CAB: ભાજપ વિરોધી એ ભારત વિરોધી ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલા સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ લોકસભામાં સોમવારે જ પસાર થઈ ગયેલું ને બુધવારે આ ખરડો રાજ્યસભામાં રજૂ પણ પસાર ગયો.
તેનાથી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં તો ભડકો જ થઈ ગયો છે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે ને આ સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે તેથી ત્યાં શું ચાલે છે તેની ખબર જ નથી પડતી. આસામમાં પણ એ હાલત છે ને લોકો રસ્તા પર આવી ગયા છે.
મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલ એરપોર્ટ પર અટવાઈ ગયા તેના પરથી જ મામલો ગંભીર છે એ ખબર પડે છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં લશ્કર મોકલવું પડ્યું છે ને અર્ધલશ્કરી દળના જવાનો પાંચેક હજાર જવાનો ઉતારવા પડ્યા છે. તેના પરથી જ ત્યાં તણાવ છે તેની ખબર પડે જ. બીજી બાજુ વડાપ્રધાનથી માંડી સમૂચો ભાજપ આ મામલે વિપક્ષોની તાર્કિક દલીલ સાંભળ્યા પછી તેના પર ‘પાકિસ્તાની’નું લેબલ લગાવી રહ્યા છે.
એક તંદુરસ્ત લોકશાહીના વડા તરીકે મોદીએ આ બધા વાંધા-વચકા ને વિરોધને સ્વીકારવા પડે ને તેને ધ્યાનમાં પણ લેવા પડે. કોઈ પણ વ્યક્તિ કે પક્ષ કે સંગઠનના વાંધા-વચકા કે વિરોધ આપણી લોકશાહીનો જ ભાગ છે એ વાતને બહુ સહજતાથી સ્વીકારવી પડે. તેના કારણે કોઈ પાકિસ્તાનનું દલાલ કે પાકિસ્તાની થઈ જતું નથી એવી સમજ બતાવવી પડે. કમનસીબે મોદી એવી વાત કરવાના બદલે જ્યારે ને ત્યારે પાકિસ્તાનની વાત માંડીને જ બેસી જાય છે. મોદી સાહેબના લોજિક પ્રમાણે તો ઉત્તર-પૂર્વમાં જે લોકો આ ખરડાનો વિરોધ કરે છે એ લોકો પણ પાકિસ્તાનની ભાષા બોલે છે ને આ કારણે જ એ લોકો વિરોધ કરે છે. આ દેશનાં લોકો વિશે જ આવી વાત કરવી આ દેશના વડાપ્રધાનને શોભતી નથી.
એક ખરડો પસાર થાય કે ના થાય એ મુદ્દો અલગ છે. આ દેશની સંસદમાં બહુમતી ધરાવતા પક્ષના નેતા તરીકે મોદીને નવો કાયદો બનાવવાનો અધિકાર છે ને એ પોતે એ અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેની સામે દેશનાં લોકો કે રાજકીય પક્ષો પોતાના વાણી સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરે ત્યારે તેમને પાકિસ્તાનની ભાષા બોલનારા ગણાવવા એ સારી વાત ના કહેવાય.
બીજું એ કે, રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે બધું કરતા હોય છે. ભાજપ પણ લાભ વિના લોટી નથી રહ્યો. તેને કંઈ અમથો બીજા દેશમાંથી આવેલા લોકો પર પ્રેમ નથી ઊભરાયો.
એ લોકો પોતાના રાજકીય ફાયદા માટે જ આ બધું કરે છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ રાજકીય ફાયદા માટે વિરોધ કરે છે ત્યારે પાકિસ્તાનને વચ્ચે લાવવાની જરૂર જ ક્યાં છે?
મોદી જેવી જ વાત અમિત શાહે કરી છે. અમિત શાહે જાહેર કર્યું કે, ભારતના પાડોશી દેશોમાં લઘુમતીઓ પર દમન થતું હોય ને ભારત ચૂપચાપ જોયા કરે એવું ના બને. આ ભાવના બહુ સારી છે ને કોઈના પર થતા અત્યાચારો રોકવા માટે આપણી સરકાર સક્રિય થાય તેનાથી રૂડું કશું જ ના હોય, પણ સવાલ એ છે કે આ મહેરબાની ત્રણ દેશોની લઘુમતી પર જ કેમ ? આપણા પાડોશમાં તો ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા, માલદીવ્સ, ઈન્ડોનેશિયા ને થાઈલેન્ડ પણ છે. પાડોશમાં લઘુમતીઓની એટલી જ ચિંતા હોય તો આ દેશોની લઘુમતી પ્રજાની પણ ચિંતા કરવી જોઈએ કે નહીં ?
પાકિસ્તાન, અફઘાનિસ્તાન ને બાંગ્લાદેશ એ ત્રણ દેશોમાં લઘુમતીઓની હાલત ખરાબ છે તેના કરતાં વધારે ખરાબ હાલત આ બધા દેશોમાં છે. આપણને એટલું જ હેત ઊભરાતું હોય તો પછી તેમની પણ ચિંતા કરવી જોઈએ ને? શાહ તેમની ચિંતા કરવાના બદલે ત્રણ જ દેશોની લઘુમતીની ચિંતા કરે છે તેનો અર્થ શો? કે પછી શાહના કહેવાનો અર્થ એ નથી ને કે ભવિષ્યમાં બીજા દેશોના લઘુમતી લોકો પર પણ આપણને હેત ઊભરાશે ને ભારત ધર્મશાળા બનીને રહી જશે ?
વાસ્તવમાં શાહ ને મોદી બંને છાસ લેવા નિકળ્યા છે ને દોણી સંતાડે છે. ભાજપ સરકારને પાડોશી દેશોમાં લઘુમતીઓ પર થતા દમન કે અત્યાચારોની જરાય ચિંતા નથી, તેમને ચિંતા પોતાની મતબેંકની છે ને આ મતબેંકને મજબૂત કરવાનો આ ખેલ છે. મોદી વરસોથી પાકિસ્તાન વિરોધી વાતો કરીને પોતાનું રાજકારણ રમ્યા કરે છે. તેના કારણે હિંદુવાદી મતબેંક ઝૂમી ઉઠે છે, આ દેશમાં પાકિસ્તાનને ગાળો ભાંડવામાં આવે તો લોકોને ગમે છે ને અત્યારે પણ એ જ ખેલ ચાલે છે.

રિલેટેડ ન્યૂઝ