કેન્દ્રમાં મજબૂત ભાજપ રાજયોમાં નબળો કેમ?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની ભૂંડી હાર થઈ ને એ સાથે ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત પછી હારની હેટ્રિક પૂરી કરી. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 300 કરતાં વધારે બેઠકો કબજે કરી એ વખતે એવું લાગતું હતું કે, ભાજપના ભવ્ય દિવસો પાછા આવી ગયા છે ને ભાજપ પાછો એક પછી એક રાજ્યો સર કરીને સપાટો બોલાવી દેશે. લોકસભાની ચૂંટણીના નવ મહિના કરતાં ઓછા ગાળામાં જ આ ધારણા ખોટી પડી છે. લોકસભાની ચૂંટણી પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની ઉપરાછાપરી હાર થઈ છે ને ત્રણ મહિનાના ગાળામાં જ ભાજપે ચોથા રાજ્યમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં તો ભાજપની સરકાર નહોતી, પણ બાકીનાં ત્રણ રાજ્યોમાં તો ભાજપની સરકારો હતી. આ ત્રણ રાજ્યોમાંથી એક રાજ્યમાં ભાજપે તડજોડ કરીને સરકાર તો બનાવી પણ બાકીનાં બે રાજ્યોમાં તો ભાજપ ભારે ધમપછાડા પછી સરકાર પણ ના રચી શકી.
લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત છતાં ભાજપ સળંગ ચાર રાજ્યોમાં જીતી નથી શક્યો એ મોટી વાત છે ને તેના કારણે ભાજપની રાજ્યોમાં જીતવાની ક્ષમતા સામે ફરી સવાલ ઊભો થયો છે. લોકસભામાં ભવ્ય વિજય મેળવનારો ભાજપ રાજ્યોમાં કેમ જીતી નથી શકતો એ સવાલ ફરી પૂછાવા માંડ્યો છે. આ માટે ઘણાં કારણો જવાબદાર છે ને સૌથી મહત્ત્વનું કારણ કેન્દ્રના રાજકારણમાં મજબૂત વિપક્ષનો અભાવ છે. કેન્દ્રીય સ્તરે હાલ કોંગ્રેસ સૌથી મોટો પક્ષ મનાય છે, પણ તેનો પ્રભાવ મર્યાદિત થઈ ગયો છે. દિલ્હી જેવા રાજ્યમા કોંગ્રેસ એક બેઠક પણ નથી જીતી શકતી તેના પરથી જ તેની હાલત કેવી છે તેનો અંદાજ લગાવી જુઓ.
કોંગ્રેસ નબળી છે કેમ કે તેમની પાસે નેતા જ નથી. કોંગ્રેસ નહેરુ-ગાંધી ખાનદાનની બાપીકી પેઢી બની ગઈ છે ને તેનાથી આગળ વિચારી શકતી નથી તેમાં તેની બુંદ બેઠેલી છે. આ ખાનદાનના રાહુલ ગાંધીને કોઈ ગંભીરતાથી લેતું નથી કેમ કે એ પોતે જ રાજકારણ વિશે ગંભીર નથી. રાહુલ ગાંધી પાસે રાષ્ટ્રીય સ્તરે લોકોને આકર્ષી શકાય એવું કશું નથી તેથી ભાજપ માટે મોકળું મેદાન છે. ભાજપ પાસે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે ને લોકોએ મોદી કે રાહુલ ગાંધીમાંથી પસંદગી કરવાની હોય તો મોદીની જ પસંદગી કરે એ કહેવાની જરૂર નથી. તેના કારણે ભાજપ ફાવી જાય છે. કેટલાંક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો બહુ મજબૂત છે ને ત્યાં ભાજપ ફાવતો નથી, પણ જ્યાં કોંગ્રેસ સાથે સીધી ટક્કર છે ત્યાં એ વાળીઝૂડીને બધું સાફ કરી નાંખે છે. જે પ્રાદેશિક પક્ષો પોતાના રાજ્યમાં મજબૂત છે તેમની રાષ્ટ્રીય અસર નથી તેથી કેન્દ્રીય સ્તરે ભાજપ સામે કોઈ પડકાર નથી. આમ લોકસભાની ચૂંટણીમાં મજબૂત વિકલ્પ નથી તેથી ભાજપને સત્તામાં પાછા ફરવામાં સફળતા મળી, પરંતુ રાજ્યોની ચૂંટણીઓમાં એ સમીકરણ ચાલતાં નથી. તેનું એક કારણ પ્રાદેશિક પક્ષોનો દબદબો છે અને બીજું કારણ ભાજપની પોતાની નીતિઓ છે.
ભાજપે દેશનો વિકાસ કરવાની બહુ ફેંકાફેંક અત્યાર લગી કરી છે, પણ અર્થતંત્રની હાલત આપણી સામે છે. તેના પરથી જ દેશે કેવો વિકાસ કર્યો છે તેની ખબર પડી જાય. રોજગારી નથી, જીડીપી વિકાસ દર તળિયે છે ને વિદેશી રોકાણ આવતું નથી તેમાં અર્થતંત્ર સાવ લબડી ગયું છે. ભાજપ આર્થિક મુદ્દે લોકોને ગોળીઓ ગળાવે છે, પણ હવે લોકો તેની વાતોમાં આવતા નથી ને ગોળીઓ ગળતા નથી. ભાજપને આ વાતની ખબર પડી ગઈ છે તેથી ભાજપ કોઈ પણ વાતને હિંદુ વર્સીસ મુસ્લિમનો રંગ આપી દે છે. પોતે સિવાય બીજો કોઈ પક્ષ સત્તામાં આવશે તો હિંદુઓની બહેન-બેટીઓ સલામત નહીં રહે ને એવી સાવ બકવાસ વાતો કરવા બેસી જાય છે. આ ઓછું હોય તેમ આંતરે દાડે નરેન્દ્ર મોદી ને તેમના ભાયાતો પાકિસ્તાનની પારાયણ માંડી દે છે. ભાજપને એમ છે કે, આપણે આ બધું કરીશું તેમાં લોકોને રાષ્ટ્રવાદનો ઊભરો આવી જશે ને લોકો આપણને મત આપી દેશે પણ લોકોને આ બધું સાંભળીને ઊબકા આવે છે. સામે કોંગ્રેસ હોય તો લોકો એ પણ સહન કરી લે, પણ બીજા વિકલ્પ હોય તો લોકો ભાજપને પણ સહન કરવા તૈયાર નથી. તેના કારણે ભાજપની ભૂંડી હાર થાય છે.
ભાજપ પોતાના સાથી પક્ષોને સાચવવામાં નથી માનતો એ પણ એક કારણ છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથેનું જોડાણ તૂટ્યું એ તેનો પુરાવો છે. એ પહેલાં આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ પણ આ રીતે જ અલગ થયા હતા. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી સૌને સાથે લઇને ચાલવાના બદલે પોતે જ સર્વ સત્તા ભોગવવાની ભાજપની જિદ તેને જ ભારે પડી રહી છે ને રાજ્યો ભાજપના હાથમાંથી જઈ રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ