શિવસેના CABની તરફેણમાં પણ રાઉતે પડકાર્યો બંડ

નવી દિલ્હી તા. 12
રાજ્યસભામાં શિવસેનાએ નાગરિકત્વ (સુધારા) ખરડા પરની ચર્ચા દરમિયાન શાસક ભારતીય જનતા પક્ષ (ભાજપ) પર નિશાન તાક્યું હતું. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે એક તબક્કે પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તમને જો પાકિસ્તાનની ભાષા (પાકનો અભિગમ) પસંદ ન હોય તો હું કહું છું કે આપણી સરકાર જો એટલી બધી હિંમતવાન હોય તો કેમ તમે એનો નાશ નથી કરી નાખતા (પાકિસ્તાન કો ખતમ કરો).
શિવસેનાના સાંસદ રાઉતને સભાના અધ્યક્ષે પ્રવચન માટે ત્રણ મિનિટનો સમય આપ્યો હતો, પરંતુ તેમણે કુલ છ મિનિટથી પણ વધુ સમય લીધો એટલે (એક અહેવાલ મુજબ) નાછૂટકે તેમનો માઇક્રોફોન સ્વિચ્ડ-ઑફ કરી નાખવામાં આવ્યો હતો.
શિવસેનાએ લોકસભામાં આ વિવાદાસ્પદ ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું, પરંતુ બુધવારે રાજ્યસભામાં એના વરિષ્ઠ નેતા રાઉતે આ ખરડાનો વિરોધ કરતા કહ્યું હતું કે આ ખરડાને ધર્મની દૃષ્ટિએ નહીં, પણ માનવતાની દૃષ્ટિએ જોવો જોઈએ. ઘૂસણખોર અને નિરાશ્રિતો વચ્ચે ભેદ છે જેને પારખવો જોઈએ.
રાઉતે કહ્યું હતું કે બિન-મુસ્લિમો લઘુમતીઓને ભારતમાં નાગરિકત્વ આપતી વખતે કોઈ વોટ-બેન્ક પોલિટિક્સ ન થવું જોઈએ. તેઓને પચીસ વર્ષ સુધી મતાધિકાર નહીં આપવામાં આવે તો થોડી સમતુલા જળવાશે. જે લોકો આ ખરડાનો વિરોધ કરી રહ્યા છે તેમને દેશદ્રોહી માનવામાં આવી રહ્યા છે.
રાઉતે વધુમાં કહ્યું હતું કે અમે (અમારો પક્ષ) કેટલા દેશભક્ત છીએ એ માટે અમને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.
તમે જે સ્કૂલમાં ભણો છો એમાં અમે હેડમાસ્ટર છીએ. બાળાસાહેબ ઠાકરે અમારા હેડમાસ્ટર હતા.
અટલજી અને શ્યામાપ્રસાદ મુખરજીને પણ અમે હેડમાસ્ટર ગણીએ છીએ. અમને તેમનામાં વિશ્ર્વાસ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ