CABનો અમલ કોઇ રાજ્ય અટકાવી ન શકે

નવી દિલ્હી,તા.14
ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે નાગરિકત્વ (સુધારા) ધારો, 2019 બંધારણના સાતમા પરિશિષ્ઠની કેન્દ્રીય યાદી (યુનિયન લિસ્ટ) હેઠળ ઘડાયો હોવાથી રાજ્યો તેનો અમલ અટકાવી ન શકે.
અગાઉ, પશ્ર્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનોએ આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને પોતાના રાજ્યોમાં તેનો અમલ નહિ કરાવવાની જાહેરાત કરી હતી.
ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય યાદી હેઠળના કેન્દ્રના કાયદાનો અમલ નકારવાની રાજ્યોને કોઇ સત્તા જ નથી.
બંધારણના સાતમા પરિશિષ્ઠમાંની કેન્દ્રીય યાદીમાં સંરક્ષણ, વિદેશી બાબતો, રેલવે, નાગરિકત્વ, વિદેશી દ્વારા કાયદેસર નાગરિકત્વ મેળવવું સહિતની 97 બાબતનો સમાવેશ કરાયો છે.
કેરળના મુખ્ય પ્રધાન પિનારાયી વિજયને ગુરુવારે જણાવ્યું હતું કે આ કાયદો ગેરબંધારણીય છે અને તેનો અમારા રાજ્યમાં અમલ નહિ કરાય.
પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તમારા (ભારતીય જનતા પક્ષના) ચૂંટણીઢંઢેરામાં તમે દેશના વિકાસને બદલે રાષ્ટ્રના વિભાજનનું વચન આપ્યું હોવાનું લાગે છે.
મમતા બેનરજીએ સવાલ કર્યો હતો કે ધર્મના નામે નાગરિકત્વ શું કામ આપો છો? હું તમને પડકાર ફેંકું છું. અમે આ કાયદાને નહિ સ્વીકારીએ.
પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્યસભામાં બહુમતી મેળવી તમે (ભાજપ) બળજબરીથી ખરડો પસાર કરાવીને તેનો કાયદો બનાવી શકો છો, પરંતુ અમે દેશનું વિભાજન થવા નહિ દઇએ.
પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે આ કાયદાને દેશની બિનસાંપ્રદાયિકતા પરનો સીધો હુમલો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે અમારી સરકાર પંજાબમાં આ કાયદાનો અમલ નહિ કરાવે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં અમારી બહુમતી છે અને અમે સંબંધિત ખરડાને અટકાવીશું.
સુધારિત નાગરિકત્વ કાયદામાં પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનમાંની ધાર્મિક સતામણીથી કંટાળીને 2014ની 31મી ડિસેમ્બર પહેલાં ભારત નાસી આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી કોમના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઇ છે. આ છ કોમના લોકો 11 વર્ષથી ભારતમાં રહેતા હોય તો તેઓને ભારતનું નાગરિકત્વ આપવાની અગાઉના કાયદામાં જોગવાઇ હતી, પરંતુ તેને ઘટાડીને હવે પાંચ વર્ષની કરાઇ છે.
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે આ કાયદો ગેરબંધારણીય છે. કોંગ્રેસ પક્ષ જે કોઇ નિર્ણય લેશે તેનો છત્તીસગઢમાં અમલ થશે.
અગાઉ જો કોઇ વિદેશી ભારતમાં ગેરકાયદે વસાહતી સાબિત થયો હોય અને તેની સામે કાયદેસર કાર્યવાહી ચાલુ હોય તો પણ તેને નાગરિકત્વ આપવાની સુધારિત નાગરિકત્વ કાયદામાં જોગવાઇ છે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે જણાવ્યું હતું કે અમે આ કાયદાના અમલમાં કોંગ્રેસના વલણ મુજબ કામ કરીશું.
તેમણે સવાલ કર્યો હતો કે શું અમને ભાગલાવાદના બી રોપવાના ભાગીદાર બનાવવા પ્રયાસ કરાય છે?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે આ ખરડો બંધારણના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધનો હતો. આ કાયદાનું ભાવિ સર્વોચ્ચ અદાલતે નક્કી કરવું જોઇએ. અગાઉ, સુધારિત નાગરિકત્વ ખરડાને લોકસભાએ સોમવારે અને રાજ્યસભાએ બુધવારે પસાર કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ