શિવસેનાએ NCP ને પણ અઢી વર્ષ CM પદ આપવું પડશે

નવી દિલ્હી,તા.21
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે બીજેપી અને શિવસેનામાં નારાજગી સીએમ પદની સંયુક્ત વહેંચણી અંગે જ હતી. હવે એવા સમાચાર છે કે શિવસેનાને એનસીપી સાથે પણ સીએમ પદની વહેંચણી કરવી પડશે. એનસીપીના સૂત્રોના માધ્યમથી મળતા ન્યૂઝ મુજબ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પહેલા અઢી વર્ષ શિવસેના પાસે અને પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મળી શકે છે. નોંધનીય છે કે બીજેપી સીએમ પદની વહેંચણી કરવા ઈચ્છતી નહોતી. જ્યારે શિવસેનાનું કહેવું હતું કે ચૂંટણી પહેલા આના પર સહમતિ બનશે. છેલ્લે શિવસેના અને બીજેપીના રસ્તા અલગ થઈ ગયા અને ગઠબંધનની સરકાર બનતા-બનતા રહી ગઈ.
મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે અનેક દિવસથી કોશિશ કરી રહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આજે આગળ વધતા જોવા મળે છે. દિલ્હીમાં એનસીપી લીડર શરદ પવારના ઘરે થયેલી બેઠક પછી કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં એક સ્થિર સરકારની જરુર છે. તેમણે કહ્યું કે અમારી વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જરુર છે. આ ઉપરાંત એનસીપી લીડર નવાબ મલિકે કહ્યું કે રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વગર સ્થિર સરકાર નથી બની શકતી. બન્ને નેતાઓના નિવેદનથી એવું માનવામાં આવે છે કે કોંગ્રેસે શિવસેના સાથે ગઠબંધનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવા અંગે વાત થઈ હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં અનેક દિવસોથી અસ્થિરતા છે અને હવે એક મજબૂત સરકારની જરુર છે. જોકે, પૃથ્વીરાજ ચૌહાણે શિવસેના સાથે ગઠબંધન પર સહમતિ અંગે કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી. જોકે, રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જરુર દર્શાવીને એ સંકેત જરુર આપ્યો છે કે હવે શિવસેના સાથે જવા પર પાર્ટી અસમંજસમાં નથી.
ચૌહાણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી અસ્થિરતા અને સરકાર ગઠન કરવા અંગે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે લાંબી વાત થઈ હતી. હાલ વાત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર હોવી જોઈએ. આશરે 20 દિવસોથી રાજ્યમાં અસ્થિરતા ચાલી રહી છે. હાલ કેટલીક વાતો થવાની બાકી છે. જેના પર આજે અથવા તો કાલમાં વાત થઈ જશે. આ તકે એનસીપીના નેતા નવાબ મલિકે શિવસેના સાથે જવાની વાત કરતા કહ્યું કે ત્રણે દળોના સાથે આવ્યા વગર રાજ્યમાં સ્થિર સરકાર નહીં બને.

રિલેટેડ ન્યૂઝ