ચૂંટણી દિલ્હીની અને મુદ્દો ભારત-પાક.નો !

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ મતદાન છે. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં સત્તા કબજે કરવા માટે ત્રિપાંખિયો જંગ છે. આ જંગ પહેલાં ગુરુવારે ભાજપના મોડલ ટાઉનના ઉમેદવાર કપિલ મિશ્રાએ ટ્વિટ કરી કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ ભારત વિરુદ્ધ પાકિસ્તાન. દિલ્હીની શેરીઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થશે. મિશ્રાએ બીજી પણ ટ્વિટ કરી છે ને તેમાં લખ્યું છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શાહીન બાગ જેવાં મિનિ પાકિસ્તાન ઊભાં કર્યાં છે. તેના જવાબમાં 8 ફેબ્રુઆરીએ આખું હિંદુસ્તાન ઊભું થશે. જ્યારે જ્યારે ભારતમાં દેશદ્રોહી પાકિસ્તાન ઊભું કરશે ત્યારે ત્યારે દેશભક્તોનું હિંદુસ્તાન સામે ઊભું રહી જશે. મિશ્રાએ એક ટ્વિટમાં અરવિંદ કેજરીવાલને ઘુંઘરુ શેઠ ગણાવ્યા છે ને દાવો કર્યો છે કે કેજરીવાલ અને દેશમાંથી એકની પસંદગી કરવાની હતી ને પોતે દેશની પસંદગી કરી છે.
મિશ્રાની રાજકીય કારકિર્દીની આ ઝલક છે. આપણે ત્યાં મિશ્રા જેવા ઘણા રાજકારણીઓ છે કે જે પહેલાં કોઈના પર ઓળઘોળ થઈ જાય છે ને પછી જરાક વાંકું પડે કે જેને ભગવાન માનતા હોય તેનાં લૂગડાં ઉતારવામાં કોઈ કસર ના છોડે. આપણા રાજકારણની આ ખાસિયત બનતી જાય છે તેથી મિશ્રાને એ વિશે કંઈ કહેવાનો મતલબ નથી પણ મિશ્રાએ આ ચૂંટણીને ભારત વિરુદ્ધ પાકિસ્તાનના જંગમાં ખપાવી છે એ મુદ્દો ચોક્કસ ચર્ચા કરવા જેવો છે. આ દેશના સત્તાધારી પક્ષનો એક નેતા લોકશાહી રીતે લડાતી દેશની ચૂંટણીને ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો જંગ ગણાવે એ શરમજનક કહેવાય. ચૂંટણી લોકશાહીની પરંપરાનો ભાગ જ છે ને તેમાં આ દેશનાં લોકો જ ભાગ લેતાં હોય છે. આ ચૂંટણીમાં ઊભા રહેનારા ને મતદાન કરનારા બંને ભારતીય જ હોય છે. તેમાં પાકિસ્તાનની વાત ઘૂસેડવી એ ખરેખર તો માનસિક વિકૃતિ છે. આ દેશના બંધારણે નક્કી કરેલી પ્રક્રિયા પ્રમાણે સત્તા મેળવવા માટે લડાતી ચૂંટણીમાં પાકિસ્તાન ક્યાંથી આવી ગયું એ વાત સામાન્ય સમજની તો બહાર જ છે. કોઈ વિકૃત જ આ વાત કરી શકે. મિશ્રાએ આ લવારો કરીને ખરેખર તો દેશના બંધારણનું અપમાન કર્યું છે.
મિશ્રાએ આ બકવાસ કરીને દિલ્હીની પ્રજાના ચોક્કસ વર્ગના દેશાભિમાન અને દેશપ્રેમ સામે પણ શંકા કરી છે. મિશ્રાના કહેવાનો અર્થ સ્પષ્ટ છે. ભાજપના નેતાઓ પોતે દેશપ્રેમનો ઠેકો લઈને બેઠા હોય એ રીતે વર્તે છે ને મિશ્રા પણ તેમાંથી એક છે. મિશ્રા પોતાને હિંદુસ્તાન ગણાવે છે ને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસને પાકિસ્તાન ગણાવે છે. મિશ્રાના મતે જે લોકો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સાથે ઊભા છે એ બધા પાકિસ્તાની છે ને 8 ફેબ્રુઆરીએ તેમનો ભાજપ એટલે કે હિંદુસ્તાન સાથે જંગ છે. મિશ્રાને આ રીતે કોણ હિંદુસ્તાની ને કોણ પાકિસ્તાની એવાં સર્ટિફિકેટ વહેંચવાનો અધિકાર છે જ નહીં ને એ પોતાની હલકી માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે.
આ દેશમાં લોકશાહી છે ને લોકશાહીમાં કોઈને કશું પણ ના ગમે તો તેની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. આ દેશની પ્રજાએ લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે. આ બહુમતી સરકાર બનાવવા ને દેશનો વહીવટ ચલાવવા માટે આપી છે. બહુમતીનો અર્થ એ નથી જ કે, ભાજપના નેતા કંઈ પણ બોલે ને તેની સામે કોઈએ કશું બોલવાનું જ નહીં, ભાજપની સરકાર કશું પણ કરે તેને માથે ચઢાવીને તેની આરતી ઉતારવાની. ભાજપ પાસે લોકસભામાં બહુમતી છે તેથી એ બંધારણની મર્યાદામાં રહીને પોતાને ગમે તેવા કાયદા પણ બનાવી શકે ને બીજા નિર્ણયો પણ લઈ શકે. આ દેશના બંધારણે તેને એ અધિકાર આપ્યો છે ને ભાજપ તેનો ઉપયોગ કરે તેમાં કશું ખોટું નથી પણ ભાજપે એ પણ સમજવાની જરૂર છે કે એ જ બંધારણે આ દેશનાં લોકોને પણ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે. લોકો એ અધિકારનો ઉપયોગ કરે તેમાં પણ કશું ખોટું નથી. એ અધિકારનો ઉપયોગ કરનાર પાકિસ્તાની બની નથી જતા. આ દેશના બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરીને એ લોકો વિરોધ કરે છે તેથી એ ભાજપવાળા જેટલા જ ભારતીય છે.
દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને કેટલા ટકા મતદારો મત આપશે તે ખબર નથી પણ નાખી દેતાં પણ પચાસેક ટકા મતદારો તો તેમને પડખે રહેશે જ. ભાજપને પચાસ ટકા કરતાં વધારે મત મળવાની શક્યતા ઓછી છે. મિશ્રાએ આ પચાસ ટકા લોકો પર અત્યારથી પાકિસ્તાની હોવાનું લેબલ લગાવી દીધું છે, તેમને દેશદ્રોહી ગણાવી દીધા છે ને કહી દીધું છે કે, દિલ્હીમાં ભાજપ ના જીતે તો એ પાકિસ્તાન ગણાશે. દિલ્હીની પ્રજાને આ વાત માન્ય છે ? ખબર નથી. દિલ્હીની પ્રજા 8 ફેબ્રુઆરીએ મિશ્રાને શું જવાબ આપે છે એ જોઈએ.

રિલેટેડ ન્યૂઝ