દની મૈયતમાં જવું પણ હીજડાની જાનમાં ન જવું એવું વલણ ખરું. રાજકારણનું અપરાધીકરણ ભલે ખરાબ ગણાતું હોય પણ કહેવાતા અપરાધીઓનું રાજકારણ સો દરજ્જે ચોખ્ખું અને ‘યસ ઔર નો’ વાળું હોય તેવો અનુભવ લગભગ મોટાભાગનાંનો રહ્યો છે. વાત વરે પડે એટલે થોડાક આપણાં મુલકનાં દાખલા ટાંકૂ.
આપણાં રાજકોટ જિલ્લામાં વિઠ્ઠલભાઇ રાદડિયા ‘અજરામર’ શા કારણે છે ? લોકોને તેઓની દબંગાઇ ફળી એટલી કેટલાય રાજકારણીઓની કહેવાતી શાલિનતા ફળી નથી. એમ તો રાજકોટમાં ગોવિંદભાઇ પટેલ મંત્રી પણ હતા ને અત્યારે ધારાસભ્ય પણ છે. પણ કરવાનાં શું ? તેઓની સુશીલતા-શાલિનતાના મમરા આવે ? જે કામ કશ્યપ શુક્લ કોર્પોરેટર હોવા છતાં કઢાવી શકે તે કોર્પોરેશનની લાઇટીંગ કમિટીના ચેરમેન હોવા છતાં મુકેશ રાદડિયા કરાવી શકે ખરા ? રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ધર્મપત્ની ગીતાબા સામે ચૂંટણીમાં ઘનશ્યામસિંહ જાડેજા હતા. જયરાજસિંહ અને ઘનશ્યામસિંહની “આભામાં આડાગાડાનો ફેર. (સમજી ગ્યા ને?) છતાં લોકોએ જીતાડ્યા ગીતાબા જાડેજાને ! કારણ ? જયરાજસિંહ બાપુનું ખોરડું અડધી રાતનો હોકારો ગણાય. તેમના દરબારમાં રડતો જાય ઇ હસતો પાછો ફરે. જયરાજસિંહ બાપુને ન્યાયતંત્ર જે નજરે જૂએ તે, જનમાનસમાં બાપુ એટલે ભાંગ્યાના ભેરૂ. આગળ વધીએ. જામનગરમાં આમ તો નામાધારી નેતા ઘણા થઇ ગયા. તેમાં ચીમનભાઇ પટેલની સરકારમાં બંદર-મંત્રી હરિદાસ લાલ (ઉર્ફે : બાબુલાલ)થી માંડી આજનાં રાઘવજી પટેલ અને વિક્રમ માડમનાં નામ લોકજીભે શા માટે છે ! એમ તો વસંતભાઇ સંઘવી, દિનેશ પરમાર, લાલજી સોલંકી, મનહર ઝાલા અને ચન્દ્રેશ પટેલ પણ નેતા હતા, છે અને શાયદ રહેશે પરંતુ જે કામ રાઘવજી પટેલના ધખારાથી અને વિક્રમ માડમના ખોખારાથી થાય તે બીજાથી થાય તેવી કોઇ ગેરંટી નથી. આ બેઉ નેતાઓની છાપ ‘કડક’ પણ તેનાથી જ તંત્રને રહે ફડક. પ્રજાને બીજું શું જોઇએ ? જૂનાગઢ પંથકમાં જશુ ધાના (જે.ડી.) બારડ આવા ‘દબંગ’જન નેતા હતા અને હર્ષદ રાબડીયા અને જવાહર ચાવડા હાલમાં છે. જવાહર ચાવડાએ માણાવદરમાં ડાર્ક ઝોનના અને પોતાનાં મતક્ષેત્રનાં સીમાડા વળોટીને છેક્ વેરાવળથી ઊના સુધીમાં બીપીએલની કામગીરી એમ કહોને કે, બાવડાનાં જોરે કરાવી. જવાહરભાઇએ આ કામના લાભાર્થીમાં ભાજપ-કોંગ્રેસનો ભેદ પણ ન રાખ્યો. જિલ્લાવાઇઝ કેમ્પ રાખી જવાહરભાઇ હાથમાં બડો (ધોકો) લઇને બેસતા અને ઊભાઊભા કામ કરાવી લેતા. આ વિસ્તારમાં લગભગ 6 ટર્મ ધારાસભ્ય રહેલા મહેન્દ્ર મશરૂની છાપ ઇમાનદારની અને જનતાનાં સેવકની ખરી પણ બ્લડ ડોનેટ કરવા-કરાવવા તેમજ મૃતદેહોને સ્મશાનગૃહે પહોંચાડવા સિવાયનાં કામમાં તેમનો ‘રૂમાલ’ ટૂંકો પડતો. જૂનાગઢનો બાયપાસ રોડ અને ગિરનાર પર રૉપ-વે પ્રોજેક્ટનાં મહેન્દ્રભાઇ મૂક-સાક્ષી રહ્યા પણ બાયપાસનું માથે રહીને ઉદ્દઘાટન કરાવવાની જવાહરભાઇ ચાવડા જેવી ત્રેવડ દાખવી ન શકયા. જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસમાં નેતાઓની તા’ણ નથી પણ જે ‘વજન’ સતિષ કેપ્ટનનું અને ગિરીશ કોટેચાનું છે એવું કેટલાનું ? ભીખાભાઇ જોશી કોંગ્રેસના ધારાસભ્ય ખરા પણ પક્ષનાં જૂથવાદ સામે માંડ લડી શકે છે. પ્રજાની સમસ્યા માટે લડવાનો વારો તો આવે ત્યારે ખરો ! અમરેલી પંથકને દબંગ નેતાઓનું હબ ગણવું પડે. અહીં વીરજી ઠૂમર, બાવકૂ ઊંધાડ, પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત, અમરિશ ડેર અને નારણ કાછડિયાની લઘુશંકાએ દીવા બળે છે. તેમની ‘કડક’ છાપ સામે કેશુભાઈ નાકરાણી અને જે.વી.કાવડિયા જેવા શાલિન નેતાઓની મવાળગિરી ફિક્કી પડે. નારણ કાછડિયા એક વખત સાવરકુંડલાના રઘુવંશીપરામાં એક સ્નેહીજનને ત્યાં ગયા. હાલ ચાલ પૂછતા સ્નેહીજને કહ્યું અમારા ઘર આગળ વીજળીનો થાંભલો એવો નડે છે કે પૂછોમાં વાત. કાછડિયાએ પીજીવીસીએલના અધિકારીને ફોન કર્યો કે હું અહીંથી ચા પીને ઉઠું તે પહેલાં વીજળીનો થાંભલો હટી જવો જોઈએ નહીં તો તમારા ઘરની ડેલી સામે બીજો થાંભલો ખોડાવી દઈશ. એક જ કલાકમાં વર્ષોની સમસ્યા સમાપ્ત ! તેમના કાર્યકરની સારવાર ઠીક થઈ નહોતી એવા કંઈક કારણે નારણભાઈએ ડોકટર પર ‘હાથ ઉપાડી’ લીધો એમાં તેમનું સંસદપદ પણ જોખમાયું હતું તેમ છતાં નારણભાઈના તૅવરમાં કોઈ ફેર પડ્યો ન હતો. પ્રતાપ દૂધાત અને અમરિશ ડેર તો વિધાનસભામાંથી સસ્પેન્ડ થવાનો રેકોર્ડ ધરાવે છે. બન્ને લડાયક નેતા પ્રજા માટે જી-જાનથી લડવામાં માને. રાજકીયપક્ષો તેઓને એટલે જ ટિકિટ આપે અને લોકો ખોબલે ખોબલે મત ! ઉના ચાલો. એક સમયે ત્યાં પરમાણંદદાસ ઓઝાના નામે રાજકારણની ર્ધ્રાં (ધરા) ધ્રૂજતી. તેઓ ઊના નજીક બેડિયાના વતની હતા. કેનદ્રમાં મંત્રી એવા પરમાણંદદાસ ઓઝા બેડિયા આવે ત્યારે કેન્દ્રની અડધી કેબિનેટે પણ ત્યાં પહોંચવું પડતું. કહેવાય છે કે કેબિનેટના મહત્વના ફેંસલા બેડિયામાં થતા એટલે પરમાણંદ દાદાને લોકો ‘બેડિયા સરકાર’ના નામે નવાજતા હતા. આ જ ઉના પંથકમાં અત્યારે પુંજાભાઈ વંશ અને કાળુભાઈ રાઠોડ એકબીજાનું માથુ ભાંગે તેવી છાપ ધરાવતા હોય છતાં બન્ને લોકપ્રિય ! કેમ કે પ્રજાના કામ સુલ્ટાવવામાં બેઉની મેથડ સમાન : ધોકે ડોબું દોહવા દે, ધોકે સૈયું છાનુ રે. ધોકે જાર બાજરી ને ધોકે સરકાર પાંહરી ! ઊના પંથકમાં રસીકચન્દ્ર આચાર્ય અને ઊકાભાઈ ઝાલા જેવા દિગ્ગજ નેતા થઈ ગયા પણ તેઓ મર્યાદાપુરૂષોત્તમમાં ખપી ગયા અને પુંજાવંશને કાળુે ચના રાઠોડ પૂર્ણપુરૂષોત્તમમાં !
હવે ચાલો ભાવનાર પંથકમાં. અહીં હાલના વિભાવરીબેન દવે રાજ્ય મંત્રી છે અને જિતુભાઈ વાઘાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ. પણ જે ઉપજણ પરશોત્તમભાઈ સોલંકીની ગેરહાજરીની છે તેવી આ બન્નેની હાજરીની પણ હોતી નથી. પરશોત્તમ સોલંકી નાદુરસ્ત તબિયતના કારણે આરામમાં હોવા છતાં તેમનો પુછ્યા વગર આ પંથકમાં રાજકીય પક્ષો પાણી પી નથી શકતા.
શ્રીમાન સોલંકીની ભૂતકાળની છાપ કેવી છે કોઇથી અજાણ નથી. સુપ્રીમ કોર્ટની નજરે તેઓ અપરાધિક શ્રેણીમાં જઇ ચડે. ભાવનગર પંથકમાં સતત હજરાહજૂર એવા પરબતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાણા કે કેશુભાઇ નાકરાણી જેવા જમાનાના ખાધેલ અને પ્રમાણમાં ઘણા સુશીલ-શાલિન નેતા છતાં પરશોત્તમભાઇ સોલંકીની તોલે કોઇ ના આવે. ખુદ ‘સમાજ’ તેમની સાથે ફેવિકોલની જેમ ચોંટ્યો રહે છે. સુરેન્દ્રનગર પંથકમાં આવુ જ કંઇક નૌશાદ સોલંકીનું સ્થાન છે. ભાજપનાં દિગ્ગજ નેતા અને વિધાનસભાના તત્કાલિન સ્પીકર રમણ વોરાને હરાવી ચૂકેલા નૌશાદ સોલંકીની કલેકટર જેવી પર્સનાલિટી જ પ્રજાના ઘણા ખરા કામ આસાન કરી દે છે. તેમની સામે અબજોપતિ નેતા ધનજી પટેલ પણ ઢીલા પડે, બોલો! પ્રજા ઝૂંઝારૂ, લડાયક, મર્દાના અને પહોંચેલી નેતાગીરી પર વધુ ભરોસો રાખતી થઇ તેનું કારણ વહીવટીતંત્રની ખંધાઇ અને ન્યાય તંત્રની લાચારી બન્ને છે. પક્ષો ટિકિટ કેમ આપે છે તેમ પૂછનારી કોર્ટે સમજવું જોઇએ કે લોકો ઝૂંઝારૂ, લડાયક, ભાંગ ફોડિયા અને દબંગ નેતાઓને ચૂંટે છે કેમ? કારણ બીજું વિશેષ નથી. લોકોને બે પ્રકારનાં નેતાઓનો અનુભવ છે. (1) મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ અને (2) એથી તો કાગા ભલા જેના તનમન એક જ રંગ!! આયી બાત સમજશે? સીધી આંગળિયે ઘી નીકળતું નથી. અને નીકળે તો સુપ્રીમ કોર્ટ ભલે કાઢી લે. પ્રજા પાસે એવો ફાલતુ ટાઇમ નથી!

રિલેટેડ ન્યૂઝ