કેજરીવાલના શપથમાં કોમનમેન જ વીઆઈપી!

નવીદિલ્હી તા,14
16મી ફેબ્રુઆરીએ અહીં રામલીલા મેદાન ખાતે આમ આદમી પાર્ટી (આપ)ના ક્ધવીનર અરવિંદ કેજરીવાલની શપથવિધિનો જે સમારોહ યોજાશે એમાં આવવાનું અન્ય કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનને તથા રાજકીય નેતાઓને આમંત્રણ નહીં અપાય, એવું આપના એક વરિષ્ઠ નેતાએ ગુરુવારે જણાવ્યું હતું. આપના દિલ્હી એકમના ક્ધવીનર ગોપાલ રાયે કહ્યું હતું કે માત્ર દિલ્હીને ધ્યાનમાં રાખીને યોજાનારા સમારંભમાં કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકેની ત્રીજી મુદત માટેના શપથ ગ્રહણ કરશે. દિલ્હીની જનતા કે જેણે કેજરીવાલની નેતાગીરીમાં ફરી વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે તેમની સાથે મળીને કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકેના સોગંદ લેશે.
આપના એક કાર્યકરે કહ્યું હતું કે આ સમારોહમાં અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોને અને ભાજપ-સિવાયના પક્ષોના નેતાઓને આમંત્રણ આપીને અમે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં ઘર્ષણમાં ઊતરનારાઓ છીએ એવો સંદેશ અમારો પક્ષ આપવા નથી માગતો.
દિલ્હીના શાસક પક્ષના આ કાર્યકરે એવું પણ કહ્યું હતું કે ન2013માં તથા 2015માં પણ કેજરીવાલના શપથવિધિ સમારોહમાં કોઈ પણ રાજકીય નેતાઓને અને મુખ્ય પ્રધાનોને નહોતા બોલાવવામાં આવ્યા. અમે રવિવારના સમારંભને માત્ર દિલ્હીલક્ષી જ બનાવવા માગીએ છીએ.થ
આપના એક નેતાએ જણાવ્યું હતું કે આ સરકારી સમારોહમાં જાહેર જનતાને પ્રવેશ આપવામાં આવશે. આપ પક્ષે 8મી ફેબ્રુઆરીની વિધાનસભાની ચૂંટણીમાં 70માંથી 62 બેઠક જીતી લીધી હતી. 11મીએ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને 8 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો.
દિલ્હીમાંના ભાજપના તમામ સાત સંસદસભ્યોને તેમ જ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને રિવાજ પ્રમાણે શપથગ્રહણ સમારોહમાં બોલાવવામાં આવશે.
દરમિયાન, બુધવારે આપના નેતા મનીષ સિસોદિયાએ દિલ્હીની જનતાને રવિવારના આ શપથગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં આવવાની વિનંતી કરી હતી. સમારોહ રામલીલા મેદાન ખાતે સવારે 10.00 વાગ્યે શરૂ થશે.
કેજરીવાલના નવા પ્રધાનમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ થશે એવી સંભાવના નથી અને અત્યારે પ્રધાનોને જે ખાતા ફાળવવામાં આવ્યા છે એ જ ખાતા તેમની પાસે રાખવામાં આવશે. આ કેબિનેટમાં કેજરીવાલ અને સિસોદિયા ઉપરાંતના પ્રધાનોમાં સત્યેન્દર જૈન, ગોપાલ રાય, રાજેન્દ્ર પાલ ગૌતમ, ઇમરાન હુસૈન અને કૈલાશ ગેહલોતનો સમાવેશ છે.

રિલેટેડ ન્યૂઝ