ટ્રમ્પની ખર્ચાળ મહેમાનગતિ ભારત માટે ખોટનો ધંધો ?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને જ ભારતમાં પધરામણી કરશે એ નક્કી થઈ ગયું છે. આ જાહેરાત પ્રમાણે ટ્રમ્પ 24 ને 25 ફેબ્રુઆરીએ ભારતમાં પધરામણી કરશે. મૂળ વાત ત્રણ દિવસની હતી તેના બદલે આખો કાર્યક્રમ બે દિવસનો જ જાહેર કરાયો છે. એ વખતે ટ્રમ્પ નવી દિલ્હી ને અમદાવાદ જશે. અમદાવાદમાં નવા રૂપરંગ સજાવીને તૈયાર કરાયેલા મોટેરા સ્ટેડિયમમાં નહાઉડી મોદીથ સ્ટાઈલનો નકેમ છો, ટ્રમ્પ કાર્યક્રમ થશે ને પછી ટ્રમ્પ દિલ્હી વહ્યા જશે. દિલ્હીમાં ડીનર ને એવા બધા સરકારી કાર્યક્રમો થશે.
અમેરિકા સ્વાર્થી છે ને પોતાના લાભ વિના કશું કરતું નથી. અમેરિકા દુનિયામાં સૌથી મોટો વેપારી દેશ છે ને પોતાનો ફાયદો ના હોય તો કોઈની છીંકણી પણ ના લે એવો દેશ છે. ટ્રમ્પ એ દેશના પ્રમુખ છે તેથી કશું કહેવાપણું હોય જ નહીં. લાલો લાભ વિના લોટે જ નહીં. એ જે કંઈ કરે એ પોતાના ફાયદા માટે જ કરે ને ભારત-યાત્રા પણ તેમના લાભાર્થે જ છે. અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે ને ટ્રમ્પ બીજાં ચાર વર્ષ માટે પ્રમુખ બનવા થનગની રહ્યા છે. એ માટે જે પણ વાનાં કરવાં પડે એ બધાં એ કરે છે. અમેરિકામાં ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે ને તેમાં ગુજરાતીઓ સારા એવા પ્રમાણમાં છે. ટ્રમ્પ અહીં આવે ને ગુજરાતીઓને રાજી કરી દે તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓના મત સાગમટે તેમને મળી જાય એવો ગોળ કોઈએ ટ્રમ્પ સાહેબની કોણીએ લગાડી દીધો છે. મોદી સરકાર પણ થોડો વધારે ગોળ નાંખે તો ચાલે પણ એ ગળપણનો લાભ આપણને મળવો જોઈએ. આપણે ગોળ નાખ્યા કરીએ ને અમેરિકનોનાં મોં મીઠાં થયા કરે એ ના ચાલે. આ કારણે જ ટ્રમ્પની યાત્રાથી આપણને શો ફાયદો થાય એ વિચારવું જરૂરી છે.
ટ્રમ્પ પાસેથી આપણને બીજી કોઈ અપેક્ષા નથી, ખાલી એ આપણને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) સ્કીમમાં સામેલ કરી દે એટલે ભયો ભયો. જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)ની શરૂઆત અમેરિકાએ 1976માં વિકાસશીલ દેશોને અમેરિકાના બજારમાં પોતાનો માલ વેચીને વિકાસ કરવાની તક મળે એ માટે કરેલી. આ સિસ્ટમ હેઠળ સંખ્યાબંધ વસ્તુઓને કોઇ પણ કરવેરા (ડ્યૂટી) ભર્યા વિના કે સાવ નજીવો કરવેરો ભરીને અમેરિકામાં નિકાસની મંજૂરી મળે છે. અમેરિકાના પગલે બ્રિટન અને યુરોપિયન યુનિયન પણ વિકાસશીલ દેશોને જીએસપી હેઠળ કેટલીક વસ્તુઓની નિકાસની મંજૂરી આપે છે. જીએસપીનો મુખ્ય ઉદ્દેશ વિકાસશીલ દેશોની નિકાસ વધારવાનો છે.
ભારતે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફેરેન્સિસ (જીએસપી)નો સૌથી વધારે લાભ લીધો છે. આ સ્કીમ હેઠળ ભારતનાં ઉત્પાદનો અમેરિકાના બજારમાં ઠાલવી શકાતાં ને તેમના પર કોઈ ટેક્સ નહોતો લાગતો. જીએસપી હેઠળ ભારતની ઓટો કમ્પોનેન્ટ્સ સહિતની 3000 વસ્તુઓને ટેક્સ ફ્રી નિકાસની સુવિધા મળતી હતી. ભારત આ સ્કીમ હેઠળ લગભગ 5600 કરોડ ડોલરની નિકાસ અમેરિકામાં કરતું હતું.
ટ્રમ્પે ભારતને અપાયેલું આ સ્ટેટસ પાછું ખેંચી લીધું તેથી ભારતની લગભગ 5.6 અબજ ડોલરની ભારતીય નિકાસ અમેરિકાના બજારમાં ટેક્સ ફ્રી ના રહી. ભારતે બીજા દેશો સાથે સ્પર્ધા કરવી પડી તેમાં મોટા ભાગની નિકાસ બંધ થઈ ગઈ. ભારતમાંથી ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર સિવાયની લેધર પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, પ્લાસ્ટિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ તથા કૃષિ ક્ષેત્રનો માલ આ સિસ્ટમ હેઠળ મોટા પ્રમાણમાં અમેરિકામાં નિકાસ કરાતો. આ નિકાસ છેલ્લા સાતેક મહિનાથી બંધ થઈ ગઈ છે તેથી આપણને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. તેના કારણે આપણી કંપનીઓ પાસે કામ ઘટ્યું છે ને તેથી રોજગારી પણ ઘટી છે.
ટ્રમ્પ ભારત આવે ત્યારે બીજું કશું ના કરે ને ભારતને ફરી જીએસપી સ્કીમનો લાભ આપવાની જાહેરાત કરે તો પણ ઘણું કહેવાય. તકલીફ એ છે કે, ટ્રમ્પ એવા મૂડમાં નથી. આ સ્કીમ વિકાસશીલ દેશો માટે છે ને અમેરિકા હવે ભારતને વિકસિત દેશ માને છે. વિશ્ર્વના વેપારમાં અડધો ટકો કરતાં ઓછો હિસ્સો હોય એવા દેશોને અમેરિકા વિકાસશીલ દેશ ગણે છે જ્યારે આપણો હિસ્સો બે ટકાથી વધારે થઈ ગયો છે. ટ્રમ્પની ભારતયાત્રા પહેલાં જ અમેરિકાએ આ જાહેરાત કરી છે એટલે આપણે ટ્રમ્પ પાછળ જે કરોડોનું આંધણ કરવાના છે એ લેખે લાગે એવું લાગતું નથી. ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના જેવો ઘાટ થઈને ઊભો રહેશે.

રિલેટેડ ન્યૂઝ